Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

નાલંદા તીર્થધામમાં આયંબિલ તપ પૂર બહારમાં: બુધવારે માનવ રાહત કાર્ય

આખી ઓળીની તપસ્યાના શનિવારે પારણા

રાજકોટ તા. ૧પઃ ગો. સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા. બ્ર. પૂ. શ્રી ઇન્દુભાઇ મહાસતીજી તીર્થધામમાં આયંબિલ તપનો ભવ્યાતિભવ્ય રંગ-ઉમંગ-ઉછરંગનો માહૌલ જામ્યો છે. આયંબિલતપ પુરબહાર છે રોજ સવારે ૯ થી ૧૧-૩૦ ત્રણ સામાયિક ૯-૩૦ થી ૧૦-૩૦ વ્યાખ્યાન, ૧૦-૩૦ થી ૧૧-૩૦ સપ્તરંગી જાપ, ૧૧-૩૦ થી ૧ર નવપદ વિધિ ૧ર કલાકે જૈન સિધ્ધાંત મુજબ આયંબિલ ભોજન, ઉનાળાનો તાપ ઘણો હોવાથી બાળકો-યુવાનો બૃધ્ધો બધા માટે સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે.

પૂ. મોટા મહાસતીજી હજરાહજુર જીવંત છે તેવો દરેક સાધકને અહેસાસ થાય છે બુધવારે મહાવીર જયંતિના દિવસે સવારે ૯ વાગ્યાથી નાલંદા તીર્થધામ મહાવીરમય બનશે. તપ-ત્યાગથી ઉજવાશે. એક આયંબિલતપ કરવાથી સો વર્ષના અશુભ કર્મો ખપે છે દરેક આયોજનમાં દરેક જુદા જુદા લાભાર્થી પરિવાર તરફથી પ્રભાવના-બહુમાન થઇ રહ્યા છે.

નાલંદા ઉપાશ્રયે જેમણે આખી આયંબિલની ઓળી કરી હોય તેમને શનિવારે પૂ. મોટા મહાસતીજીના પરમભકત કોમલબેન સોહિલભાઇ શાહ તરફથી પારણાં કરાવવામાં આવશે. આયોજનને સફળ બનાવવા માટે સેવકો સેવા બજાવી રહ્યા છે. છેલ્લે દિવસે જેમણે આયંબિલ કરવી હોય તેમણે પોતાના નામ આગલા દિવસે લખાવી દેવાના રહેશે.

પૂ. મોટા મહાસતીજી આયંબિલતપના મુખ્ય પ્રણેતા હતા નાલંદા તીર્થધામ હેલે ચડયું છે. મહાવીર જયંતિના દિને ભગવાન મહાવીરે જેમ એક વર્ષ સુધી દાન આપ્યું માટે મહાવીર જયંતિના દિને નાલંદા ઉપાશ્રયના માનવરાહતનું કાર્ડ હોય તેમના માટે બુધવારે સવારે ૮ કલાકે પોતાનું કાર્ડ સાથે નાલંદા તીર્થધામ પહોંચી જવાનું છે એ દિવસે એકસ્ટ્રા વિતરણ રાખેલ છે.

બુધવારે સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી માનવસેવા, જીવદયા, અનુકંપાદાન જેવા અનેક ધર્મના તથા માનવ સેવાના કાર્યથી ધમધમશે આ પ્રસંગે દાતાઓ, આગેવાનો, શ્રેષ્ઠવર્યા, મહાનુભાવો, સંઘના પદાધિકારીઓ હાજર રહી અનુમોદના કરી ધન્યતા અનુભવશે.

પૂ. મોટા મહાસતીજી સર્વનું ભલું કરવાવાળા હતા અત્યારે રોજ નાલંદા સંઘ, સોનલ સેવા મંડળ, સોનલ સહેલી મંડળ સુંદર સેવા આપી રહ્યા છે.  સર્વ આયંબિલના તપસ્વીઓને શાતા ઉપજાવી રહ્યા છે. મહાવીર જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે.

(3:40 pm IST)