Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

સડેલા ચોખા અંગે કાયદેસર નહીં થાય અને અમને સાંભળવામાં નહીં આવે તો અધિકારીઓના મોઢા કાળા કરાશે

જશવંતસિંહે કહી દીધુ કે ભૂતકાળમાં મને આવી બાબતે સજા પડી છે...એમા કોઈ નવાઈ નથી...: કલેકટરે ચોખા બહારથી નથી લાવ્યા એની શું ખાતરી કહેતા મામલો વધુ ગરમાયોઃ ડીએસઓને મળી લેવા જણાવી દેવાતા ટપાટપી

રાજકોટ, તા. ૧૬ :. કલેકટરની ચેમ્બરમાં ટેબલ ઉપર ચોખાના ઢગલા કોંગી આગેવાનોએ કર્યા અને જશવંતસિંહ તથા કલેકટર વચ્ચે ઉગ્ર ટપાટપી થઈ જતા મામલો ગરમી પકડી ગયો છે.ચેમ્બરમાંથી બધાને બહાર કઢાયા બાદ જસવંતસિંહ મીડીયાને જણાવ્યુ હતુ કે, સડેલા ચોખા અંગે કાયદેસરની કાર્યવાહી નહી થાય અને અમને સાંભળવામાં નહી આવે તો અધિકારીઓના મોઢા કાળા કરી દેવાશે.એક તબક્કે ટપાટપી દરમિયાન કલેકટરે કોંગી આગેવાનોને એવુ કીધુ કે ચોખા તમે બહારથી નથી લાવ્યા ? તેનુ શું ખાત્રી, તેનાથી મામલો ભારે બીચકયો હતો. ઉગ્ર ગરમાગરમી સર્જાઈ હતી, આગેવાનોએ આવો આક્ષેપ નહી કરવા અને અમે સવારથી આ બાબતે પાછળ છીએ છતાં આવુ કરો છો તેવી ટપાટપી સર્જાઇ હતી.

આ પછી જશવંતસિંહે સમસમીને એવુ કીધુ કે ચાલો મારી પધ્ધતિ અંગે માફી માંગી લઉં છું, પણ અમને સાંભળો તો ખરા, અને ત્યારે કલેકટરશ્રીએ, તમારી રજુઆત બરોબર ન હોય મારે તમને હવે સાંભળવા જ નથી, અને ડીએસઓ ને મળી લ્યો તેવુ જણાવતા જશવંતસિંહ ઉકળી ઉઠયા હતા, અને કલેકટરને જણાવેલ કે સાહેબ ભુતકાળમાં મને આવી બાબતે સજા થઇ હશે આ કંઇ નવુ નથી, પણ અમે હવે આશ્વર્યજનક આંદોલન કરીશું. કલેકટરે આ પછી તમામને બહાર કાઢયા અને તેની સાથોસાથ મિડીયાના રીર્પોટરો પ્રેસ ફોટોગ્રાફરોને પણ ચેમ્બરમાંથી બહાર કાઢયા હોવાની વિગતો બહાર આવી રહી છે. કલેકટર લોબીમાં આ બનાવની ભારે ચર્ચા ઉપડી છે.(૨-૨૦)

 

(4:17 pm IST)