Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

રાજકોટ ર૦પ૦ કેવુ હોવું જોઇએ ? શનિવારથી ૩ દિ' રેસકોર્ષમાં યુથ ફીએસ્ટા

આ કાર્યક્રમમાં ૧૬ વિષયો પર રપ૦ જેટલા પ્રોજેકટોનું પ્રદર્શન : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્ઘાટન : જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા તા. ર૧ થી ર૩ એપ્રિલ સુધી આયોજન

જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુન્સ દ્વારા તા. ર૧થી ર૩ એપ્રિલ સુધી રેસકોર્ષ મેદાનમાં યોજનાર યુથ ફીએસ્ટાની માહિતી માટે આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં વિસ્તૃત વિગતો રજૂ કરતા ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, બંછાનિધિ પાની, ડો. દર્શિતાબેન શાહ, પુષ્કર પટેલ, કમલેશભાઇ મીરાણી, ડી.વી. મહેતા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ તથા સંસ્થાના અગ્રણીઓ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)(૮.૧૬)

રાજકોટ, તા. ૧૬ : શહેરની જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 'યુથ ફીએસ્ટા' પ્રદર્શન વિવિધ વિષયો પર રજૂ કરવામાં આવે છે. આ વર્ષે આ વૈવિધ્ય સભર અને અનોખા 'પુજાર યુથ ફીએસ્ટા' પ્રદર્શનમાં રાજકોટ મહાનગર પાલિકા અને સુરક્ષા સેતુ પણ જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ સાથે જોડાયા છે. આ વર્ષની થીમ રાજકોટ ર૦પ૦-એ વિઝનરી એકઝીબીશન રખાઇ છે. જેમાં ભવિષ્યનું રાજકોટ કેવું હશે અથવા તો યુવા વિદ્યાર્થીઓની દૃષ્ટિએ ર૦પ૦ની સાલનું રાજકોટ કેવું હોવું જોઇએ, તે માટે તેમના દ્વારા ૧૬ જેટલા વિષયોને આવરી ર૦૦થી વધુ પ્રોજેકટસ બનાવી, અહીં પ્રદર્શીત કરાશે. આ પ્રદર્શન વિના મૂલ્યે લોકો નિહાળી શકશે. ઉનાળાને ધ્યાનમાં લઇ, પ્રદર્શનનો સમય દરરોજ સાંજે પ થી ૯ કલાક રખાયો છે અને૯ થી ૧૧ કલાક દરમ્યાન બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે તેમ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થાના ડી.વી. મહેતા, મ્યુનિ. કમિશ્નર બંછાનીધિ પાની તથા મેયર ડો. જેમનભાઇએ માહિતી આપી હતી.

આ અંગે કોર્પોરેશનમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં સંસ્થાના ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સમાં પ૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને સંસ્થાના પ્રાધ્યાકો આ એકજીબીશન માટે છેલ્લા એક મહિનાથી તૈયારીઓ કરી રહ્યા છે અને પ્રદર્શનને લગતી કોઇને કોઇ પ્રવૃતિઓમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ પ્રદર્શનમાં જીનિયસ ગ્રુપની આ બધી શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત રાજકોટ કલેકટર ઓફીસ, ઇશરો, રાજકોટ સ્માર્ટ સીટી અને રાજકોટ પોલીસ દ્વારા વિવિધ પ્રોજેકટસ રજૂ કરાશે.

આ પ્રદર્શનમાં દેશની સર્વોય સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન-ઇશરો પણ ખાસ તેમના પ્રોજેકટસ રજૂ કરશે અને તા. ર૧ના નેવીક (ઇન્ડીયન રીજીયોનલ નેવીગેશન સીસ્ટમ) વિષયક સેીમનાર પણ કરાશે. આ ઉપરાંત રાજકોટ કલેકટર ઓફીસ દ્વારા રેસકોર્ષ-ર, નવુ એરપોર્ટ અને ઇશ્વરીયા પાર્ક ખાતે સાયન્સ સીટી જેવા પ્રોજેકટસ રજૂ થશે. જયારે રાજકોટ પોલીસ દ્વારા આઇ-વે, હેમ અને સાઇબર સીકયુરીટી પરના પ્રોજેકટ રજૂ કરાશે. સ્માર્ટ સીટી દ્વારા વિવિધ ફયુચરીસ્ટીક પ્રોજેકટસ રજૂ થનાર છે તેમજ આ એકજીબીશનમાં ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ ભવિષ્યના રાજકોટને લઇને પ્રોજેકટસ રજૂ કરાશે જેમાં અરમાનીયા કંપની તેમના પ્રોજેકટસ રજૂ કરશે.

એકઝીબીશનના એન્ટ્ન્સ પર હ્યુમન સાઇઝ રોબોટ આવનાર મુલાકાતીઓનું સ્વાગત કરતો જોવા મળશે. આ પ્રદર્શની નિહાળીયા પછી, લોકો ચોક્કસપણ પર્યાવરણ બચાવો, પાણી બચાવો અને વિજળી બચાવો જેવા વિવિધ ફયુચરીસ્ટીક વિષયો પર તજજ્ઞોના એકસપર્ટ સેશન્સ અને ભવિષ્યના વિષયો પર નિષ્ણાતોની હાજરીમાં ડિબેટના પણ આયોજન કરાયા છે. તા. ર૧ના ઇશરોના એકસપર્ટ દ્વારા નેવીક (ઇન્ડીયન રીજીયોનલ નેવીગેશન સીસ્ટમ) વિષયક એકસર્ટ સેશન, તા. રરના પુજારા ટેલીકોમના એમ.ડી. યોગેશભાઇ પુજારાનું એકસપર્ટ સેશન-કેવી રીતે સફળ અન્ટ્રોપ્રીન્યોર બની શકાય વિષય પર તથા તા. ર૩ના હોલીવુડના એવોર્ડ વિનિગ ફિલ્મ ડિરેકટર અને એરીસ ગ્રુપ ઓફ કંપનીસના સીઇઓ, સોહન રોય દ્વારા રોબોટીકસ વિષય પર એકસપર્ટ સેશન યોજાશે.

આ ઇવેન્ટનો ઉદ્ઘાટન કાર્યક્રમ બીજા દિવસે તા.રર એપ્રિલ ને સાંજે  પ કલાકે યોજાશે જેમાં મુખ્ય ઉદ્ઘાટક તરીકે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રહેશે. જયારે મુખ્ય મહેમાનોમાં રાજકોટના મયર જયમન ઉપાધ્યા, જીટીયુના વાઇસ ચાન્સેલર નવીન શેઠ, ગુજરાત આયુર્વેદ યુનિ.ના વાઇસ ચાન્સેલર વૈદ્ય સંજીવ ઓઝા, સૌરાષ્ટ્ર યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો. કમલસિંહ ડોડીયા, રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તા, રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર બી.એન. પાની ખાસ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ડે. મેયર ડો. દિક્ષાતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર બી.એન. પાની,શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તથા ડે. કમિશ્નર ચેતન નંદાણી તથા જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી. મહેતા ઉપસ્થિત રહ્યા હતાં.

સમગ્ર ઇવેન્ટના સફળ આયોજનમાં જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી. મહેતા, સીઇઓ ડિમ્પલબેન મહેતા, ગાર્ડી વિદ્યાપીઠના વાઇસ ચેરમેન કિરણ શાહના માર્ગદર્શનમાં ગાર્ડી એન્જીનિયરીંગ વિભાગના પ્રિન્સીપલ વિરાંગઓઝા તેમજ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જય મહેતા, રાહબારીમાં કાજલબેન શુકલ, શ્રીકાંત તન્ના, પ્રજ્ઞા દવે, વિપુલ ઘનવા, દર્શન પરીખ, દૃષ્ટિ ઓઝા, મનિન્દર કેશપ બંસી ભુત અને હિના દોશીની ટીમ સાથે તમામ સંસ્થાઓના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

આમંત્રણ કાર્ડ અંગે ચર્ચા

જીનીયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ દ્વારા યોજાનાર યુથ ફિએસ્ટા કાર્યક્રમની વિસ્તૃત માહિતી માટે આજે કોર્પોરેશનમાં યોજાયેલ પડકાર પરીષદ યોજાઇ હતી. આ કાર્યક્રમના કાર્યમાં આમંત્રણમાં સ્ટે. ચેરમેન પુષ્કર પટેલનું નામ ન હોવાથી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ કમિશ્નર બંછાનિધી પાનીનું ધ્યાન દોર્યું હતું અને પ્રોટોકલ મુજબ સ્ટે. ચેરમેનનું નામ હોવાનું જણાવાયું હતું.(૮.૧૬)

(4:06 pm IST)