Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

પૈસાની લેતી-દેતીના પ્રશ્ને મારકુટ કરવા અંગે ત્રણ આરોપીને એક વર્ષની સજા

રાજકોટ તા. ૧૬: પૈસાની લેતીદેતીના પ્રશ્ને અહીંના મવડી વિસ્તારમાં આસ્થા ચોકડી પાસે ફરીયાદી શકિતસિંહ રણજીતસિંહ વાઘેલાને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં પકડાયેલ ત્રણ આરોપીઓ સામેનો કેસ ચાલી જતાં જયુ. મેજી. શ્રી વી. એસ. ગઢવીએ એક-એક વર્ષની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આરોપીઓ ફરીયાદીના ભાઇ પાસે રૂપિયા માંગતા હોય તે બાબતે ફરીયાદી ઉપર હુમલો કરીને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં માલવીયાનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો.

અત્રેની આસ્થા ચોકડી પાસે તા. ૧ર-૧ર-૧રના રોજ આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું.

આ ગુનામાં પકડાયેલ પિયુષ ખોડાભાઇ મેઘાણી (મોટામવા સામપાર્ક-ર) સામંત ઘુસાભાઇ બકાતર (સંતકબીર રોડ કૈલાષધારા સોસાયટી) ત્થા લાખાભાઇ વિરાભાઇ ભરવાડ (સાધુ વાસવાણી રોડ રામાપીરના મંદિર પાસે) ને કોર્ટે એક વર્ષની સજા કરી હતી.

કોર્ટે ઇ.પી.કો. કલમ ૩ર૩ હેઠળ એક વર્ષની સજા ઉપરાંત દરેકને રૂ. એક-એક હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપી જો દંડ ન ભરે તો વધુ ૧પ દિવસની સજાનો હુકમ કર્યો હતો.

આ કામમાં સરકારપક્ષ એ.પી.પી. બી. એન. શુકલ રોકાયા હતાં. (૭.૩૩)

(2:44 pm IST)