Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કુવાડવા હાઇવે પરથી ૬૮ હજારનો દારૂ ભરેલી કાર ક્રાઇમ બ્રાંચે પકડી

પોલીસને જોઇ ચુનારાવાડનો સંજય સનુરા ભાગી ગયોઃ થોડા દિવસ પહેલા ક્રાઇમ બ્રાંચે જ ૯૬૬ બોટલ સાથે પકડ્યો હતો

રાજકોટ તા. ૧૬: દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસ યથાવત રહી છે. છેલ્લા એક પખવાડીયાથી દેશી-વિદેશીના ધંધાર્થીઓ પર પોલીસ કડક હાથે કામ લઇ રહી છે. ત્યારે ગત રાત્રે વધુ એક દરોડામાં ક્રાઇમ બ્રાંચે કુવાડવા રોડ પરથી રૂ. ૬૮૪૦૦નો દારૂ ભરેલી કાર કબ્જે લીધી છે. પોલીસને જોઇ રીઢો બુટલેગર ભાગી ગયો હોઇ શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, ડીસીપી કરણરાજ વાઘેલા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એમ. બી. જાડેજા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, કૃપાલસિંહ ઝાલા, મયુરભાઇ પટેલ, શોૈકતખાન ખોરમ સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે યોગેન્દ્રસિંહ, હરદેવસિંહ અને શોૈકતખાનને માહિતી મળી હતી કે ચુનારવાડનો બુટલેગર સંજય ઓધવજીભાઇ સનુરા કુવાડવા રોડ પરથી દારૂ ભરેલી ગાડી સાથે નીકળવાનો છે.

આથી ક્રાઇમ બ્રાંચે કુવાડવા રોડ પટેલ વિહાર પાછળ નવાગામ તરફ જતાં રોડ પર વોચ રાખી હતી. પોલીસને જોઇ સંજય જીજે૩એચએ-૬૪૫૩ નંબરની કાર રેઢી મુકી ભાગી ગયો હતો. કાર કબ્જે લઇ તપાસ કરવામાં આવતાં અંદરથી રૂ. ૬૮૪૦૦નો ૨૨૮ બોટલ દારૂ મળતાં તે તથા બે લાખની કાર કબ્જે કરાઇ હતી.

હજુ થોડા દિવસ પહેલા જ ક્રાઇમ બ્રાંચે કાળીપાટમાં દરોડો પાડી સંજય સનુરાને ૯૬૬ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.  હેડકોન્સ. હરદેવસિંહ જાડેજાને વિશેષ તપાસ સોંપવામાં આવી છે. (૧૪.૯)

 

(11:50 am IST)