Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિ

માત્ર બે સભ્યોની ચેકીંગ સ્કવોડ આખા પરીક્ષા કેન્દ્રનું કેવી રીતે નિરીક્ષણ કરી શકે? ઉઠતો સવાલ * તાલુકા કક્ષાના કેન્દ્રો ઉપર પરીક્ષા ચોરીની વ્યાપક ફરીયાદો : આચાર્યોની ભલામણ ઉપર વિચાર પણ ન કરાયો

રાજકોટ, તા. ૧૬ : એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેના પરીક્ષાના છબરડા અને ચોરીને હિસાબે ખૂબ વગોવાઈ ગયેલી અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં બેફામ ચોરી થતાં યુનિવર્સિટીના છાત્રોને નોકરી આપવા પરત્વે ભારે અણગમો થતો હતો. તત્કાલીન કુલપતિ કનુભાઈ માવાણીએ કડક હાથે કામ લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મોટાભાગના પરીક્ષા કેન્દ્રો ઉપર ખુદ ત્રાટકી ગેરરીતિ ઉપર ગજબનાક અંકુશ મેળવ્યો હતો અને સતત પાંચ વર્ષ સુધી કડકાઈ કરતાં પદવીની વિશ્વસનીયતા વધી અને એ ગ્રેડ પ્રાપ્ત થયો હતો.

પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્રમશઃ આવેલા સત્તાધીશોએ કુણુ વલણ અપનાવતા ગેરરીતિઓ વધી હોવાનું ચિત્ર ઉપસ્યુ છે. તેમાં તાજેતરમાં જ સંઘના માનીતા પ્રો. નીતિન પેથાણીને કુલપતિ અને ભાજપના જાણીતા વિજય દેસાણીને કુલનાયક બનાવતા પરીક્ષામાં ગેરરીતિમાં કોઈ ફેરફાર થયો નથી. કેટલાક પરીક્ષા કેન્દ્રો ઉપર વ્યાપક ગેરરીતિઓ થતાં નવનિયુકત કુલપતિ પેથાણી અને કુલનાયક દેસાણી પરીક્ષા ચોરી અટકાવવામાં નાપાસ થયા હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષા વિવિધ વિદ્યાશાખાની કુલ ૩૬ પરીક્ષામાં ૪૫,૫૫૦ વિદ્યાર્થીઓ ૧૫૬ કેન્દ્રો ઉપર પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા કેન્દ્રો ઉપર બે સભ્યોની ચેકીંગ સ્કવોડ મોકલવામાં આવી રહી છે અને ખુદ કુલપતિ પેથાણી અને કુલનાયક દેસાણી પરીક્ષાના કન્ટ્રોલ રૂમમાં ખાસ સીસીટીવીનું નિરીક્ષણ કરી રહ્યા છે છતાં કેટલાક કેન્દ્રો ઉપર ગેરરીતિની ફરીયાદો ઉઠી રહી છે.

ચર્ચાતી વિગતો મુજબ કોઈ એક પરીક્ષા કેન્દ્રો ઉપર માત્ર બે જ સભ્યો કેવી રીતે પરીક્ષાનું નિરીક્ષણ કરી શકે? ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તેવા કેન્દ્રો ઉપર કેવી રીતે ચકાસવા? સીસીટીવી શું વાસ્તવિકતા દર્શાવે છે? અગાઉ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી પણ જૂના દર્શાવવામાં આવતા હોવાની રાવ થઈ હતી. બે ચેકીંગ સ્કવોડના સભ્યો કેન્દ્રો ઉપર પરીક્ષાનું નિયંત્રણ કરી જ ન શકે ત્યારે ચેકીંગ સ્કવોડ ઉપર મદાર રાખવો કેટલો વ્યાજબી?

તાજેતરમાં આચાર્યો સાથેની બેઠકમાં પણ કેટલાક આચાર્યોએ પરીક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. પાંચ - પાંચ સભ્યોની બે-બે ટુકડીઓ મોકલવા ભલામણ કરી હતી અને કોઈ પરીક્ષામાં ગેરરીતિ આચરતા ઝડપાઈ તો તેઓની સામે પગલા ભરવા જોઈએનું પણ જણાવેલ. તેમ છતાં આ સુચનો ઉપર અમલવારી તો દૂર પણ વિચાર શુદ્ધા નથી કરવામાં આવ્યો.

(3:51 pm IST)