Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

પંચાયતની સામાન્ય સભાનો એજન્ડા બહાર પડી ગયો, હવે કલેકટરે ના પાડતા વિવાદ

કલેકટરે આચારસંહિતાનું કારણ આપ્યુઃ પંચાયત પ્રમુખ કહે છે અમે આચારસંહિતાનો ભંગ થાય તેવા કોઈ નિર્ણય લેવા માંગતા નથી પણ એક વખત એજન્ડા બહાર પડી ગયા પછી સામાન્ય સભા ટાળી શકાય નહિ

રાજકોટ, તા. ૧૬ :. જિલ્લા પંચાયતની સામાન્ય સભા ૨૫ માર્ચે યોજવા માટે એજન્ડા બહાર પડી ગયો છે, પરંતુ જિલ્લા કલેકટરે સામાન્ય સભા આચારસંહિતાના કારણે યોજી શકાય નહિ તેવો માર્ગદર્શક આદેશ આપતા વિવાદને નોતરૂ મળ્યું છે.

લોકસભાની ચૂંટણી ૧૦ માર્ચે જાહેર થઈ તે પૂર્વે સામાન્ય સભાનો એજન્ડા બહાર પડી ગયો હતો. આચારસંહિતા લાગુ પડતા જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ કલેકટરને પત્ર લખી સામાન્ય સભા બાબતે માર્ગદર્શન માંગેલ. જેના જવાબમાં બે દિવસ પૂર્વે કલેકટરે જણાવેલ કે ચૂંટણી આચારસંહિતા દરમિયાન ચૂંટણી પંચના પરિપત્રની સૂચના નં. ૧૭ મુજબ આ સામાન્ય સભા યોજી શકાય નહિ.

ઉપરોકત પત્ર બાદ પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયાએ જણાવેલ કે પંચાયત ધારાની જોગવાઈ મુજબ એક વખત સામાન્ય સભાનો એજન્ડા પ્રસિદ્ધ થઈ ગયા બાદ તેને રદ કરી શકાય નહિ. સામાન્ય સભા બોલાવવાનું ટાળી શકાય નહિ. અમે સામાન્ય સભામાં આચારસંહિતાનો ભંગ થાય તેવી કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી. સામાન્ય સભા યોજી જ ન શકાય તેવા કલેકટરના પત્રના અનુસંધાને અમે તેમને વિગતવાર વળતો પત્ર લખશું.

(3:44 pm IST)