Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

દારૂની ડ્રાઇવઃ ભકિતનગર પોલીસે વહેલી સવારે ત્રણ દરોડામાં ૩.૨૪ લાખનો વિદેશી દારૂ પકડ્યો

અન્ય પોલીસ મથકના ૭ દરોડામાં છ પકડાયાઃ હદપાર અને દારૂ પી વાહન હંકારનારા પણ ઝપટે ચડ્યાઃ પીએસઆઇ જેબલીયા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને દેવાભાઇ ધરજીયાની બાતમી

રાજકોટ તા. ૧૬: શહેર પોલીસે દારૂના દરોડાની ડ્રાઇવ દરમિયાન વિદેશી અને દેશી દારૂ સાથે ત્રણને પકડ્યા હતાં. જ્યારે દેશી દારૂના સાત દરોડામાં છ પકડાયા હતાં. જેમાં ભકિતનગર પોલીસે વહેલી સવારે લાગલગાટ ત્રણ દરોડા પાડી જંગલેશ્વરમાંથી એક શખ્સને રૂા. ૨,૫૨,૦૦૦નો દારૂ ભરેલી રિક્ષા સાથે પકડ્યો હતો. તેની સાથેના બે જણા ભાગી ગયા હતાં. ઉપરાંત બીજા દરોડામાં જંગલેશ્વરના જ એક શખ્સને ૧૨ હજારના દારૂ સાથે પકડાયો હતો. તેમજ ત્રીજા દરોડામાં ૬૦ હજારનો દારૂ કબ્જે કરાયો હતો. આ દારૂ મુકી એક શખ્સ ભાગી ગયો હતો. કુલ ત્રણ દરોડામાં રૂા. ૩,૨૪,૦૦૦નો વિદેશી દારૂ કબ્જે કરાયો હતો.

ભકિતનગરની ટીમ મોડી રાત્રે દારૂની ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ પી. બી. જેબલીયા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને દેવાભાઇ ધરજીયાને બાતમી મળતાં વહેલી સવારે પોણા ચાર વાગ્યે જંગલેશ્વર અંકુર સોસાયટી-૨ના ખુણે દરોડો પાડતાં રૂા. ૨,૫૨,૦૦૦નો  ૩૮૪ બોટલ દારૂ ભરેલી રિક્ષા જીજે૩બીયુ-૮૯૮૯ તથા જીજે૩બીટી-૧૭૦૦ મળી આવતાં કબ્જે કરી જંગલેશ્વર-૩૨ આઝાદ ચોકમાં બાબા પાનવાળી શેરીમાં રહેતાં જાકીર રફિકભાઇ ઉમરેઠીયા (ઉ.૨૮) નામના પીંજારા શખ્સને દબોચી લીધો હતો.

દરોડો પડતાં તોૈફિક હનીફભાઇ ઉમરેઠીયા (જંગલેશ્વર-૩૨) અને સાથેનો આરિફમિંયા ઉર્ફ ભોલાબાપુ અમિરમિંયા પીરજાદા (રહે. જંગલેશ્વર-૨૯) ભાગી ગયા હતાં. દારૂ અને બે રિક્ષા મળી કુલ રૂા. ૩,૯૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

આ ઉપરાંત અન્ય દરોડામાં જંગલેશ્વર રાધાકૃષ્ણનગર-૨૦માં રહેતાં વિપુલ સુખાભાઇ બાવરીયાને રૂા.૧૨૦૦૦ના દારૂ સાથે પકડી લેવાયો હતો. જ્યારે ત્રીજો દરોડો જંગલેશ્વર-૩૬માં પાડવામાં આવતાં રૂા. ૬૦ હજારનો વિદેશી દારૂ મળ્યો હતો. આ દારૂ રાણા નામનો શખ્સ મુકીને ભાગી ગયાની માહિતી મળતાં તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એચ. સરવૈયા, એસીપી એચ.એલ. રાઠોડની સુચના મુજબ દરોડા પાડવામાં આવ્યા હતાં.

 ભકિતનગરના ત્રણ દરોડા પી.આઇ વી. કે.ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. પી. બી. જેબલીયા, હેડકોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, રણજીતસિંહ પઢારીયા, વિક્રમ ગમારા, કોન્સ. મહેશભાઇ જોગડા, દેવાભાઇ ધરજીયા, ભાવેશભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી સહિતની ટીમ પાડ્યા હતાં.

દેશી દારૂના ૭ સ્થળે દરોડાઃ ભાવેશ દારૂ મુકીને ભાગી ગયો

જ્યારે દેશી દારૂના દરોડાઓમાં ભવાનીનગરમાંથી એ-ડિવીઝન પોલીસે રૂા. ૪૦નો દારૂ કબ્જે કર્યો હતો, ભાવેશ હરિભાઇ ઓડ ભાગી ગયો હતો. કલ્યાણ સોસાયટીમાંથી ભાવસીંગ અમૃતભાઇ ઝરીયાને રૂા. ૮૦ના દારૂ સાથે પકડાયો હતો. બી-ડિવીઝન પોલીસે માલધારી સોસાયટીમાંથી બાબુ હેમુભાઇ જખાણીયાને રૂા. ૧૬૦, ભકિતનગર પોલીસે જંગલેશ્વર આરએમસી કવાર્ટરના સલિમ ઉર્ફ ગધો જુમાભાઇ માલાણીને રૂા. ૧૦૦ના દારૂ સાથે પકડ્યો હતો. આ શખ્સ હદપાર હોવા છતાં મળી આવ્યો હોઇ તે અંગે અલગ ગુનો નોંધાયો હતો. જ્યારે કોઠારીયા  કોલોની કવાર્ટરની મનિષા વિજય કાલીયાને રૂા. ૮૦ના, ઢેબર કોલોની પાસેથી રહેમત સલિમ માણેકને રૂા. ૧૦૦૦ના અને રૈયાધારમાંથી નિમુ રાજુ વાજેલીયાને રૂા. ૨૦૦ના દેશી દારૂ સાથે પકડવામાં આવી હતી.

આજીડેમ પોલીસે પાંચ બોટલ સાથે મુકેશ ઉર્ફ રાધેને પકડ્યો

જ્યારે આજીડેમ પોલીસના હેડકોન્સ. શૈલેષભાઇ ભીંસડીયા, કોન્સ. શૈલેષ નેચડા સહિતે યુવરાજનગરમાંથી મુકેશ ઉર્ફ રાધે શામજીભાઇ સિંધવ (ઉ.૨૩)ને રૂા. ૧૭૫૦ના પાંચ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

દારૂ પી વાહન હંકારતા કુવાડવાના મનસુખ પટેલની ધરપકડ

જ્યારે કુવાડવાના ચોરા પાસે રહેતાં મનસુખ કાનજીભાઇ દુધાત્રા (પટેલ) (ઉ.૫૩)ની દારૂ પી વાહન નં. જીજે૩સીકયુ-૧૫૯૭ હંકારીને કુવાડવા વાંકાનેર ચોકડીએથી નીકળતાં કુવાડવા પોલીસે ધરપકડ કરી હતી.

હદપાર વનરાજ મઢી ચોકમાંથી પકડાયો

ગાંધીગ્રામ પોલીસે ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર ૧૨૩૯માં રહેતાં વનરાજ ઉર્ફ વિશાલ ભગુભાઇ રાઠોડ (ઉ.૨૭)ને હનુમાન મઢી ચોકમાંથી હદપાર ભંગ સબબ પકડી લીધો હતો.

(3:30 pm IST)