Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

કાલે સ્મૃતિ ઈરાની રાજકોટમાં: વોર્ડ નં.૭માં રોડ શો

ઢેબરભાઈની પ્રતિમાને ફૂલહાર કરી રોડ શોનો પ્રારંભ કરાશે, જાહેરમાર્ગો ઉપર ફરશે ઠેર- ઠેર સ્વાગત કરાશે, લાખાજીરાજજીની પ્રતિમાએ સમાપનઃ કશ્યપ શુકલ

રાજકોટ તા.૧૬: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને  હવે પાંચ દિવસ બાકી રહ્યા છે.  શહેરીજનોએ ભાજપને જીતાડવા મન બનાવી લીધું છે.  આવતીકાલે, બુધવારે રાજકોટમાં કેન્દ્રીય મંત્રી, ભાજપના રાષ્ટ્રીય નેતા સ્મૃતિ ઇરાનીનો રોડ-શો યોજાવાનો છે. એમને આવકારવા માટે વોર્ડ નં. ૭ના મતદારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ છવાયો હોવાનું યાદીમાં જણાવાયું છે.

વોર્ડ નં. ૭માં સ્મૃતિ ઇરાનીનો રોડ શો સાથે વોર્ડની પેનલના ઉમેદવારો ડો.નેહલ ચીમનભાઈ શુકલ, દેવાંગ માંકડ, જયશ્રીબેન ચાવડા અને વર્ષાબહેન પાંધી સાથે ભાજપના કાર્યકરો જોડાશે.

રોડ શો અંગે પૂર્વ કોર્પોરેટર કશ્યપ શુકલે  યાદીમાં જણાવ્યું છે કે બુધવારે, તા. ૧૭ના સાંજે ત્રિકોણબાગ ચોક ખાતે સૌ એકઠા થશે જયાં ભાજપના કાર્યકર્તાઓ, યુવા ભાજપ,મહિલા મોરચો વગેરે એમનું સ્વાગત કરશે. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી સ્વ. ઉછરંગરાય નવલશંકર ઢેબરની પ્રિતમાને પુષ્પહાર અર્પણ કરાશે. ત્યાંથી રોડ શો શરૂ થશે અને સાંગણવા ચોક, પરા બજાર, ધર્મેન્દ્ર રોડ પર ફરશે. ત્યાં કાપડ માર્કેટના વેપારીઓ, વોરા સમાજના વેપારીઓ, ભગત મોરારજી કોટકનો પરિવાર એટલે કે પુર્વ મેયર જનકભાઇ કોટક,ધર્મેન્દ્ર રોડના વેપારીઓ સૌ કોઇ મંત્રીશ્રી સ્મૃતિબહેન ઇરાનીનું સ્વાગત કરશે. સન્માન કરશે. ત્યાંથી સોની બજાર થઇ, રૈયા નાકાં ટાવર પાસેથી રોડ શો પસાર થશે અને સાંગણવા ચોક ખાતે પુનઃ પહોંચશે જ્યાં રાજકોટના પ્રજાવત્સલ રાજવી પૂ. લાખાજીરાજ બાપુની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરાયા બાદ રોડ શોનું સમાપન થશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:51 pm IST)