Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

રાજકોટના ઉદ્યોગપતિનું સરાહનીય કાર્યઃ પોતાની ફાઉન્ડ્રીમાં કામ કરતા ૧પ૦થી વધુ કારીગરોને કર્યા વ્‍યસનમુક્ત

મંદી શબ્દ સાંભળતા જ કેટલાય વેપારીઓ અને ઉઘોગપતિઓમાં ચિંતાનું મોજુ ફરી વળે  છે પરંતુ રાજકોટના એક  ઉઘોગપતિએ મંદીનો સદ્દઉપયોગ કારીગરોના વ્યસનમુક્તિ માટે કર્યો. દેશમાં આર્થિક સ્થિતિને જોતા સૌ કોઇ મંદીના માહોલનો અનુભવ કરી રહ્યા છે. કેટલાક લોકો પોતાના વ્યવસાય બંધ કરવા લાગ્યા છે તો કેટલાક કારખાનેદારો કામના કલાકો અને દિવસો ઓછા કરી રહ્યા છે. કારીગરોને કામ કેવી રીતે મળવું તે એક સવાલ છે ત્યારે આ જ મંદીનો રાજકોટના એક ઉઘોગપતિએ વ્યસનમુક્તિ માટે કર્યો હતો.

રાજકોટના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં ફાઉન્ડ્રીનો ઉધોગ ચલાવતા પર્વ મેટલ પ્રોસેસિંગ કંપની દ્રારા મંદીના સમયમાં તેમાં કામ કરતા 150થી વધારે કારીગરોને વ્યસનમૂક્તિ કરાવી હતી. કંપનીના માલિક સહદેવસિંહ ઝાલાએ છ મહિના પહેલા એક નિયમ બહાર પાડ્યો હતો કે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ કાં તો વ્યસન છોડે અથવા તો નોકરી છોડે.

માલિકના આ નિયમનો કડક રીતે અમલવારી થઇ.એક તરફ મંદીમાં નોકરી મળવાના ફાફા પડી રહ્યા છે ત્યારે કંપનીના માલિકનો આદેશ પણ કર્મચારીઓએ સહર્ષ સ્વીકારી લીધો હતો.અને તેમણે નોકરી માટે વ્યસમ છોડ્યૂ હતું. કર્મચારીઓએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શરૂઆતના તબક્કે મુશ્કેલી પડી રહી હતી. જોકે બાદમાં સ્વાસ્થ્ય અને નોકરી માટે આ નિયમ કર્મચારીઓએ પણ આવકાર્યો હતો.

કંપનીના માલિક સહદેવસિંહ ઝાલાએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉધોગની માહિતી માટે અલગ અલગ દેશ અને કંપનીની મુલાકાત લેવા જવાનું થયું તેમાં ટાટા ગ્રુપ પૂણે વ્યસનને લઇને કડક છે જે સૌરાષ્ટ્રમાં નથી. સૌરાષ્ટ્રમાં તમાકુ સેવનનું પ્રમાણ વધારે છે જેથી મંદીના ડરને કારણે લોકો વ્યસન માટે જાગૃત બને તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં તમાકુ, માવા, બીડીનું વ્યસન વધારે છે. જેના કારણે નાના અને મધ્યમ વર્ગના લોકો નાની ઉમરે પોતાની જીંદગીને જોખમમાં મૂકી દેતા હોય છે. ત્યારે રાજકોટના ઉધોગપતિ સહદેવસિંહે મંદીનો લાભ લઇને ખરા અર્થમાં કર્મચારીઓનું સ્વાસ્થ્ય સુખી કરવાનું કામ કર્યુ છે.

(11:55 am IST)