Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ખાદ્યતેલની આયાત નિયંત્રિત કરોઃ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી

'સોમા'નો કેન્દ્રીય વાણીજ્ય મંત્રાલયને પત્ર

રાજકોટ, તા. ૧૬ :. સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસો.ના પ્રમુખ સમીર શાહે કેન્દ્રીય વાણીજ્ય મંત્રી સુરેશ પ્રભુને એક પત્ર લખી ખાદ્યતેલોની આયાત નિયંત્રીત કરવા માંગ કરી છે.

દેશમાં ખાદ્યતેલની વધતી આયાત અને સ્થાનિક તેલીબિયા ઉત્પાદકોને પુરતા ભાવ ન મળી રહ્યા હોવાથી સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસીએશન (સોમા) દ્વારા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુને રજુઆત કરીને ખાદ્યતેલની આયાત ઉપર જથ્થાત્મક નિયંત્રણો મુકવા માટે માંગણી કરવામાં આવી છે. સોમાના પ્રમુખ સમીરભાઈ શાહે સુરેશ પ્રભુને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અમે આમને સિંગદાણા ્ને સિંગખોળની નિકાસ ઉપર પ્રોત્સાહનો આપવા માટે અનેકવાર રજુઆત કરી છે, પરંતુ અત્યાર સુધીમાં કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. બીજી તમામ એગ્રી કોમોડિટીમાં આ પ્રકારની રાહતો અપાય છે, પરંતુ મગફળીને કેમ નથી અપાતી ? તે અમારા માટે આશ્ચર્યની વાત છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવ્યાં હોવા છતા ખેડૂતોને મગફળીના પાકમાં સારા ભાવ મળતા નથી, પરિણામે અમે આપને ફરીવાર સૂચનો કરીએ છીએ કે સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવે તો ખેડૂતોને સારા ભાવ મળી શકે તેમ છે. સોમાએ સરકારને સૂચન કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખાદ્યતેલની આયાત ઉપર જથ્થાત્મક નિયંત્રણો લાદવામાં આવે તો આયાત ઉપર નિયંત્રણો રાખી શકાય તેમ છે.

ભારત ખાદ્યતેલમાં સ્વાવલંબી નથી, પરંતુ જરૂરિયાત કરતા વધારે આયાત થઈ રહી છે. દેશની વાર્ષિક ૨૩૦ લાખ ટનની જરૂરીયાત છે, જેની સામે આપણે ૧૧૦થી ૧૧૦ લાખ ટનનું ઉત્પાદન કરીએ છીએ અને ૧૨૦ લાખ ટનની ખાધ રહે છે, પરંતુ વિવિધ અહેવાલો પ્રમાણે દેશમાં ૧૬૫ લાખ ટન ખાદ્યતેલની આયાત થાય છે, પરિણામે સ્થાનિક તેલીબિયા ખેડૂતોને પુરતા ભાવ મળતા નથી.

કેન્દ્ર સરકારે જે રીતે કઠોળની આયાત ઉપર બે વર્ષથી જથ્થાત્મક નિયંત્રણો મુકયા છે અને સુપ્રીમ કોર્ટે પણ તાજેતરમાં તે નિર્ણયને સાચો ઠરાવ્યો હતો, તે રીતે ખાદ્યતેલની આયાત ઉપર પણ જથ્થાત્મક નિયંત્રણો લાદવામાં આવે તે જરૂરી છે.(૨.૬)

 

(3:27 pm IST)