Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

શેર અને ફાયનાન્સ પેઢીના મેનેજર નિતીનભાઇ રાઠોડનો ગળાફાંસો ખાઇ આપઘાતઃ ત્રણ બહેનના એક જ ભાઇ

પૂજારા પ્લોટમાં બનાવઃ પુત્ર-પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ રજપૂત પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૬: પૂજારા પ્લોટમાં સદ્દગુરૂ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતાં અને નાના મવા સર્કલ નજીક મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ કંપનીમાં કોમોડિટી વિભાગમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં નિતીનભાઇ છગનભાઇ રાઠોડ (ઉ.૪૭) નામના સોરઠીયા રજપૂત આધેડે ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. નિતીનભાઇ ત્રણ બહેનના એક જ ભાઇ હતાં.

નિતીનભાઇએ રૂમમાં પંખામાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનોએ બેભાન હાલતમાં તેમને નીચે ઉતારી તાકીદે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કર્યુ હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. નિતીનભાઇ સવારે દસ વાગ્યે નિત્યક્રમ મુજબ ઓફિસે જવા નીકળ્યા હતાં અને બાદમાં અગિયારેક વાગ્યે પરત ઘરે આવી ગયા હતાં. આથી તેમના પત્નિ રેખાબેને વહેલા શા માટે આવી ગયા? તેમ પુછતાં તેણે પેટમાં દુઃખતું હોવાનું કારણ બતાવ્યું હતું. એ પછી રેખાબેન નીચે દૂધ લેવા ગયા હતાં. પાછળથી નિતીનભાઇએ દરવાજો બંધ કરી પગલું ભરી લીધું હતું. આસપાસના રહેવાસીઓએ ભેગા થઇ દરવાજો તોડ્યો હતો.

આપઘાત કરનાર આધેડ ત્રણ બહેનના એકના એક વચેટ ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર યશ સિવિલ એન્જિનીયરીંગનો અભ્યાસ કરે છે અને પુત્રી કિંજલ કોલેજમાં ભણે છે. બનાવનું કારણ જાણવા માલવીયાનગરના પી.એસ.આઇ. પીપરોતરે તપાસ હાથ ધરી છે.

(4:18 pm IST)