Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ધો. ૧ર પછી PMKVYના રોજગારલક્ષી અભ્યાસક્રમનો ગીતાંજલી કોલેજમાં પ્રારંભ

રાજકોટ તા. ૧૬: ભારતના પ્રધાનમંત્રી દ્વારા દેશના યુવાનો માટે રોજગાર લક્ષી શિક્ષણ અને કૌશલ્ય વર્ધન માટેની વિવિધ યોજનાઓ મુકવામાં આવી છે. જેમાં PMKVY મોખરાનું સ્થાન ધરાવે છે યુવાનો યુનિર્વસીટીમાંથી ઉચ્ચ પદવીએ પ્રાપ્ત કર્યા પછી લાયકાત અનુસાર રોજગારી ન મળવાના કારણોમાં કૌશલ્યનો અભાવ એક પરિબળ છે ત્યારે યુવાનોમાં સમાજના સર્વક્ષત્રિય વિકાસને અનુરૂપ કૌશલ્ય નિર્માણ માટે પ્રધાનમંત્રીની કલ્પના આ PMKVY યોજનામાં પ્રતિબિંબિત થાય છે અને સમય સાથે યુવાન કદમ મીલાવી શકે તેવા ઉદ્દેશથી વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવી છે.

રાજકોટ શહેરની પ્રતિષ્ઠિત ગીતાંજલી કોલેજને આ PMKVY નું કેન્દ્ર મંજુર કરવામાં આવ્યું છે. પ્રથમ તબકકામાં કેન્દ્ર સરકારના  PMKVY મીનીસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા ઇકવીટી ટ્રેડિંગ, બીઝનેશ કોરસપોન્ડસ, રીટેઇલ સેલ્સ તથા ડેટા એન્ટ્રી ઓપરેટર એમ ચાર કોર્ષ મંજુર કરવામાં આવ્યા છે પ્રત્યેક કોર્ષના ર૦૦ કલાકની થીયરી તથા પ્રેકટીકલ એમ બન્ને ટ્રેનીંગ પૂરી પાડવામાં આવે છે જેમાં બાયોમેટ્રીકથી હાજરી અને નિયમિતતાના આધાર પર કોર્ષ પૂર્ણ થયે ઓનલાઇન પરિક્ષા લેવામાં આવે છે પાસ થયેલા વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારમાં કેન્દ્ર સરકાર દ્વારા રોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે. ઇકવીટી ડીલર કોર્ષ દ્વારા વિદ્યાર્થી શેર માર્કેટમાં, બીઝનેશ કોરસ્પોન્ડસ કોર્ષ દ્વારા બેકિંગ ઇન્સ્યુરન્સ તથા અન્ય ખાનગી વહિવટી એકમોમાં અને રીટેઇલ સેલ્સના કોર્ષ દ્વારા મોલ માર્કેટમાં, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય સેલ્સ ઝોનમાં ખુબ સારા સ્કેલથી રોજગારી વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઇ શકે છે. ગીતાંજલી કોલેજને PMKVY કેન્દ્રની મંજુરીએ સરકારશ્રીના ગીતાંજલી સંસ્થા પરના વિશ્વાસ અને શ્રધ્ધાનું એક પ્રમાણ છે.

કેન્દ્ર સરકારના માર્ગદર્શનમાં કાર્યરત ગીતાંજલી કોલેજ PMKVY કેન્દ્રમાં વિદ્યાર્થીઓ માટે ઉજજવળ તકોનું નિર્માણ કરવાના મુખ્ય હેતુ સાથે ગીતાંજલી ભવન, સાધુવાસવાણી રોડ, અજંતાપાર્ક પાસે શિક્ષણ કાર્યની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ચેરમેન શૈલેષ જાનીએ જણાવ્યું હતુ. વધુ માહિતી માટે PMKVY કેન્દ્ર નિયામક પ્રો. કુશલ બગડાઇ મો. ૮૬૯૦૯ રપ૦પપ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:45 pm IST)