Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કાલે શહેરમાં સિવિલ-ગુંદાવાડી-સ્ટર્લીંગ-વોકહાર્ટ સહિત ૬ સ્થળોએ કુલ ૬૦૦ હેલ્થ વર્કર્સને વેકસીન અપાશે

રસી લેનારને 'મેં કોરોના વેકસીન લીધી છે' એવા બેઝ અપાશેઃ વેકસીનની તમામ તૈયારીઓ પૂર્ણ :સિવિલ હોસ્પિટલ ખાતેના બુથની કામગીરી નરેન્દ્રભાઇ મોદી નિહાળશેઃ રાજ્યના કૃષિ મંત્રી, ધારાસભ્ય, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તથા સહકારી ક્ષેત્ર સહિતના અગ્રણીઓની વિવિધ જગ્યાએ ઉપસ્થિતિ

રાજકોટ તા. ૧૫ : સમગ્ર દેશ કોરોના વેકસીનની પ્રતિક્ષા કરી રહ્યો છે ત્યારે આવતીકાલે સવારે ૧૦.૩૦ વાગ્યે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોએ કોરોના વેકસીન લોન્ચ કરશે. જેમાં રાજકોટના કુલ ૬ બુથ પરથી વેકસીનેશનની કામગીરી કરવામાં આવશે. જેમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતેના વેકસીનેશન બુથની કામગીરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી નિહાળશે. જ્યારે અન્ય ૫ બુથ પર આ કામગીરી વિડીયો સ્ક્રીન દ્વારા દર્શાવવામાં આવશે. કાલે એક જ દિવસમાં ૬૦૦ લોકોને વેકસીન આપવામાં આવશે. એક સેન્ટર પર અંદાજીત ૧૦૦ વ્યકિતને દરરોજ રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. પ્રથમ તબક્કે હેલ્થવર્કરોને રસી અપાશે.

રાજકોટ શહેરના જે ૬ સ્થળોએ કોરોના વેકસીન લોન્ચ કરવામાં આવનાર છે જેમાં (૧) પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના મંત્રી આર.સી.ફળદુ (ર) પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ (૩) સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા (૪) વોકહાર્ડ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી (૫) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને (૬) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણી જ્યોતિન્દ્રભાઇ મહેતાની ઉપસ્થિતિમાં વેકસીનેશનની કાર્યવાહી થશે. રસી લેનાર વ્યકિતને 'મે કોરોના વેકસીન લીધી છે' તેવા બેઝ આપવામાં આવશે.  વેકસીન બુથ પર રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખાની ટીમ હાજર રહેશે. જેમાં મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, UHC એમ.ઓ., કોવીડ એમ.ઓ., સ્ટાફ, નર્સ, ડીઇઓ અને એમપીએચડબલ્યુ વિગેરે સ્ટાફ બુથ પર ઉપસ્થિત રહેશે. શહેરના ૧૦ વેકસીન બુથ પર ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવી છે.

(3:18 pm IST)