Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

રૂ.સાત લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ તા.૧૬: ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની ફટકારી હતી અને આરોપી ચેક મુજબની રકમ ન ચુકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ કર્યો હતો.

રાજકોટ (હાલ અમદાવાદ)માં રહેતા અશોકભાઇ રામચંદ બેટાઇએ તેમના મિત્ર જીતેનભાઇ હરગોવિંદભાઇ પારેખ પાસેથી સંબંધના દાવે રકમ રૂ.૭,૦૦,૦૦૦ હાથ ઉછીની લીધેલ અને આ રકમ લીધા બાબતે રકમ ઉછીની લેવાનો કરાર/પ્રોમીસરી નોટ લખી આપેલ. સદરહુ પ્રોમીસરી નોટ લખી આપતી વખતે તેમણે હાથઉછીની રકમ લેતી વખતે આપેલ ચેક જો તેઓ પ્રોમીસરી નોટમાં દર્શાવેલ સમયમર્યાદામાં સદરહુ હાથઉછીની રકમ મેળવેલ તે રોકડમાં ચુકતે પરત વસુલ ન આપે તો પ્રોમીસરી નોટ સમયે આપેલ ચેક બેંકમાં વટાવવા માટે રજુ કરી રકમ વસુલ મેળવી લેવાનુ વચન વિશ્વાસ અને ભરોસો આપેલ.

મજકુર અશોકભાઇ રામચંદ બેટાઇએ તેમણે આપેલ ચેક બેંકમાં વટાવવા માટે રજુ કરવા જણાવતા જીતેનભાઇ હરગોવિંદભાઇ પારેખે રાજકોટમાં બેંકમાં આવેલ તેમના ખાતામાં સદરહુ ચેક વટાવવા માટે રજુ કરતા સદરહુ ચેક આરોપીના ખાતામાં પુરતી રકમ જમા ન હોવાથી પરત ફરેલ. સદરહુ ચેક પરત ફરતા ફરીયાદી જીતેનભાઇએ રાજકોટના એડી.ચીફ જયુડી. મેજી.ગઢવીશ્રીની કોર્ટમાં ધ નેગો. ઇન્સ્ટુ. એકટ હેઠળ ફરિયાદ દાખલ કરેલ. જેમાં અદાલતે અશોકભાઇ રામચંદ બેટાઇને તકસીરવાન ઠરાવી એક  વર્ષની સાદી કેદની તથા ચેક મુજબની રકમ ફરિયાદીને ચુકવવાનો તેમજ જો આરોપી સદરહુ રકમ ચકવવામાં નિષ્ફળ જાય તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં એડવોકેટ જયેશભાઇ વડગામા રોકાયા હતા.

(3:42 pm IST)