Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

પીએસઆઇ સામે બેદરકારીનો ગુનો... ધરપકડ... સસ્પેન્ડ

૧૫ સેકન્ડનું સમયચક્ર... રિવોલ્વરમાંથી છૂટેલી ગોળીથી મિત્રની જિંદગી ખતમઃ સ્વજનોનો હત્યાનો આક્ષેપ!

રાજકોટની એસટી પોલીસ ચોકીની ઘટનાથી પોલીસ બેડામાં ચકચારઃ જેની ધરપકડ થઇ એ પીએસઆઇ પ્રદિપસિંહ પ્રવિણસિંહ ચાવડા મુળ ગાંધીનગરનાઃ બે વર્ષથી ફરજ બજાવે છે : પીએસઆઇ પી. પી. ચાવડા ગઇકાલે ત્રણ વાગ્યે જ રિવોલ્વરનું નવુ કવર લાવ્યા'તાઃ કોલકત્તાથી આવેલા મિત્ર પિયુષ રૈયાણી સાથે વાતો કરતા'તા ને રિવોલ્વર નવા કવરમાં મુકતા'તા ત્યાં જ સ્પા સંચાલક મિત્ર હિમાંશુ વાઘેલા (ઉ. ૩૦) અંદર આવ્યો ને ગોળી જમણા નેણ પાસે ખૂંપી ગઇઃ મેચની ટિકીટ આપવા આવ્યો ને મોત મળ્યું: ફોરેન્સિક પોસ્ટ મોર્ટમઃ ૧૫ જ સેકન્ડમાં બધુ બની ગયાનું સીસીટીવી ફૂટેજ પરથી સામે આવ્યું : ગઇકાલે હિમાંશુ ૪૦ હજાર રોકડા પિતા પાસેથી લઇ ગયો'તોઃ ૫૪ લાખમાં તે કોઇ સાથે ભાગીદારીમાં નવું સ્પા પણ ચાલુ કરવાનો હતો : હત્યાનો ગુનો નોંધો પછી જ લાશ સ્વીકારશું...એવા આક્રોશ બાદ ન્યાયી તપાસની માંગણી સાથે મૃતદેહ સ્વીકારી લેવાયો

જ્યાં ઘટના બની તે એસટી પોલીસ ચોકી, ડીસીપી રવિમોહન સૈની, એસીપી ટંડેલ, પીઆઇ એન.કે. જાડેજા, પી.આઇ. આર.વાય. રાવલ, પીએસઆઇ સોનારા સહિતનો સ્ટાફ, હિમાંશુનો મૃતદેહ જે રીતે પડ્યો હતો તે દ્રશ્ય, તેનો ફાઇલ ફોટો અને હિમાંશુનુ પ્રમુખ આર્કેડમાં આવેલુ સ્પા તથા જેનાથી ગોળી છૂટી ગઇ તે પીએસઆઇ પ્રદિપસિંહ પ્રવિણસિંહ ચાવડા તસ્વીરમાં જોઇ શકાય છે. પ્રદિપસિંહ ચાવડા બે વર્ષથી પોલીસમાં ફરજ બજાવે છે. મુળ ગાંધીનગરના વતની છે અને હાલ રામનાથપરા પોલીસ લાઇનમાં રહે છે. તેમને પણ સંતાનમાં એક પુત્ર છે. પીએસઆઇ ચાવડાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬: શહેરના એ-ડિવીઝન પોલીસ મથક હેઠળ આવેલા એસટી બસ સ્ટેશનની એસટી ચોકીમાં ફરજ બજાવતાં પીએસઆઇ પ્રદિપસિંહ પ્રવિણસિંહ ચાવડા (પી.પી. ચાવડા)ની સર્વિસ રિવોલ્વરમાંથી ગઇકાલે ગોળી છૂટી તેને મેચની ટિકીટો આપવા આવેલા તેના સ્પા સંચાલક મિત્ર હિમાંશુ દિનેશભાઇ ગોહેલ (ધોબી) (ઉ.૩૦)ના જમણા નેણ પાસે ખૂંપી જઇ પાછળથી નીકળી જતાં હિમાંશુનું મોત નિપજ્યું હતું. માત્ર પંદર જ સેકન્ડમાં મોત જિંદગીને હાથતાળી આપી ગયાનું સીસીટીવી ફૂટેજને આધારે સામે આવ્યું છે. હિમાંશુ ચોકીમાં એન્ટર થાય છે અને એ પછીની થોડી જ સેકન્ડોમાં પીએસઆઇનો બીજો મિત્ર દોડીને બહાર આવે છે અને પીએસઆઇ પણ બહાર આવે છે...બહારના કેમેરામાં આ દ્રશ્યો દેખાયા છે. ઘટના આકસ્મિક અને બેદરકારીથી મોતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવતાં આઇપીસી ૩૦૪ તથા આર્મ્સ એકટની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી પીએસઆઇની ધરપકડ કરી લીધી છે. પરંતુ બીજી તરફ એકના એક દિકરા હિમાંશુના મોતની ઘટના આકસ્મિક નહિ, હત્યાની હોવાનો ચોંકાવનારો આક્ષેપ વૃધ્ધ પિતા સહિતના પરિવારજનોએ કરી ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ નહિ સંભાળવાનો નિર્ણય કરી સવારે પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ભારે રોષ વ્યકત કર્યો હતો. જો કે બાદમાં ન્યાયી તપાસની માંગણી સાથે મૃતદેહ સ્વીકારી લેવાયો હતો. બીજી તરફ બેદરકારી દાખવવા સબબ પકડાયેલા પીએસઆઇને પોલીસ કમિશનરે તાકીદે સસ્પેન્ડ કરી દીધા છે.

બુધવારે સાંજે એસટી ચોકીના પીએસઆઇ ચાવડાએ જ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. એ સાથે જ ડીસીપી રવિમોહન સૈની, એસીપી ટંડેલ, પીઆઇ એન. કે. જાડેજા, પીએસઆઇ સાખરા, રણજીતસિંહ ઝાલા,  વિજયસિંહ જાડેજા, દિપકભાઇ સહિતની ટીમ અને એસઓજી પીઆઇ આર.વાય. રાવલ તથા બીજી બ્રાંચના અધિકારીઓ, પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતાં. પીએસઆઇ ચાવડાએ પોતે નવા કવરમાં સર્વિસ રિવોલ્વર મુકતાં હતાં ત્યારે અકસ્માતે ગોળી છુટી જતાં અને એ વખતે જ મિત્ર હિમાંશુ વાઘેલા પોતાને ક્રિકેટ મેચની ટિકીટ આપવા આવ્યો હોઇ તેને કપાળમાં જમણા નેણ પાસે ગોળી ખુંપી ગયાનું કહ્યું હતું. આ ઘટના વખતે કોલકત્તાથી આવેલો મુળ રાજકોટનો એવો પીએસઆઇ ચાવડાનો બીજો મિત્ર પિયુષ રૈયાણી પણ હાજર હતો. તેણે પણ ઘટના આકસ્મિક હોવાની વાત કરી હતી.

મૃત્યુ પામનાર હિમાંશુ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. આ ઘટનાથી સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. માતા-પિતા-બહેનો-બનેવીઓ સહિતના સ્વજનો, સગા મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. મૃતદેહને પંચનામા બાદ પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો. પરંતુ સાંજે જ પરિવારજનોએ પોલીસે અકસ્માતે મૃત્યુની જે થિયરી જણાવી તે પોતાને ગળે ઉતરતી નહિ હોવાનું કહી આ બનાવ હત્યાનો હોવાની શંકા દર્શાવી હતી. આજે સવારે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. સવારે પણ મૃતકના સગર્ભા પત્નિ ઇશા, પિતા દિનેશભાઇ ગોહેલ (ઉ.૬૯), બનેવીઓ તથા બીજા સગા-મિત્રો મોટી સંખ્યામાં હોસ્પિટલે પહોંચ્યા હતાં અને ઘટના હત્યાની જ હોવાનું તેમજ આ અંગે ગુનો નોંધાય પછી જ લાશ સંભાળશે તેવું જણાવી રોષ વ્યકત કર્યો હતો.

પોલીસે સાંજે આ બનાવમાં મૃત્યુ પામનાર હિમાંશુના પિતા દિનેશભાઇ વિઠ્ઠલભાઇ ગોહેલ (રહે. અંકુર સોસાયટી રોડ, વૃંદાવન સોસાયટી-૨)ની ફરિયાદ પરથી પીએસઆઇ પી. પી. ચાવડા સામે ગુનો નોંધી મોડી રાતે તેની ધરપકડ પણ કરી લીધી છે અને રિવોલ્વર કબ્જે કરી છે. ગોળી હિમાંશુના નેણ પાસેથી ખૂંપી જઇ માથા પાછળથી બહાર નીકળી બારીમાં ખુંચી ગઇ હતી. આ ફૂટેલો કાર્ટીસ પણ પોલીસે કબ્જે કર્યો છે.

ફરિયાદમાં દિનેશભાઇએ જણાવ્યું છે કે હું ધોબી કામ કરુ છું અને મારા પત્નિનું નામ ભાનુબે છે. સંતાનમાં પુત્ર હિમાંશુ તથા બે દિકરીઓ એશાબેન અને નિલમબેન છે. હિમાંશુની પત્નિનું નામ ઇશા છે. તેને સંતાનમાં ૬ વર્ષની દિકરી હિનલ છે. હિમાંશુ પ્રમુખ આર્કેડમાં ગ્લો ફેમિલી સ્પા નામે છેલ્લા બે વર્ષથી ધંધો કરતો હતો અને મહિને રૂ. ૮૦ હજાર ભાડૂ ભરતો હતો. બુધવારે (૧૫મીએ) બપોરે પોણા બારેક વાગ્યે હિમાંશુ જમીને તેના સ્પા પર ગયો હતો અને જતી વખતે મારી પાસેથી રૂ. ૪૦ હજારની જરૂર છે, તેમ કહી રોકડા ચાલીસ હજાર લઇ  ગયો હતો. સાંજે હું ગ્રાહકોના કપડા દઇને ઘરે આવ્યો ત્યારે પોલીસવાળા ભાઇઓ આવ્યા હતાં અને હિમાંશુ તમને શું થાય? તેમ પુછતાં મેં તે મારો દિકરો છે એવું કહેતાં મને સાથે આવવાનું કહેતાં મેં મારા જમાઇ રમેશભાઇ પ્રેમજીભાઇ સોલંકી (રહે. રાજકોટ)ને જાણ કરતાં તે આવ્યા હતાં અને અમે એસટી પોલીસ ચોકીએ પહોંચ્યા હતાં.

જ્યાં અંદર મારા દિકરા હિમાંશુની લોહીલુહાણ લાશ મને બતાવાઇ હતી અને તેને ગોળી લાગી ગઇ છે તેમ કહેવાયું હતું. ગોળી કઇ રીતે લાગી અને મારો દિકરો કેવી રીતે મૃત્યુ પામ્યો તેની મને ખબર નથી. આ વખતે ચોકીમાં બીજા એક ભાઇ પણ હતાં. જેનું નામ પિયુષભાઇ હોવાની મને ખબર પડી હતી. તેણે મને કહ્યું હતું કે પીએસઆઇ ચાવડા રિવોલ્વર સાફ કરતાં હતાં ત્યારે ગોળી ફાયર થયેલ છે.

મારા પત્નિ ભાનુબેને મને વાત કરી હતી કે હિમાંશુ મોટી સ્પાની દૂકાન ૫૪ લાખમાં લેવાનો હતો. આ દૂકાન કોની સાથે ભાગમાં લેવાનો હતો તેની મારા પત્નિને કે મને ખબર નથી. પીએસઆઇ રિવોલ્વર સાફ કરતા હતાં ત્યારે ગોળી વાગી ગઇ હતી તેવી ચર્ચા મેં સાંભળી હતી. પિયુષભાઇ રૈયાણી-પટેલ ત્યાં હાજર હતાં તેણે એવું પણ કહ્યું હતું કે સાહેબને મેચની ટિકીટ આપવા માટે હિમાંશુ સાંજે પાંચેક વાગ્યે ચોકીમાં આવ્યો હતો ત્યારે આ ગોળી અકસ્માતે વાગી ગઇ છે. પીએસઆઇનું નામ પી. પી. ચાવડા હોવાનું તેણે કહ્યું હતું. હું તેમને ઓળખતો નથી.

ચાવડા સાહેબે મારા દિકરાને કોઇ ધાકધમકી આપી હોય કે તેની સાથે કોઇ વેરભાવ હોય તેવી વાત મેં કે મારા જમાઇ કે પત્નિે કે મારા સાળાએ સાંભળી નથી. આ બનાવ શંકાસ્પદ હોઇ તેની તપાસ કરવા મારી ફરિયાદ છે.

પોલીસે આ ફરિયાદને આધારે રાતે જ પીએસઆઇ પ્રદિપસિંહ પ્રવિણસિંહ ચાવડાની ધરપકડ કરી લીધી છે. બેદરકારીથી પિસ્તોલ સાફ કરવાથી ફાયર થઇ શકે અને ઇજા થઇ શકે તેવી જાણકારી હોવા છતાં તેણે બેદરકારી રાખતાં ગોળી છુટતાં હિમાંશુનું મોત નિપજ્યાનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં પીએસઆઇ ચાવડાની તાકીદે ધરપકડ કરી લેવામાં આવી હતી અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આજે બપોરે તેને સસ્પેન્ડ કરવાનો હુકમ પણ કરી દેતાં તે અંગેની કાર્યવાહી થાણા ઇન્ચાર્જ દ્વારા કરવામાં આવી હતી.

 મૃતકના સ્વજનોએ આ રીતે ઘટના બની જ ન શકે તેવું કહી આજે સવારે હત્યાનો ગુનો નોંધવાની માંગણી કરી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. આ કારણે થોડો સમય વાતાવરણ તંગ થઇ ગયું હતું. જો કે અંતે સ્વજનોએ આ બનાવમાં ન્યાયી કાર્યવાહીની ખાત્રી માંગી મૃતદેહ સ્વીકારી લેતાં મામલો શાંત પડ્યો હતો. ડીસીપી રવિમોહન સૈની, એસીપી ટંડેલની રાહબરીમાં પીઆઇ એન. કે. જાડેજા, પીઆઇ આર.વાય. રાવલ સહિતની ટીમોએ તપાસ કરી હતી. ઘટના આકસ્મિક જ હોવાનું હાલ તો સામે આવી ગયું છે, આમ છતાં અમુક મુદ્દાઓની તપાસ માટે આગળની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે.

મૃત્યુ પામનાર ધોબી યુવાન બે બહેનનો એક જ ભાઇ અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતો

૬ વર્ષની દિકરી હિનલે પિતાની છત્રછાંયા ગુમાવીઃ પત્નિ ઇશા હાલમાં સગર્ભાઃ

અંકુર સોસાયટીના ગોહેલ પરિવારમાં કલ્પાંત

. પોતાના જ મિત્ર એવા પીએસઆઇ પી. પી. ચાવડાની સર્વિસ રિવોલ્વરમાંથી અકસ્માતે છૂટેલી ગોળીથી મોતને ભેટેલો ધોબી યુવાન હિમાંશુ દિનેશભાઇ વાઘેલા (ઉ.વ.૩૦) વૃધ્ધ માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ હતો અને બે બહેનો એશાબેન યશવંતભાઇ વાઘેલા તથા નિલમબેન રમેશભાઇ સોલંકીનો એકનો એક નાનો ભાઇ હતો. દિકરાના મોતથી માતા ભાનુબેન અને સગર્ભા પત્નિ ઇશાની હાલત ખરાબ થઇ જતાં સારવાર અપાવવી પડી હતી. હિમાંશુના મોતની તેની ૬ વર્ષની દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે. પિતા ઘર બેઠા ધોબીકામ કરે છે અને હિમાંશુ માલવીયા ચોકના પ્રમુખ આર્કેડમાં ગ્લો ફેમિલી સ્પા ચલાવતો હતો. હિમાંશુના એક બહેન રાજકોટમાં અને બીજા પોરબંદર સાસરે છે.

પીએસઆઇ ચાવડાને ભારે અફસોસ...આંખમાંથી આંસુ વહી ગયાઃ મોટે ભાગે રિવોલ્વર ઘરે રાખતાં,

કાલે કેદી પાર્ટી હોવાથી સાથે રાખી'તી

. પીએસઆઇ પી. પી. ચાવડા સામે એ-ડિવીઝન પોલીસે રાતે જ બેદરકારીથી મોત નિપજાવવા સબબ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. પીએઅસાઇ ચાવડાએ સવારે સજળ નયને જણાવ્યું હતું કે મારી જ બેદરકારીથી મારા મિત્રનું મોત થયું એ ખુબ દુઃખદ છે. હું વિચારી પણ શકતો નથી કે આવું કેમ થઇ ગયું. હું મોટે ભાગે સર્વિસ રિવોલ્વર ઘરે જ રાખતો હતો. કેદી પાર્ટી કે બંદોબસ્ત હોય તો જ સાથે રાખતો હતો. ગઇકાલે કેદી પાર્ટી હોવાથી એ ડ્યુટી પુરી બપોર બાદ એસટી ચોકીએ આવ્યા હતાં. ત્યાં અગાઉ ફરજ બજાવી ચુકેલા પીએસઆઇ જોષી આવ્યા હોઇ તે રૈયા રોડ પરની દૂકાને રિવોલ્વરનું નવું કવર લેવા જતાં હોઇ પોતે પણ તેની સાથે ગયા હતાં અને પોતાની રિવોલ્વરનું કવર પણ લાવ્યા હતાં. નવા કવરમાં પિસ્તોલ મુકતી વખતે જ ઘટના બની હતી. સવારે પોલીસ મથકમાં વિગતો વર્ણવતી વખતે પીએસઆઇ ચાવડા રડી પડ્યા હતાં. રાતે સતત તેની સાથે બીજા કોન્સ્ટેબલને બેસાડી રખાયા હતાં. પીએસઆઇ ચાવડા સતત અફસોસ કરી રહ્યા હતાં અને ઘટના આકસ્મિક જ હોવાનું તેણે કહ્યું હતું.

(3:29 pm IST)
  • વડોદરા : માંજલપુર વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગ કાઢવાની કામગીરી કરતા એમજીવીસીએલના કર્મચારીનું વીજ કરંટ લાગતા મોત access_time 5:35 pm IST

  • બિહારની રેલીમાં અમિતભાઇ શાહનું એલાનઃ નીતિશકુમારના નેતૃત્વમાં જ લડાશે વિધાનસભાની ચૂંટણી access_time 4:07 pm IST

  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST