Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મુખ્યમંત્રીના હોમટાઉનમાં હાર ભાળી ગયેલ ભાજપે કોંગી ઉમેદવારનું અપહરણ કરી આચરેલા કૃત્યનો પર્દાફાશ કરવા આરટીઆઈ કરાશે : શહેર પ્રમુખ મહેશ રાજપૂત

રાજકોટ : આગામી તા.૨૭મીએ શહેરના વોર્ડ નં.૧૩માં યોજાનાર કોર્પોરેટરની ચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નરશી પટોરીયાએ તેનું ફોર્મ પાછુ ખેંચી અને ભાજપમાં પ્રવેશ કરી લીધો છે ત્યારે આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતે આકરા પ્રત્યાઘાતો આપવા માટે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ જાહેર કર્યુ હતું કે કોંગ્રેસે શિક્ષિત અને સબળ ઉમેદવાર નરશીભાઈ પટોળીયાને મેદાનમાં ઉતાર્યા હતા. તેથી શાસક પક્ષ ભાજપ અગાઉથી જ હાર ભાળી ગયેલ પરંતુ રાજકોટ એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હોમટાઉન છે ત્યારે અહિં ભાજપની હારથી પક્ષમાં મોટી બદનામી થાય તેના ભયથી પીડાતા ભાજપ દ્વારા કોંગ્રેસના સરળ અને શિક્ષક એવા ઉમેદવાર નરશીભાઈ પટોળીયાનો સફેદ કલરની કાળા કાચવાળી ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા. અંદર કોણ કોણ હતા? તેમજ ઉમેદવારીપત્રક પરત ખેંચતી વખતે કોણ કોણ હાજર હતું? તે તમામ બાબતોનો પર્દાફાશ કરવા માટે આરટીઆઈ દ્વારા સત્તાવાર માહિતી માંગવામાં આવશે અને ભાજપનું આ લોકશાહી વિરૂદ્ધના કૃત્યને લોકો વચ્ચે ખુલ્લુ પાડવામાં આવશે. તસ્વીરમાં મહેશ રાજપૂત ઉપરાંત આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત પૂર્વ મેયર અશોક ડાંગર, બ્રિજેશ મેરજા, પ્રદિપ ત્રિવેદી, જાગૃતિબેન ડાંગર, પરેશ હરસોડા વગેરે દર્શાય છે.

(4:53 pm IST)