Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

કોઠારીયા કોલોનીના 'બલધારી ચોક' બગીચા આસપાસ લુખ્ખા, દારૂડીયાઓનો અસહ્ય ત્રાસ

કોઠારીયા કોલોની યુવા ગુ્રપના ગજેન્દ્રસિંહ ઝાલાના નેતૃત્વમાં પોલીસ કમિશ્નરને આવેદન

રાજકોટ તા. ૧૬ : કોઠારીયા કોલોનીમાં આવેલ બલધારી ચોક, બગીચા આસપાસ રોડ રોમીયો, દારૂડીયા, લુખ્ખાઓનો ત્રાસ અસહ્ય બનેલ હોવાની આસપાસના રહેવાસીઓએ કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલાની આગેવાની હેઠળ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.રજુઆતમાં જણાવેલ છે કે દારૂડીયા લુચ્ચા લફંગાઓ દ્વારા અવાર નવાર આ વિસ્તારમાં બબાલો કરવામાં આવે છે. ગત શનિવારે અને અગાઉ પણ ચોક પાસે મારામારીની ઘટના બની હતી. મામલો ભકિતનગર પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો. પરંતુ પોલીસે જોઇએ તેવી સખ્તાઇ દર્શાવી નહોવાનો અસંતોષ લોકોમાં પ્રવર્તી રહ્યો છે.

મોડી રાત્રે તોફાની તત્વોના અડીંગા જામતા હોય બહેનો દિકરીઓને ઘર બહાર નિકળવુ મુશ્કેલ બની રહે છે. પોલીસ આવા લોકોને ઠમઠોરવામાં કોની લાજ કાઢે છે? તેવા સવાલો ઉઠયા છે. સત્વરે આ વિસ્તારના લોકોને સુરક્ષા પ્રદાન કરવા કોઠારીયા કોલોનીના લોકોએ આવેદનપત્રના અંતમાં માંગણી કરી છે.

(4:04 pm IST)