Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

યુવા ભીમ સેનાના જીઇબી કોર્પોરેટ ઓફીસ ખાતે ઉગ્ર દેખાવો : ધરણાઃ ઇજનેરો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો

પોલીસનો જડબેસલાક બંદોબસ્ત : એમડીને સણસણતુ આવેદન : વીજ સહાયકની ભરતીમાં જબરી ગોલમાલ : પોલીસે ટીંગાટોળી કરી પ ની અટકાયત કરીઃ પછી છોડી મૂકયા

યુવા ભીમ સેનાએ આજે જીઈબીની કોર્પોરેટ કચેરી ખાતે વીજ સહાયકની ભરતીના મામલે દેખાવો યોજી ધરણા કર્યા હતા. તસ્વીરમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત, યુવા ભીમ સેનાના કાર્યકરો, એમડીને અપાઈ રહેલ આવેદન અને પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી તે નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૨-૨૦)

રાજકોટ, તા. ૧૬ : યુવા ભીમ સેનાએ આજે પીજીવીસીએલની કોર્પોરેટ ઓફીસ સામે ઉગ્ર દેખાવો કરી ધરણા યોજયા હતા અને એમડીને આવેદન પાઠવી વિદ્યુત સહાયક ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટની ભરતીમાં થયેલ ગોલમાલ સામે રજૂઆતો કરી હતી. પોલીસ દ્વાનરા જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો હતો. ટીંગાટોળી કરી પોલીસે અટકાયત કરી હતી. આવેદનમાં ઉમેર્યું હતું કે, આપની કંપનીમાં થયેલ ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટની ભરતીમાં ગોલમાલ થયા અંગેની ફરીયાદ યુવા ભીમસનાને બહુજ સીકયુરીટી ફોર્સની રજૂઆતના અનુસંધાને જણાવવાનું કે, મોટકા જયદેવભાઇ શાંતિલાલને પ્રથમ મેરીટ લીસ્ટમાં પ૧ માર્કસ હતા ત્યારબાદ સુધારો કરી પર (બાવન) માર્કસ કરવામાં આવ્યા અને ફરીવાર બીજો સુધારો કરી ૬૮ માંથી ૭ર માર્કસ કરવામાં આવ્યા. જે બાબત શંકા ઉપજાવે છે અને ભરતી પ્રક્રિયામાં કયાંક ગોલમાલ થયેલ છે જેના કારણે અન્ય ઉમેદવારોને અન્યાય થવા પામેલ છે જે યોગ્ય નથી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, એક જ વ્યકિતના પરિણામમાં બે-બે વખત સુધારો કરાયો. પ્રેકટીકલ પોલ ટેસ્ટમાં જયદેવભાઇના માર્ક પરિણામ જાહેર થયા પછી ઉમેરાયા. રપ ફેબ્રુઆરી ર૦૧૮ એ લેવાયેલી પરીક્ષાનું ૧૦ મહીના પછી ર જાન્યુઆરી ર૦૧૯માં પરિણામ જાહેર કરાયું. સૌથી મહત્વની બાબત એ છે કે મેરીટ લીસ્ટ બહાર પાડયા વિના ઓર્ડર ઇસ્યુ કરી દીધા. ઓનલાઇન મેરીટ ૪ર૬ બતાવે છે અને ઓર્ડરમાં ર૦૭-એ બતાવેલ છે જે ભ્રષ્ટાચાર ફલીત થાય છે તેમ ઉમેર્યું હતું.

આવેદનમાં માંગણી કરાઇ હતી કે, પરીક્ષામાં અને પરિણામમાં જે કંઇ ખોટું થયું હોય તે દૂર કરવા અને ખોટુ કરનાર અધિકારી સામે શિસ્તભંગના પગલા લેવા તેમજ વીજ હેલ્પર ભરતી રદ કરો, દોષીતોને સજા કરો અને સીન્યોરીટી મુજબ ભરતી કરો એવી અમારી માંગણી છે. જો આપના દ્વારા ઉપરોકત દર્શાવેલ મુદાઓ બાબતે યોગ્ય પગલા લેવામાં નહીં આવે અને જો તાત્કાલીક અન્યાય દૂર કરવામાં નહીં આવે તો અમો આપની કચેરી ખાતે ત્રણ દિવસના ધરણા કરી પ્રતિક ઉપવાસ કરીશું અને ત્યારબાદ ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જેનાથી ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે આપશ્રી જવાબદાર રહેશો. તેમ ચેતવણી અપાઇ હતી. આગેવાનોમાં સંકીત મકવાણા, ડી.ડી. સોલંકી વિગેરે હાજર રહ્યા હતાં.

(3:45 pm IST)