Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

કોર્પોરેશનના 'પટેલ સાહેબ'ના નામે ૨૧ ઠગાઇઃ 'ધૂતારો' ઝડપાયો

નવા બનેલા કે બની રહેલા મકાને મહિલા સભ્યો કે વૃધ્ધોની હાજરીમાં પહોંચી વેરા બીલ, આકારણીની ફીના નામે ગઠીયાગીરી કરી ભાગી જતો'તોઃ ક્રાઇમ બ્રાંચને સફળતા : ઘરે હાજર મહિલા કે વૃધ્ધોના ફોનમાંથી જ જવાબદાર વ્યકિત કે જે બહાર હોઇ તેની સાથે વાત કરતો અને આ વ્યકિતએ 'નાણા આપી દેવા કહ્યું છે' તેવો દેખાવ ઉભો કરી ૨૦ હજારથી ૨ાા લાખ સુધીની રોકડ લઇ છનનન થઇ જતો : રાજકોટ ઉપરાંત વેરાવળ, જુનાગઢ, સુરત, ભાવનગર, બરોડામાં પણ આ રીતે ઠગાઇ કરી'તીઃ ૯૩-૯૪માં જીઇબીના શાહ સાહેબના નામે ઠગાઇ કરતો'તો : મુળ ભાવનગરનો બાબર શખસ કિશોર રાઠોડ રમેશભાઇ રાઠોડ (ઉ.૪૭) હેકડોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. યોગીરાજસિંહ જાડેજા અને કોન્સ. અમિત ટુંડીયાની બાતમી પરથી સપડાયોઃ આઇવે પ્રોજેકટના કેમેરામાં શકમંદ નજરે પડ્યો ને સફળતા મળી : બાબર શખ્સ કહે છે-અલંગમાં ભંગારના ધંધામાં મોટી ખોટી જતાં અને વ્યાજમાં ફસાતાં ચીટીંગના રવાડે ચડ્યો : ઠગાઇ કરવા જતો ત્યારે બાઇકની નંબર પ્લેટ બદલી નાંખતોઃ દર વખતે નવી બોગસ નંબર પ્લેટનો ઉપયોગઃ પાના-પક્કડ અને પ્લેટો ભેગી જ રાખતો!

ભેજાબાજ ઝબ્બેઃ હું પટેલ સાહેબ...મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આવું છું...તમારો પ્લાન પાસ થઇ ગયો છે, પૈસા ભરવાના છે...તેમ કહી રોકડા લઇ ભાગી જતાં મુળ ભાવનગરના ગઠીયા બાબર શખ્સ કિશોર રાઠોડને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. આ શખ્સે છેલ્લા કેટલાક મહિનામાં ૨૧ ઠગાઇ કરી લાખો રૂપિયા ઉસેડી લીધા હતાં. તેની માહિતી આપી રહેલા પોલીસ કમિશ્નર, જોઇન્ટ પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ અને આ ગઠીયાની ઝડપી લેવામાં સફળતા મેળવનાર ટીમ તથા પકડાયેલો ગઠીયો (માથે કપડુ ઢાંકયુ છે તે) જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬: શહેર લાંબા સમયથી કોર્પોરેશનના 'પટેલ સાહેબ'ના નામે નવા બનતા મકાનો કે નવા બની ગયા હોય તેવા મકાનો ખાતે જ્યાં મહિલા સભ્યો કે મોટી ઉમરના સભ્યો જ હોય ત્યાં પહોંચી જઇ 'તમારા મકાનનો પ્લાન પાસ થઇ ગયો છે, વેરો ભરવાનો છે' તેવી વાતો કરી ઘરે હાજર મહિલા સભ્યો કે વૃધ્ધોના ફોન મારફત ઘરના જવાબદાર વ્યકિત કે જે બહાર હોઇ તેની સાથે ફોનમાં વાત કરી 'પૈસા આપવાના છે, વાત થઇ ગઇ છે' તેવો દેખાવ કરી  છેતરપીંડી કરી રોકડા લઇ છનનન થઇ જતો મુળ ભાવનગરના બોરતળાવ રેલ્વે હોસ્પિટલ પાછળ લાલ ટાંકી સામે રહેતાં બાબર શખ્સ કિશોર રમેશભાઇ રાઠોડ (ઉ.૪૭)ને ક્રાઇમ બ્રાંચે ઝડપી લેતાં રાજકોટમાં આચરેલા ૨૧ ઠગાઇના ગુનાનો ભેદ ખુલ્યો છે.

આ ડિટેકશન અંગે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરમા ઘણાં સમયથી અલગ અલગ વિસ્તારોમાં નવા મકાનો બનતા હોય કે બની ગયા હોય ત્યાં જ્યારે મહિલા સભ્ય કે મોટી ઉમરના લોકો હાજર ત્યાં જઇ એક શખ્સ પોતે મ્યુનિસિપલ કોર્પોરેશનના પટેલ સાહેબ છે તેમ કહી જે તે ઘરના સભ્યના મોબાઇલમાંથી જ એ ઘરના જવાબદાર વ્યકત કે જે તેના ધંધા-રોજગારના સ્થળે કે નોકરી પર હોય તેની સાથે વાત કરી જવાબદાર વ્યકિતએ વેરાના પૈસા આપવાનું કહ્યું છે તેવો ઘાટ ઉભો કરી ઘરે હાજર મહિલા સભ્ય કે વૃધ્ધો પાસેથી પૈસા લઇ ભાગી જતો હતો. આ ગઠીયાને ઝડપી લેવામાં સફળતા મળી છે. જેનું નામ કિશોર રાઠોડ (બાબર) છે. આ શખ્સને ઝડપી લેવા

ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમ કાર્યરત હતી. આ ટીમોએ  શહેરમા આઇ-વે પ્રોજેકટના સીસીટીવી ફુટેજ ચેક કરવામા આવ્યાહતાં. ઠગાઇના બનાવો મવધુમા વધુ વિકસીત વિસ્તારમા અને  જે ફકત સીંગલ મકાન બનતુ હોય એ સ્થળે વધુ બનતા હોઇ પોલીસે મકાનમાલીકો તથા કોન્ટ્રાકટરોને આવા બનાવો બાબતે વાકેફ કરી પોલીસ સ્ટાફ તથા કંટ્રોલ રૂમના નંબરો આપી ચીટર વિશે માહિતી આપવા કહ્યું હતું.

દરમિયાન પીએસઆઇ મહાવીરસિંહ

બી. જાડેજા તથા તેમની ટીમના પો. હેડ કોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા, ફીરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, તથા કોન્સ. કુલદિપસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, અમીતભાઇ ટુંડીયા, સોકતખાન ખોરમ  સહિતની ટીમ અમીન માર્ગ હીંગળાજનગર ખાતે પહોંચતા હેડકોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. યોગીરાજસિંહ જાડેજા, અમીતભાઇ ટુંડીયાના ધ્યાને એક શખ્સ પેશન બાઇકમાં હેલ્મેટ પહેરી જતો સીસીટવીના અગાઉના ફૂટેજ મુજબનો જણાયો હતો. તેના હાવભાવ ઉપરથી એ શખ્સ પટેલ સાહેબના નામે ચીંટીંગ કરતો હોય એ જ હોવાનું લાગતાં સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાનું નામ સરનામુ જણાવ્યું હતું.

તેની પાસેથી ૧૦ તથા ૧૧ નંબરના પાના, બાઇકની નંબર પ્લેટના બોલ ખોલવાના નાના પાના નંગ-૨, અલગ અલગ બોલપેન નંગ-૩ ,  આગળ તથા પાછળની આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ,કોરી સફેદ કલરની નંબર પ્લેટ, ક્રીમ તથા કાળા કલરની ગરમ ટોપી નંગ-૨, કાળા કલરનુ હેલ્મેટ  તેમજ રૂ.૪૨,૬૭૦ મળતાં આ  બાબતે આકરી પુછતાછ થતાં તેણે કોર્પોરેશનના અધિકારી તરીકે ચીટીંગ કર્યાનું કબુલ્યું હતું.  ત્રણ મોબાઇલ ફોન પણ કબ્જે કરવામાં આવ્યા હતાં. તેણે ઠગાઇના ૨૧ ગુનાની કબુલાત આપતાં ધરપકડ કરાઇ હતી.

તેણે જે ગુના આચર્યા છે તેમાં (૧)  માર્ચ ૨૦૧૮ના મહિનામા રાજકોટમા નાનામવા રોડ ઉપર શાસ્ત્રીનગર સામેથી એક મકાને જઇ કોર્પોરેશનના નામે રૂ.૪૪,૦૦૦/- નુ ચીટીંગ કર્યુ હતું. (૨) એ જ દિવસે બપોરના સમયે રાજકોટ વિષ્ણુવીહારમાં એક મકાનેથી રોકડ રૂ.૨૦,૦૦૦/- નુ ચીટીંગ, (૩) એપ્રીલ ૨૦૧૮માં  અક્ષર માર્ગ ઉપર છેતરપીંડી, (૪) એ જ મહિનામાં મવડી રોડ ઉપર એક સોસાયટીમા  રૂ.૨,૧૨,૦૦૦/- નુ ચીટીંગ, (૫) માઘાપર ચોકડી પાસે સોસાયટીમાં રૂ.૪૦,૫૦૦ની ઠગાઇ, (૬)  જુલાઇ માસમાં  રૈયારોડ ઉપર રૂ.૧,૮૦,૦૦૦ની ઠગાઇ, (૭) ઓગષ્ટ માસમાં નાના મવા રોડ ઉપર એક મોટી ઉમરના ભાઇ પાસેથી કોર્પોરેશનના અધિકારીના નામે રૂ.૪૦,૦૦૦ની ઠગાઇ, (૮) એ જ મહિનામાં યુનિવર્સિટી રોડ પર ૯૮ હજારનું ચીટીંગ, (૯) કાલાવાડ રોડ ક્રિસ્ટલ મોલ પાછળ એક સોસાયટીમા ે રૂ.૩૩,૦૦૦ની ઠગાઇ કરી હતી.

આ ઉપરાંત અમદાવાદ ચીટીંગ કરવા ગયો હતો પણ મેળ પડ્યો નહોતો. સુરતમાં વરાછા વિસ્તારમાં ૪૮ હજારની ઠગાઇ, જુનાગઢ ટીંબાવાડીમાં ૨૮ હજારની ઠગાઇ કરી હતી. ઉપરાંત રાજકોટમાં  કુવાડવા રોડ આજુ બાજુના વિસ્તારમા એક સોસાયટીમાથી કોર્પોરેશનના નામે રૂ.૫૦,૦૦૦/- નુ ચીટીંગ,(૧૨) વડોદરા નિઝામપુર વિસ્તારમા  વી.એમ.સી. ના પટેલ સાહેબના નામે રૂ.૧,૬૮,૦૦૦નું ચીટીંગ, (૧૩) તા.૮/૧૨/૧૮ ના રોજ રાજકોટ યુનિવર્સીટી રોડ ઉપરથી એક જગ્યાએથી રૂ.૧૭,૦૦૦નું ચીટીંગ કર્યુ હતું.

આ ઉપરાંત યુનિ. રોડ ઉપર એક મકાન ખાત રૂ.૪૦,૦૦૦,  રૈયારોડ ઉપરથી એક  રૂ.૯૮,૦૦૦, મવડી વિસ્તારમાથી રૂ.૬૦,૦૦૦, નંદિ પાકમાં રૂ.૧,૭૦,૦૦૦,  મારવાડી બીલ્ડીંગ સામે નાનામવા રોડ ઉપર એક મકાન ખાતે પટેલ સાહેબની ઓળખ આપી રૂ.૨,૦૦,૦૦૦,  સામાકાંઠા તરીકે ઓળખાતા વિસ્તારમા ડી માર્ટ પાછળથી રૂ.૩,૦૦,૦૦૦,  મવડી ચોકડી રૂ.૨૦,૦૦૦ તથા ગત  તા.૦૫/૦૧/૨૦૧૯ના રોજ સાંજના સમયે નાનામવા રોડ ઉપર એક નવા બનતા મકાન ખાતે કોર્પોરેશનમાંથી પટેલ સાહેબ તરીકેની ઓળખ આપી રૂ.૧,૦૦,૦૦૦નું ઉઘરાણું કરી ભાગી ગયો હતો.

રાજકોટ ઉપરાંત  અમદાવાદ, વડોદરા, સુરત, ગોંડલ, જુનાગઢ તથા વેરાવળ ખાતે પણ આ રીતે ચીટીંગ કર્યાનું કબુલ્યું છે.

ગુનો કરવાની એમ.ઓ. (રીત)

ઝડપાયેલો કિશોર અગાઉ  જીઇબીના શાહ સાહેબના નામે જે તે ઘરમાં જઇ મીટર બદલવા સહિતની બાબતોમાં ચીટીંગ કરતો હતો. જ્યાં ચીટીંગ કરવા જતો ત્યાં પોતાના વાહનમાં ખોટી નંબર પ્લેટ લગાડીને જતો હતો. કામ પત્યા બાદ આ નંબર પ્લેટ બદલી નાંખતો હતો. તે પોતાની સાથે થેલામાં નંબર પ્લેટો તથા પાના-પક્કડ પણ સાથે જ રાખતો હતો. તેની ખાસીયત હતી કે જે મકાનમાં મહિલાઓ, વૃધ્ધાઓ કે મોટી ઉમરના લોકો હાજર હોય ત્યાં જ ઠગાઇ કરતો હતો.  મકાનના વેરા તથા આકારણી, પ્લાન પાસ બાબતે વાત કરી જે તે ભોગ બનનારના ફોનમાથીજ ઘરના મોભી કે જે બહાર હોય તેની સાથે પોતે વાત કરતો અને એવો દેખાવ ઉભો કરતો કે ઘરના મોભીએ ઘરમાંથી પૈસા આપી દેવા કહ્યું છે.

આથી જે તે મહિલા સભ્ય કે વૃધ્ધો ખરેખર પોતાના જવાબદાર વ્યકિતએ પૈસા આપવાનું કહ્યું જ છે તેમ સમજી ઘરમાંથી પૈસા આપી દેતાં હતાં. જ્યારે મોભી સાંજે ઘરે આવે ત્યારે ખબર પડતી કે ગઠીયો કળા કરી ગયો છે.

આ શખ્સ અગાઉ ભાવનગર ખાતે ચીટીંગના ગુન્હાઓમા પકડાયેલ હતો ત્યારે પોતાનું નામ કશોર રમેશભાઇ મકવાણા જણાવ્યું હતું. પણ તેની અટક રાઠોડ છે. 

કિશોરે જણાવ્યું હતું કે પોતે અગાઉ ભાવનગર અલંગમાં ભંગારનો ધંધો કરતો હતો. તેમાં મોટી ખોટ જતાં મોટી રકમ વ્યાજે લીધી હતી. આ વ્યાજ ચુકવવા માટે પોતે ચીટીંગના રવાડે ચડ્યો હતો. પોલીસ આ બાબતે ખરાઇ કરી રહી છે.

૧૯-૯૩-૯૪માં ભાવનગર-સુરતમાં જીઇબીના અધિકારીના નામે ઠગાઇ કરી હતી.જેલમાં પણ રહ્યો હતો અને ૨૦૦૧માં પાસામાં પણ ગયો હતો.

પો. ઇન્સ. એચ.એમ.ગઢવી, પો.સબ ઇન્સ. મહાવીરસિંહ બી. જાડેજા, પો. સબ ઇન્સ. ડી.પી.ઉનડકટ, પો. સબ ઇન્સ. બી.ટી.ગોહીલ, પો. સબ ઇન્સ. એચ.બી.ત્રીવેદી એ.એસ.આઇ. જયદીપસિંહ રાણા, ભરતભાઇ વાઘેલા, પો. હેડ કોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા, ફીરોજભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ વનાણી પો. કોન્સ. કુલદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, યોગીરાજસિંહ જાડેજા, અમીતભાઇ ટુંડીયા, સોકતખાન ખોરમ, યુવરાજસિંહ ઝાલા, જીજ્ઞેશભાઇ મારૂ, સંજયભાઇ કુમારખાણીયા સહિતે આ કામગીરી કરી હતી.

(3:31 pm IST)