Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

એક તો ચાલુ વાહને વાત કરી, માથે જતાં પોલીસ સામે સીન કર્યાઃ યુવાનની ધરપકડ

નાણાવટી ચોકમાં ટ્રાફિક પોલીસ સાથે ડખ્ખો કરતાં યુગ ગાધેર સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાયદાનું ભાન કરાવાયું

રાજકોટ તા. ૧૬: નાણાવટી ચોકમાં બાઇક ચાલકે ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કરતાં ગુનો નોંધી ધરપકડ કરી કાયદાનું ભાન કરાવાયું હતું. ચાલુ વાહને મોબાઇલમાં વાત કરતો હોઇ પોલીસે અટકાવતાં તે એલફેલ બોલવા માંડ્યો હતો.

આ બનાવ અંગે ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ અશ્વિનભાઇ ભીખુભાઇ ભીસરીયા (કાઠી) (ઉ.૩૮-રહે. હેડ કવાર્ટર ચાર માળીયા કવાર્ટર)ની ફરિયાદ પરથી જામનગર રોડ વ્હોરા સોસાયટીની બાજુમાં પરાસર પાર્ક એ-૨માં 'યુગ' ખાતે રહેતાં યુગ શાંતિલાલ ગાધેર (ઉ.૨૦) નામના કુંભાર શખ્સ સામે ગાંધીગ્રામ પોલીસે આઇપીસી૧૮૬ મુજબ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

કોન્સ. અશ્વિનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મંગળવારે સાંજે પાંચથી આઠ સુધી તેની નોકરી નાણાવટી ચોકમાં હોઇ તે તથા લોકરક્ષક આશિષ બટુકભાઇ રાઠોડ સાંજે પોણા સાતેક વાગ્યે ફરજ પર હતાં ત્યારે રામાપીર ચોકડી તરફથી નાણાવટી ચોક તરફ એક શખ્સ યામાહા આર વન ફાઇવ બાઇકમાં ચાલુ મોબાઇલ સાથે પસાર થતાં તેને અટકાવતાં તે ઉધ્ધતાઇ ભર્યુ વર્તન કરવા માંડ્યો હતો. આ કારણે લોકોનુ ટોળુ ભેગુ થઇ જતાં નજીકના ગાંધીગ્રામ પોલીસ મથકમાં જાણ કરતાં પીસીઆર આવી હતી અને એ શખ્સને સાથે લઇ ગઇ હતી.

પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ પી.એન. પરમારે ગુનો નોંધી યુગની ધરપકડ કરી હતી. આ શખ્સ પ્રાઇવેટ નોકરી કરે છે. પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. (૧૪.૭)

(2:37 pm IST)