Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

શ્યામ રાજાણીનો ત્રીજા ગુનામાં કબ્જો મેળવી રિમાન્ડની માંગણી

બોગસ ડીગ્રીઓ કેવી રીતે બનાવી? તે મામલે ઉંડી તપાસ

રાજકોટ તા. ૧૬: કુવાડવા રોડ પરની લાઇફ કેર હોસ્પિટલના સંચાલક શ્યામ રાજાણીએ એમબીબીએસ અને એમડીની બોગસ ડીગ્રી બનાવી હોસ્પિટલમાં પ્રેકટીસ કરી હોવાનું સ્પષ્ટ થતાં કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ચુનારાની ફરિયાદ પરથી શ્યામ સામે પરમ દિવસે ત્રીજો ગુનો દાખલ કરાયો હતો. આ ગુનામાં તેનો જેલમાંથી કબ્જો મેળવી વિશેષ પુછતાછ શરૂ કરવામાં આવી છે.

અગાઉ કર્મચારી મયુર મોરીનું અપહરણ કરી ગોંધી રાખી મારવાનો અને બાદમાં સરકારી દવા ચોરવાનો ગુનો નોંધાયો હતો. એ બંને ગુનામાં કાર્યવાહી બાદ ત્રીજો ગુનો મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય શાખાના મેડિકલ ઓફિસર, ઇન્ચાર્જ નાયબ આરોગ્ય અધિકારી ડો. મનિષભાઇ બાબુલાલ ચુનારા (ઉ.૪૪-રહે. મારૂતિનગર પેડક રોડ)ની ફરિયાદ પરથી દાખલ કરાયો છે. આ મામલે શ્યામ રાજાણી અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૧૯, ૪૨૦, ૪૬૫,૪૬૮, ૪૭૧, ૪૭૩, ગુજરાત મેડિકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ની કલમ ૩૦ મુજબ એમબીબીએસનું ખોટુ ડીગ્રી સર્ટીફિકેટ તથા ખોટા રબ્બર સ્ટેમ્પ બનાવી કે બનાવડાવી ડોકટરની ડીગ્રી ન હોવા છતાં લાઇફ કેર હોસ્પિટલમાં તબિબી પ્રેકટીસ કરી ગુનો આચર્યાનું નોંધાયું છે. એમડીની ડીગ્રી પણ બોગસ હોવાનું ખુલ્યું હોઇ આ ડીગ્રીઓ કેવી રીતે અને કયારે બનાવી તેની પુછતાછ થઇ રહી છે. આ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે. પી.આઇ. ચંદ્રવાડીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા અને ટીમ વિશેષ તપાસ કરે છે. (૧૪.૧૦)

(2:36 pm IST)