Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

બાળકનું ગર્ભમાં મોત થયા બાદ મહિલા પ્રોફેસર વર્ષાબેન મહેતાનું પણ મોત

ભકિતનગર સોસાયટીના વણિક પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૬: ભકિતનગર સોસાયટી શેરી નં. ૧-બીમાં 'અંબા જ્યોત' ખાતે  રહેતાં અને આત્મીય કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતાં રક્ષાબેન નૈમિષભાઇ મહેતા (ઉ.૩૩) નામના વણિક મહિલાના ગર્ભમાં બાળકનું મોત થતાં મૃત બાળકને તબિબોએ બહાર કાઢ્યા પછી રક્ષાબેનની પણ તબિયત બગડતાં તેમનું પણ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ રક્ષાબેનના પેટના પાંચ માસનો ગર્ભ હોઇ ૧૫મીએ સવારે પેટમાં દુઃખાવો ઉપડતાં તેમને પ્રથમ દેવપરાની નેનો હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તપાસ થતાં બાળકનું ગર્ભમાં મૃત્યુ થયાનું જણાતાં ઇન્જેકશન આપી મૃત બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. એ પછી રક્ષાબેનને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતાં વધુ સારવાર માટે ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. ડો. રમેશ ગજેરાએ જાણ કરતાં ભકિતનગરના સુરેશભાઇ મકવાણા અને દિગ્વીજયભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર રક્ષાબેનના પતિ એલઆઇસીમાં ફરજ બજાવે છે. રક્ષાબેન પોતે પ્રોફેસર હતાં. આઠ વર્ષ પહેલા લગ્ન થયા હતાં. આ બનાવથી વણિક પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૬)

(2:36 pm IST)