Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સાંજે લાદીનું માપ લેવા જવા નીકળેલા એમ.પી.ના યુવાન બિસુની ભગીરથ સોસાયટીમાંથી ટકો કરાયેલી લાશ મળી

નાનો ભાઇ છોટુ કહે છે- અજાણ્યો શખ્સ બોલાવી ગયો'તોઃ કોઇ વ્યસન નહોતું છતાં ખિસ્સામાંથી દારૂની કોથળી, બીડી મળ્યા! : કપડા પણ બદલાઇ ગયાનો આક્ષેપઃ સાગર નગરના બિસુને કોઇએ ઢાળી દીધો કે અન્ય કોઇ રીતે મોત?: રહસ્ય ઉકેલવા મથામણઃ પાંચ વર્ષથી રાજકોટ રહે છેઃ દિવાળી પર વતન ગયા બાદ ગત ૪ તારીખે જ વતનથી નાના ભાઇને સાથે લઇ પાછો આવ્યો'તો : બિસુ સાંજે નીકળ્યો ત્યારે તસ્વીરમાં દેખાય છે તેવા વાળ હતાં :સાંજે ઘરેથી નીકળ્યા બાદ જેની ટકો કરાયેલી લાશ : મળી તે એમ.પી.ના બિસુનો મૃતદેહ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૬: માર્કેટ યાર્ડ પાછળ સાગર નગરમાં રહેતાં અને લાદી કામ કરી ગુજરાન ચલાવતો બિસુ પ્રહલાદભાઇ કુશવાહા (ઉ.૧૯) નામનો યુવાન ગત સાંજે સાડા આઠેક વાગ્યે નાના ભાઇ છોટુને  'હું હમણા લાદીનું માપ લઇને આવું છું' તેમ કહી અજાણ્યા શખ્સ સાથે ગયા બાદ પાછો જ ન આવતાં અને આજે સવારે ભગીરથ સોસાયટીમાંથી તેની ટકો કરાયેલી અને કપડા બદલી નંખાયેલી લાશ મળી આવતાં ચકચાર જાગી છે. ચોંકાવનારી વાત એ છે કે મૃતકને કોઇપણ જાતનું વ્યસન પણ નહોતું, છતાં તેના ખિસ્સામાંથી દારૂની બે કોથળી અને બીડી મળી આવ્યા હતાં. બિરસુના શરીર પર દેખીતી ઇજાના કોઇ નિશાન નથી. તેનું મોત કઇ રીતે થયું? તે રહસ્ય ઉકેલવા પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ ભગીરથ સોસાયટીમાં-૧૦ના ખુણે અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ ૧૦૮ના ઇએમટી ધીરૂભાઇએ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ કયાબેન આર. ચોટલીયા અને રાઇટર હંસરાજભાઇ ઝાપડીયાએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવાને કબુતરી કલરનું પેન્ટ અને સફેદ કલરનો શર્ટ પહેરેલા છે. માથામાં ટકો કરેલો છે. હાથની કલાઇ પર અંગ્રેજીમાં બીસુ ત્રોફાવેલું છે.

આ અજાણ્યો યુવાન કોણ? તેની ઓળખ મેળવવા પોલીસ તપાસ કરી રહી હતી ત્યાં સાગર નગરનો છોટુ પ્રહલાદભાઇ કુશવાહા અને તેના વતન એમ.પી.ના બીજા મજૂરો બપોરે હોસ્પિટલે પહોંચ્યા હતાં. છોટુએ મૃત્યુ પામનાર યુવાન પોતાનો મોટો ભાઇ બિસુ કુશવાહા (ઉ.૧૯) હોવાનું ઓળખી બતાવ્યું હતું.

જો કે બિસુએ કહ્યું હતું કે મોટો ભાઇ અને પોતે લાદી કામ કરે છે. પાંચ વર્ષથી તે રાજકોટ રહે છે. દિવાળી પર વતન આવ્યો હતો અને ગત ૪/૧ના પોતે અને ભાઇ બિસુ ફરીથી રાજકોટ આવ્યા હતાં. સાંજે પોતે શાક રોટી બનાવી રહ્યો હતો ત્યારે એક શખ્સ રૂમ પર આવતાં મોટો ભાઇ બિસુ લાદીનું માપ લઇને હમણા આવું છું તેમ કહીને ગયા બાદ રાત્રે સાડા દસ સુધી ન આવતાં તે રાતપાળીમાં લાદી કામ કરવા રોકાઇ ગયાનું સમજી પોતે સુઇ ગયો હતો. સવારે કામની સાઇટ પર બિસુ આવી જશે તેમ સમજી પોતે સાઇટ પર ગયો હતો. પરંતુ ત્યાં પણ બિસુ જોવા ન મળતાં બીજા મજૂરોને વાત કરતાં શોધખોળ શરૂ કરી હતી. ભગવતીપરામાંથી સવારે એક લાશ મળ્યાની ખબર પડતાં પોતે સિવિલ હોસ્પિટલે આવતાં લાશ મોટા ભાઇ બિસુની જ હોવાની ખબર પડી હતી.

જો કે છોટુએ કહ્યું હતું કે બિસુને માથામાં વાળ હતાં અને મુછ પણ રાખતો હતો. કોઇએ તેનું મુંડન કરી નાંખી તેમજ કપડા બદલી નાંખ્યાનું જણાય છે. તે ઘરેથી નીકળ્યો ત્યારે લોઅર અને ટી-શર્ટ પહેર્યા હતાં. તેની બદલે મેલાઘેલા બીજા કપડા પહેરાવી દેવાયા છે. તેણે લીલા રંગની નવી ચડ્ડી પહેરી હતી તે જેમની તેમ છે.

શરીર પર દેખીતી ઇજાના નિશાન નથી. મૃતકને કોઇ વ્યસન નહોતું છતાં તેના પેન્ટના ખિસ્સામાંથી દારૂની કોથળીઓ અને બીડી મળ્યા છે. કોઇએ હત્યા કરી આ વસ્તુઓ મુકી દીધી કે શું? ટકો કોણે શા માટે કરી નાંખ્યો? આ સવાલોએ રહસ્ય સર્જ્યુ છે. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(4:12 pm IST)