Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કારોબારીએ ઘડેલા બજેટમાં ફેરફારની 'જગ્યા'નથી ! સામાન્ય સભામાં યથાવત રજુ થશે

જિલ્લા પંચાયતમાં કાર્યકાળના અંતિમ દિવસે સામાન્ય સભા મળવાનો પ્રથમ પ્રસંગ : આવતા સોમવારથી પદાધિકારીઓ ભૂતપૂર્વ અને ડી.ડી.ઓ.ના હાથમાં સતા અભૂતપૂર્વ

રાજકોટ તા. ૧પઃ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ ગઇકાલે મંજુર કરેલ સુધારેલ બજેટ અને નવા નાાકીય વર્ષના બજેટને તા. ર૧મીએ સામાન્ય સભા સમક્ષ રજુ કરવામાં આવશે. તા. ર૧મીએ બપોરે ૧ર વાગ્યે પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયાની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજવા માટે એજન્ડા બહાર પડી ગયો છે. કારોબારીએ ઘડેલા બજેટને યથાવત અથવા નહિવત ફેરફાર સાથે સામાન્ય સભા બહાલી આપશે.

કારોબારીએ આંકડાકીય કસરત કરીને બજેટ તૈયાર કર્યું છે. પંચાયતની આર્થિક પરિસ્થિતિ જોતા બજેટમાં કોઇ નોંધપાત્ર ફેરફારને અવકાશ નથી. સામાન્ય સભાના દિવસે જ ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થઇ રહી છે તેથી સભ્યોનો ઉત્સાહ પણ મર્યાદિત થઇ ગયો છે. સભ્યોએ વધારાની ૩ લાખની ગ્રાન્ટના ઉપયોગ માટે તે જ દિવસે કામો સૂચવી દેવાના રહેશે. સામાન્ય સભાના એજન્ડામાં અન્ય કોઇ વિશીષ્ટ બાબત નથી ચૂંટાયેલી પાંખના કાર્યકાળના અંતિમ દિવસે જ સામાન્ય સભા મળતી હોય તેવું પ્રથમ વખત બની રહ્યું છે. પંચાયત ચૂંટણી નજીક હોવા છતાં બજેટને ફુલ ગુલાબી બનાવવામાં પદાધિકારીઓના હાથ બંધાયેલા છે.

(3:46 pm IST)