Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

રાજય સરકાર ર૦૦થી વધુ નાયબ મામલતદારને ટૂંકમાં બઢતી આપશેઃ રાજકોટ કલેકટર ૮ના સી.આર. રીપોર્ટ મોકલશે : ધમધમાટ

તાલુકા-જીલ્લા પંચાયત-નગરપાલિકા ચૂંટણી પહેલા જગ્યા ભરવા કવાયતઃ ખાત્રી રીપોર્ટ માટે ર૪મી સુધીની ઝોનલ : રાજકોટના ૮માં પરસાણીયા-લાવડીયા-હાંસલીયાનો સમાવેશઃ અન્ય ૪માં ત્રણ રીટાયર્ડ તો ૧ અવસાન પામ્યા છે : રાજયભરમાંથી કુલ ૩રપ નામો મંગાવાયા

રાજકોટ તા. ૧પ :.. આગામી બેથી રાા મહીનામાં જીલ્લા - તાલુકા પંચાયત - કોર્પોરેશન - નગરપાલીકાની ચૂંટણી આવી રહી છે, તેમાં આર.સી. અને એ.આર.ઓ. ની ખાલી પડેલી જગ્યા પૂરવા રાજય સરકારે અંદાજે ૧પ૦ થી ર૦૦ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપવા અંગે કવાયત હાથ ધરી છે, આ સંદર્ભ રાજકોટ કલેકટર સહિત રાજયભરના કલેકટરો પાસેથી કુલ ૩રપ નાયબ મામલતદારોના સી. આર. રીપોર્ટ મંગાવાયા છે, જેમાંથી અનેક રીટાયર્ડ થઇ ગયાનો અમૂક ગુજરી ગયા હોય અંદાજે ર૦૦ જેટલા નાયબ મામલતદારોને ર મહિનામાં પ્રમોશન અપાય તેવી શકયતા કલેકટર કચેરીના વર્તુળોએ દાખવી હતી.

આમ તો પ્રમોશન પ્રોસીઝર બહુ લાંબી છે, ખાતાકીય પસંદગી સમિતિની ખાસ બેઠક મળે, તેમાં સી. આર. રીપોર્ટની ચકાસણી થાય, તેમાં ઓકે થયા બાદ પ્રમોશન માટે જે પસંદ કરાયા હોય, તેમનું લીસ્ટ જીપીએસસીમાં જાય અને ત્યાંથી ઓકે થયા બાદ બઢતી જાહેર કરાય, આ પ્રોસીજરને ૪ થી પ મહિના લાગી જાય, પરંતુ હાલ ફેબ્રુઆરી અંત પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરવાની હોય, બઢતી વહેલી અપાય તેવી શકયતા છે.

રાજકોટ જીલ્લા કલેકટર પાસે નામો મંગવ્યા અને જેમને પ્રમોશન આવી શકે તેમ છે, અને જેમના સી.આર.રીપોર્ટ તા. ર૪ પહેલા મોકલવાના છે, તેમાં નાયબ મામલતદારોમાં ગોંડલના મકવાણા, જસદણના ધાનાણી, રાજકોટ પુરવઠા ઝોનલના હાંસલીયા, લોધીકામાં ફરજ બજાવતા રાણા લાવડીયા, રાજકોટ પુરવઠા કચેરીના હસમુખ પરસાણીયા, પશ્ચિમ મામલતદાર કચેરીના શ્રી પંડયા, કોટડાના ચોવટીયા, દક્ષિણ મામલતદાર કચેરીના રામાણીનો સમાવેશ થાય છે.

રાજકોટના અન્ય ૪ નાયબ મામલતદારો છે, પરંતુ તેમાં બી. એમ. રાઠોડ, એમ. જે. મકવાણા, નીખીલ રીંડાણી રીટાયર્ડ પામી ચૂકયા છે, જયારે એચ. એ. પરમાર - અવસાન પામ્યા છે.

જેમના સી. આર. રીપોર્ટ મોકલવામાં આવનાર છે. તે તમામ ૮ નાયબ મામલતદારો ૮ર થી ૮૬ ની બેચના છે. સી.આર. રીપોર્ટમાં ખાતાકીય તપાસ છે કે કેમ, કઇ જગ્યાએ કયા પ્રકારની અને કેવી રીતે ફરજ બજાવી, કરાયેલ શ્રેષ્ઠ કામગીરી વિગેરે બાબતો નોંધનીય બને છે, કલેકટર આ તમામ બાબતો સાથે પોતાનો રીપોર્ટ તા. ર૪ સુધીમાં મોકલી આપશે તેમ સુત્રોએ ઉમેર્યુ હતું.

(3:35 pm IST)