Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

આત્મહત્યાના કેસમાં બે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકતી રાજકોટની એડીશનલ સેસન્સ કોર્ટ

રાજકોટ, તા.૧પ : ફરીયાદી ભાવનાબેન માણસુરભાઇ ડાંગરે કરેલ આત્મહત્યાના કેસમાં સંડોવાયેલા આરોપીઓને રાજકોટના ૧૬માં એડીશ્નલ સેસન્સ જજ ભરતભાઇ જાદવે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે ફરીયાદી ગુજરનાર ભાવનાબેન માણસુરભાઇ ડાંગરે આરોપી નંબર-૧ નઝમાબેન સલીમભાઇ પાસેથી રૂ. ૩૦,૦૦૦ તથા આરોપી નંબર-ર નીતાબેન ચંદુભાઇ મિયાત્રા પાસે રૂ. ૧પ૦૦૦ વ્યાજે લીધેલા ત્યારબાદ બંને આરોપીઓએ તા.૧૪-૧ર-ર૦૧ર ના રોજ ફરીયાદી પાસેથી પૈસાની માંગણી કરેલ અને નહીં આપો તો ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આવી ધમકીને કારણે ફરીયાદીને લાગી આવતા તા.૧૪-૧ર-ર૦૧રના રોજ ફરીયાદીએ ભગવતીપરામાં તેમના ઘરે જાતે કેરોસીન છાંટી સળગી જતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ જયાં તા. ર૦-૧ર-ર૦૧રના રોજ ભાવનાબેન મરણ પામેલ. હોસ્પિટલમાં ડો. રૂબરૂ નિવેદનમાં ભાવનાબેને પોતે ચા બનાવતા પ્રાઇમસમાં ભડકો થતા દાઝી ગયાનું જણાવેલ હતું.

ત્યારબાદ જાણવાજોગ એન્ટ્રી કરી બી-ડીવીઝન પોલીસે ફરીયાદીનું એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ ડી.ડી. લેવણાવેલ અને પોલીસે ધોરણસર તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટરજુ કરેલ.

સદરહું કેસ એડીશનલ સેસન્સ જજની કોર્ટમાં ચાલતા આરોપી નઝમાબેનના એડવોકેટ રજનીબા રાણાની તથા આરોપી નીતાબેનના એડવોકેટ રાકેશભાઇ દોશીની વિસ્તૃત દલીલોને ધ્યાનમાં લઇ ૧૬મા એડીશનલ સેસન્સ જજ તેમના ૮૩ પાનાના ચુકાદામાં જણાવલ કે બંને પક્ષોની રજુઆતોને જોતા ગુજરનાર ફરીયાદી ભાવનાબેને એકઝીકયુટીવ મેજી. રૂબરૂના તથા ત.ક. અધિકારી સમક્ષના નિવેદનમાં તથા ફરીયાદમાં કરેલ અંગુઠાના નિશાનો શંકાસ્પદ હોવાનું માનેલ છે. ગુજરનાર ભાવનાબેન ડો. પાસે બનાવ અંગે જણાવેલ હીસ્ટ્રીને ડી.ડી. તરીકે ગણીને વધુ વિશ્વસનીય માનેલ છે. અન્ય સાહેદોના પુરાવા પણ ભરોસાપાત્ર વિશ્વસનીય કે માનવા લાયક ન હોવાનું ઠરાવી તેમજ ગુજરનારે આરોપીઓ પાસેથી ઉછીની રકમ લીધેલ હોવાનું નિઃશંકપણે સાબિત કરવામાં ફરીયાદ પક્ષ નિષ્ફળ ગયેલ હોય બચાવપક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને આઇ.પી.સી. કલમ ૩૦૬, પ૦૬(ર) ૧૧૪ તથા ગુજરાત મની લેડર્સ એકટ ર૦૧૧ની કલમ ૩૩ અને ૩૪ મુજબના ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી નં.૧ નઝમાબેન સલીમભાઇ વતી સીનિયર ધારાશાસ્ત્રી રજનીબા રાણા, એડ. મીતલબેન સોલંકી તેમજ આરોપી નં. ર નીતાબેન ચંદુભાઇ મિયાત્રા વતી ઝેડ રાકેશભાઇ દોશી તથા ગૌતમભાઇ ગાંધી રોકાયા હતાં.

(2:58 pm IST)