Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ચાલુ વર્ષે બોર્ડની મુદ્દત પૂર્ણ થઇ ત્યાં સુધીમાં...

૭૧માંથી માત્ર ૧૩ કોર્પોરેટરો જ પૂરેપૂરી ૧૫ લાખની ગ્રાન્ટ વાપરી શકયા

બાકીના કોર્પોરેટરોએ ૧૨ થી ૧૪,૯૯,૦૦૦ આસપાસની ગ્રાન્ટ વાપરી : મોટા ભાગના કોર્પોરેટરોની ૨૫ થી ૧ સુધીની ગ્રાન્ટ બિનઉપયોગી પડી રહી

રાજકોટ તા. ૧૫ : મ.ન.પા.માં ૨૦૨૦નું વર્ષ દરેક કોર્પોરેટરો માટે મહત્વનું હતું કેમકે આ વર્ષે તેઓની કોર્પોરેટર તરીકેની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થતી હોઇ તેઓને મળતી વાર્ષિક ૧૫ લાખની ગ્રાન્ટમાંથી મતદારો માટે વધુને વધુ રોડ-રસ્તા, પાણી, બાંધકામ સહિતના અનેક વિકાસકામો કરી ફરી ચૂંટાવા માટે પ્રયાસો કરવાના હતા. આથી લગભગ તમામ ૭૧ કોર્પોરેટરોએ પૂરેપૂરી ૧૫ લાખની ગ્રાન્ટનો ઉપયોગ કરવા અનહદ પ્રયાસો કર્યા હતા.

જો કે આમ છતાં ૭૧માંથી માત્ર ૧૩ કોર્પોરેટરો જ પૂરેપૂરા ૧૫ લાખનો ઉપયોગ કરી શકયા છે. જ્યારે બાકીના કોર્પોરેટરોની રૂ. ૨૫થી લઇ ૧ લાખ સુધીની ગ્રાન્ટ બિનઉપયોગી પડી રહી છે. કયાં કોર્પોરેટરની કેટલી ગ્રાન્ટ વપરાઇ છે અને કેટલી બિનઉપયોગી પડી રહી તે અંગે સત્તાવાર પ્રાપ્ત આંકડાકીય વિગતો આ મુજબ છે.

વોર્ડના વિકાસ કામો ન અટકે તે માટે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં સ્ટેન્ડીંગ કમિટી દ્વારા નગરસેવકોને અપાતી વાર્ષિક રૂપિયા ૧૦ લાખની ગ્રાન્ટ વધારીને રૂ ૧૫ લાખ કરવામાં આવી હતી. મહાપાલિકાના કુલ ૧૩ કોર્પોરેટર એવા છે જે પૂરેપૂરી ૧૫ લાખની ગ્રાન્ટ વાપરી શકાય છે. જેમાં અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા,બાબુભાઇ આહીર, વિજયાબેન વાછાણી,રૂપાબેન શીલુ, કમલેશભાઈ મીરાણી, પુષ્કરભાઈ પટેલ, અશ્વિનભાઈ ભોરણીયા, પારૂલબેન ડેર, ઉર્વશીબેન પટેલ, સજુબેન કડોતરા, દલસુખભાઈ જાગાણી અને નિર્મળભાઈ મારું સમાવેશ થાય છે. બીજી તરફ અનેક નગરસેવકો એવા છે. જેઓની ગ્રાન્ટ માત્ર બે અંકોમાં જ લેપ્સ જાય છે. જયારે ૨૧ કોર્પોરેટરો પોતાના નગર સેવક તરીકેના અંતિમ વર્ષમાં પણ ગ્રાન્ટ વાપરવામાં નિષ્ફળ રહ્યા છે. જેમાં વોર્ડ નં.૧ના કોર્પોરેટર આશિષભાઈ વાગડિયા, વોર્ડ નં.૬ના કોર્પોરેટર દેવુબેન જાદવ, વોર્ડ નં.૮ના કોર્પોરેટર જાગૃતીબેન ઘાડિયા,રાજુભાઈ અઘેરા અને નીતિનભાઈ ભારદ્વાજ ,વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાલા, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર વસંતબેન માલવી, પરેશભાઈ હરસોડા અને ઘનશ્યામસિંહ જાડેજા વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર ઉર્વશીબા જાડેજા અને વિજય વાંક, વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કિરણબેન સોરઠીયા અને ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, વોર્ડ નં.૧૫ના કોર્પોરેટર ભાનુબેન સોરાણી, માસુબેન હેરભા અને મકબુલ દાઉદની, વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર રસીલાબેન ગરૈયા, સ્નેહાબેન દવે અને હારૂનભાઇ ડાકોર,વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર ગાયત્રીબેન ભટ્ટ અને વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર જેન્તીભાઈ બુટાણીનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર ૧૧ના કોંગી કોર્પોરેટર પરેશભાઈ હરસોડાને કોર્પોરેટર તરીકે મળતી ૧૫ લાખની ગ્રાંટમાંથી મુદત પૂર્ણ થઇ ત્યાં સુધીમાં માત્ર ૩.૮૨ લાખ જ વાપરી શકયા છે.જયારે અનેક કોર્પોરેટર એવા છે જેઓ પોતાની ૧૫ લાખની ગ્રાન્ટમાંથી ૧૪ લાખથી વધુની ગ્રાન્ટ વાપરી ચૂકયા છે.

પદાધિકારીઓ મળતી વિશેષ ગ્રાન્ટ ન વાપરવામાં ઉણા ઉતર્યા !?

મેયરને ૬ લાખ તથા ડે.મેયર, સ્ટે. ચેરમેન તથા વિપક્ષી નેતાને ૪.૫૦ લાખની ગ્રાન્ટનો તમામ ૧૮ વોર્ડમાં ખર્ચ કરી શકે છે

રાજકોટ : મેયરને વાર્ષિક વધારાની છ લાખ રૂપિયા, જયારે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિરોધ પક્ષના નેતાને રૂ ૪.૫૦ લાખની વધારાની ગ્રાન્ટ મળે છે. આ ગ્રાન્ટનો ઉપયોગ તે શહેરના કોઇપણ વોર્ડમાં વિકાસ કામો માટે કરી શકે છે. અંતિમ વર્ષમાં મેયર સહિતના ચારેય પદાધિકારીઓને મળેલી વધારાની ગ્રાન્ટ વાપરવામાં તેઓ ટૂંકા પડ્યા છે. મેયર બીનાબેન આચાર્ય મેયરના હોદાની રુએ તરીકે મળતી વધારાની ૬ લાખની ગ્રાન્ટમાંથી માત્ર ૪.૮૯ લાખ વાપર્યા છે અને ૧.૧૧ લાખની ગ્રાન્ટ લેપ્સ જશે. અશ્વિનભાઈ મોલિયાએ વધારાની રૂ ૪.૫૦ લાખની ગ્રાંટમાંથી ૩.૧૬ લાખ જ ખર્ચ્યા છે અને ૧.૩૪ લાખ હજી વાપર્યા વિનાના પડ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ ૪.૫૦ લાખની ગ્રાંટમાંથી માત્ર ૩.૦૬ લાખની ગ્રાન્ટ જ વાપરી શકયા છે. વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ગ્રાન્ટ વાપરી શકયા નથી. વિપક્ષ નેતા તરીકે તેઓને મળતી રૂ ૪.૫૦ લાખની વધારાની ગ્રાન્ટમાંથી તેઓ માત્ર ૧.૦૭ લાખ જ ખર્ચી શકયા છે. પદાધિકારીઓ પોતાને મળતી ગ્રાન્ટ તમામ ૧૮ વોર્ડ વર્ષમાં ખર્ચ કરવા માટે મુકત હોય છે. અમુક પદાધિકારીઓએ બાકી રહેલ ગ્રાન્ટ ઉપયોગ કરવા બે ત્રણ દિવસ પહેલા જે તે વોર્ડના ઇજનેરને પત્ર પાઠવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

(2:56 pm IST)