Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સુખની ચિંતા કરે તે મા, આત્મહિતની ચિંતા કરે તે ગુરુમાં : પૂ. નમ્રમુનિ મ. સા.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાંનિધ્યે માં સ્વામી પૂજય શ્રી જય-વિજયાજી મહાસતીજીનો તૃતિય પુણ્યસ્મૃતિ અવસર ''માં ની પ્રેરણા'' ઉજવાયો : કવેસ્ટ ફાઉન્ડેશન તરફથી ૨૫ હજાર ગરીબ ભાવિકોને બ્લૈન્કેટ વિતરણ કરાશે

રાજકોટ,તા. ૧પ : દિવ્યલોકી આત્માને અભિવંદના અર્પણ કરવાના ભાવ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે જીવ માત્ર પ્રત્યે હૃદયમાં મૈત્રીભાવ ધરાવનારા માં સ્વામી પૂજય શ્રી જય-વિજયાજી મહાસતીજીનો તૃતિય પુણ્યસ્મૃતિ અવસર એમના ગુણોની સ્મૃતિ સાથે ભકિતભાવે ઉજવવામાં આવ્યો હતો.

પૂજય માં સ્વામીને અમાપ ગુણોના તત્વ સ્વરૂપે અને જીવમાત્રના આત્મ હિતચિંતક તરીકે ઓળખાવીને આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે ગુરૂ તત્વના અવર્ણનીય સામર્થ્યનો પરિચય આપતાં સમજાવ્યું હતું કે, ગુરુ સ્વરૂપ વ્યકિતને યાદ કરવું તે મમત્વભાવ હોય, તે રાગસ્મૃતિ હોય અને જયાં રાગસ્મૃતિ છે ત્યાં પાપ સ્મૃતિ છે. પરંતુ ગુરુના ગુણોની સ્મૃતિ કરવી, એમની પ્રેરણાની સ્મૃતિ કરવી તે પુણ્ય સ્મૃતિ હોય. ગુરૂ કદી કૂવા સમાન ન હોય જેના પર મારાપણાનો માલિકી ભાવ કે અધિકાર ભાવ રાખી શકાય પરંતુ ગુણોની અનેકાનેક લહેર સ્વરૂપ વ્યકિતત્વ એવા ગુરૂ તે સાગર સમાન હોય, જે કોઈ એકના ન હોય પરંતુ સર્વના હોય. ગુરુ એક વ્યકિત ન હોય, ગુરુ એક તત્વ હોય, અને તત્વ વિશ્વવ્યાપી હોય. તત્વ સર્વત્ર હોય અને એવા ગુરુ તત્વ પર અધિકાર કે અહંકાર કરવો તે આપણી અજ્ઞાનતા છે. ગુરુનો અહંકાર કરવાથી આપણે અમૂલ્ય એવા ગુરુ તત્વને પણ સામાન્ય બનાવી દઈએ છીએ. ગુરુત્વ જેટલું વ્યાપક હોય છે એટલું જ સૂક્ષ્મ હોય છે. સૂક્ષ્મતા જ વિશ્વ વ્યાપકતાનું કારણ હોય છે, સ્થૂલતાથી કદી વ્યાપકતા નથી સર્જાતી. સુખની ચિંતા કરે તે મા, આત્મહિતની ચિંતા કરે તે ગુરુમાં.

દેહમાં વ્યાપ્ત થયેલાં ગુરુ તત્વની શકિત અને ઊર્જા મર્યાદિત હોઈ શકે, પરંતુ જયારે તે તત્વ દેહમુકત અવસ્થાને સર્જે છે ત્યારે તે તત્વના શકિત- સામર્થ્ય અમર્યાદ બની જતાં હોય છે. સામાન્ય રીતે મહાપુરુષો બધાંના આત્મારૂપી રત્નને સામાન્ય દેહાકૃતિમાં વીંટીને જગતથી અજાણ રાખતાં હોય છે. આ સાધકપણાની ઉચ્ચતમ દશા હોય છે. પરંતુ જગત કદી આ દશાની અમૂલ્યતાને સમજી નથી શકતું. જગત અમૂલ્યનું પણ મૂલ્યાંકન કરતું રહેતું હોય છે. વાસ્તવિકતામાં અમાપને માપવુ તે આપણી અજ્ઞાનતા હોય છે. આવા મહાપુરુષો વારંવાર દેહમુકત અવસ્થામાં જઇને સામાન્ય ઉર્જાઓનું પ્રગટીકરણ કરતા હોય છે. એવી અસામાન્ય અને અમાપ ઉર્જામાં પ્રવેશ કરવાની ક્ષણ તે આજની પુણ્ય સ્મૃતિનો અવસર છે. જેમ જેમ આવા અમૂલ્ય તત્વના ગુણગ્રામ કરતાં જઈએ એમ એમ આપણી અંદરના અવગુણો દૂર થઈને ગુણલક્ષનો વિકાસ થતો જાય છે. ગુણગ્રામ કદી વ્યકિતના નથી હોતાં, આત્મઅનુભૂતિનાં ગુણગ્રામ હોય છે. એવાં ગુણગ્રામ કરતાં કરતાં આપણે સ્વયંને ગુણોનું ગામ બનાવવાનું છે.

આ અવસરે પૂજય શ્રી મા સ્વામી પ્રત્યે અનન્ય શ્રદ્ઘા અને ભકિત-ભાવ ધરાવતાં કવેસ્ટ ફાઉન્ડેશનના ધર્મ વત્સલા બીનાબેન અજયભાઈ શેઠ દ્વારા સર્જિત મા ની પ્રેરણા મેગેઝિનનું પરમ ગુરૂદેવના પાવન હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. સત્ ની પ્રેરણા આપતાં આ મેગેઝિનના વિમોચન સાથે કવેસ્ટ ફાઉન્ડેશન તરફથી પૂજય શ્રી મા સ્વામીની તૃતિય પુણ્યસ્મૃતિ નિમિત્ત્।ે કડકડતી ઠંડીના વિસ્તારમાં ઠંડીથી ઠુઠવાતા ૨૫,૦૦૦ ગરીબ ભાવિકોને બ્લેન્કેટ વિતરણ કરાશે.

(2:55 pm IST)