Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતીથી

રાજકોટ : ૧૯૪૭ માં જયારે અંગ્રેજોએ ભારતને સ્વતંત્ર તો કર્યુ, પરંતુ સાથે ગૃહ યુધ્ધના બીજ પણ રોપી દીધા હતા. તેમણે ભારતના ૬૦૦ થી વધુ રજવાડાને ભારતમાં ભળી જવુ કે ન ભળી જવુ તેની સ્વતંત્રતા પણ આપી દીધી. હવે મોટાભાગના રજવાડા સ્વેચ્છાએ ભારતમાં જોડાઇ ગયા. પરંતુ કેટલાકે ના ભણી દીધી. ત્યારે ભારતને અખંડ બનાવી રાખવા જેમણે પ્રયાસો કર્યા અને તેમની વાત માનીને ના પાડનારા રજવાડાઓ પણ ભારતને અખંડ બનાવવા સહમત થઇ ગયા. તેવા અખંડ ભારતના શીલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની આજે પૂણ્યતીથી છે.

વલ્લભભાઇ પટેલનો જન્મ ૩૧ ઓકટોબર ૧૮૭૫ માં થયો હતો. તેમના પિતાશ્રી ઝેબરભાઇ પટેલ ગ્રામ કરમસદ (ગુજરાત) ના રહેવાસી હતા. તેમણે પણ ૧૮૫૭ માં ઝાંસીની રાણીના પક્ષમાં યુધ્ધ ખેલ્યુ હતુ. માતાનું નામ લાડોબાઇ હતુ. નાનપણમાં જ સાહસના ગુણ ઉજાગર કરનાર વલ્લભભાઇને એક વખત બગલમાં  ફરફોલો થયો. એ દિવસોમાં ગ્રામીણ ઇલાજમાં લોખંડનો સળીયો ધગાવીને ડામ આપવામાં આવતો. આ સળીયો જયારે ભઠ્ઠીમાં ગરમ થઇ ગયો ત્યારે આવા કુમળા બાળકને કઇ રીતે ધગધગતો સળીયો અડાડવો તેનો વિચાર ઉપચાર કરનાર વ્યકિત કરી રહી હતી. આ સમયે બાળક વલ્લભે જાતે જ સળીયો ઉપાડી લઇ બગલમાં થયેલ ફોડલો ફોડી નાખ્યો હતો. આવી હિમ્મત તેઓ ધરાવતા હતા.

સાધારણ પરિવારમાંથી આવતા વલ્લભભાઇએ વકિલાતના શિક્ષણ દરમિયાન પોતાની બધ્ધિમતા દર્શાવી હતી. જેનાથી તેમની આવક વધી હતી. આ પહેલા તેમના મોટાભાઇ વિઠ્ઠલભાઇ અને બાદમાં વલ્લભભાઇ પોતે ઇંગ્લેન્ડ જઇ બેરીસ્ટરની પરીક્ષા પાસ કરી આવેલા.

૧૯૨૬ માં વલ્લભભાઇનો ભેટો ગાંધીજી સાથે થયેલ. પછી સ્વાધીનતા આંદોલનમાં કુદી પડેલ. બેરીસ્ટરવાળી અંગ્રેજી વેશભૂષા ત્યાગી સ્વદેશીના રંગે રંગાઇ ગયા. બારડોલી આંદોલનનું સફળ સુકાન સંભાળેલ. ત્યારે જ ગાંધીજીએ તેમને સરદારનું બીરૂદ આપેલ.

સ્વતંત્રતા મળ્યા બાદ તેમને ઉપપ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા. તેમણે કેન્દ્રીય સરકારી પદો પર અભારતીયોની નિમણુંકોને અટકાવી દીધી હતી. રેડીયો અને પ્રસારણ મંત્રાલયની કાયાકલપ બદલાવી નાખેલ. એજ રીતે રજવાડાઓના ભારતમાં સ્વેચ્છાએ વિલીનીકરણમાં તેમનું યોગદાન મોટુ રહ્યુ.

ભારતના આવા મહાસપુતે ૧૫ ડીસેમ્બર ૧૯૫૦ ના વિદાય લઇ લીધી હતી. આજે પણ દેશ તેમને યાદ કરે છે.

(2:53 pm IST)