Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

૨૧ જાન્યુઆરીએ રાજકોટ સહિત રાજ્યભરમાં ૫૫ હજાર વીજ કર્મચારીઓની હડતાલ : વીજ બોર્ડને નોટીસ પાઠવાઇ

સાતમા પગાર પંચમાં નક્કી થયેલ મુદ્દાઓની અમલવારી - ૨૦૧૯ના એલાઉન્સનું ચુકવણુ નહી થતા કર્મચારીઓમાં પ્રચંડ રોષ : ૧૫ જાન્યુઆરીની મહેતલ : ૧૬મીએ રાજ્યભરમાં દેખાવો - ૧૭મીએ કાળી પટ્ટીનું એલાન : ૨૧મીએ હડતાલ અને ગાંધીનગરમાં રેલી-ધરણા

રાજકોટ તા. ૧૫ : ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિએ ગુજરાત વીજ બોર્ડના એમડીને આંદોલનની નોટીસ આપી. સાતમા પગાર પંચ પાર્ટ-૨ની અમલવારી માટે નક્કી થયેલ મુદ્દાઓને વીજ બોર્ડ અને ઉર્જા વિભાગ દ્વારા મંજુર કર્યા બાદ રાજ્ય સરકારની મંજૂરીની ઓપચારિકતા બાકી હોય, તે પૂર્ણ કરી જાન્યુઆરી-૨૦૨૧ના પગાર બીલમાં ચૂકવણી કરવા અંગે માંગણી કરાઇ છે.

આ ઉપરાંત સાતમા વેતન પંચના બાકીના મુદ્દાઓની ચર્ચાઓ બાકી હોય, માર્ચ-૨૦૨૧ માસ સુધીમાં ચર્ચા કરી નીકાલ કર્યા બાદ સાતમા વેતન પંચની સંપૂર્ણ અમલવારી માટે કરાર કરવા અંગે રજૂઆતો કરાઇ છે.  આ ઉપરાંત અન્ય પણ મુદ્દાઓ નોટીસમાં જણાવાયા છે, જેનું ૧૫ જાન્યુઆરી સુધીમાં નીકાલ નહિ થાય તો ૧૬ જાન્યુ.થી વીજ ઇજનેરો - કર્મચારીઓ આંદોલનના માર્ગે જઇ રહ્યા છે. અપાયેલ નોટીસ મુજબ ૧૬મી જાન્યુઆરીએ બપોરે ૨ થી ૨II દરમિયાન રાજ્યભરમાં તમામ વીજ કચેરીઓ - પાવર સ્ટેશનો ઉપર કર્મચારીઓ - અધિકારીઓ સૂત્રોચ્ચાર કરશે, ૧૭મી જાન્યુઆરીથી કાળી પટ્ટી ધારણ કરશે અને આમ છતાં નિવેડો નહી આવે તો ૨૧ જાન્યુઆરીએ રાજકોટ સહિત રાજ્યભરમાં ૫૫ હજાર વીજ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જશે અને ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ઉભી કરી રેલી - ધરણા યોજાશે.

ઉપરોકત તમામ કાર્યક્રમો અંગે જીબીઆના શ્રી બી.એમ.શાહ, આર.બી.સાવલીયા સહિતના યુનિયન આગેવાનો માર્ગદર્શન આપી રહ્યા છે, જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:50 pm IST)