Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

બે દસકાથી એક જ કામ-ચોરી અને ગામના પૈસે જલ્સા : કરોડપતિ ચોરઃ આનંદના જીવનમાં આનંદ હી આનંદ

ક્રાઇમ બ્રાંચે દબોચ્યોઃ રામકૃષ્ણનગરની ૯ લાખની ચોરી સહિત ૧૨ ગુનાનો ભદ ઉકેલાયો :સાંજે ૫ વાગ્યે રાજકોટ શહેરમાં પહોંચી જઇ સાગ્રીતને ત્યાં રોકાતો, રાત્રે બંધ મકાનમાં ત્રાટકતોઃ મોટી ચોરી કર્યા પછી શહેર ને ઘર બદલતોઃ હજ્જારોના ખર્ચે રાચરચીલુ, કરીયાણું ખરીદતોઃ કરોડપતિ ચોર આનંદ ઝડપાયો : ક્રાઇમ બ્રાંચે તેના પુત્ર હસમુખને પણ મદદગારીમાં પકડ્યોઃ ૧૫ લાખની મત્તા કબ્જેઃ છેલ્લે રાજકોટમાં ચોરી કરી વલસાડનું ઘર ખાલી કરી સુરત રહેવા પહોંચ્યો'તો : સાંજે ૫ વાગ્યે રાજકોટ શહેરમાં પહોંચી જઇ સાગ્રીતને ત્યાં રોકાતો, રાત્રે બંધ મકાનમાં ત્રાટકતોઃમોટી ચોરી કર્યા પછી શહેર ને ઘર બદલતોઃ હજ્જારોના ખર્ચે રાચરચીલુ, કરીયાણું ખરીદતોઃ મોટી સફળતા મળે તો માતાજીની માનતા ઉતારી જમણવાર કરતોઃ સફેદ કપડા પહેરીને જ ચોરી કરવા નીકળતો : આનંદ પહેલા કલરકામ કરતો, તેમાં મંદી આવતાં ભાવેશ રાધનપુરા સાથે મળી પહેલી ચોરીઓ કરીઃ લાખોનો બંગલો બનાવ્યોઃ ચોરીઓ મુકી બિલ્ડીંગ મટીરીયલ્સનો અઢી વર્ષ ધંધો કર્યોઃ ભાવેશ પકડાતાં નામ ખુલ્યું ને ફરી ચોરીના રવાડે ચડ્યો : એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડાની ટીમને સફળતાઃ કુલદીપસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર અને અમીતભાઇ અગ્રાવતની બાતમી

રાજકોટ તા. ૧૫: શહેરમાં છેલ્લા પાંચ મહિનામાં બંધ મકાનોમાં ત્રાટકી ડઝન ઘરફોડીના ગુના આચરનારા કરોડપતિ ચોર આનંદ ઉર્ફ જયંતિ જેસંગભાઇ સિતાપરા (કોળી) (ઉ.વ.૪૯)ને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. તે સાથે ગયા મહિને રામકૃષ્ણનગર-૧૩માં પટેલ વેપારીના ઘરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરીમાં મદદગારીમાં આનંદ સાથે તેનો પુત્ર અસાુદ (ઉ.૩૦) પણ મદદગારીમાં સામેલ હોઇ તેને પણ દબોચ્યો છે. મુળ જામનગરનો આનંદ બે દસકાથી એક જ કામ કરે છે અને એ છે ચોરી કરવાનું. ગામના પૈસે જલ્સા અને જીવનમાં આનંદ હી આનંદ...એ આ કરોડપતિ ચોરનું સુત્ર છે. હાલ પત્નિ-પુત્ર-પુત્રીઓ સહિતના પરિવારજાનો સાથે સુરત નજીકના પલાસણા રોડ સોપાન સૃષ્ટિ બંગલો નં. ૨૭માં તે રહે છે. રાજકોટની રામકૃષ્ણનગરની ચોરી કરી ત્યારે તે વલસાડ રહેતો હતો. એ પછી આ ઘર ખાલી કરી સુરત જતો રહ્યો હતો અને ત્યાં નવા બનેલા ૭૦ બંગલોમાં એક ભાડે રાખ્યો હતો. ગામના પૈસે જાહોજલાલી ભરેલી જિંદગી જીવતા આનંદના પૈસે આખો પરિવાર જલ્સા કરતો હોવાનું સામે આવ્યું છે.

ક્રાઇમ બ્રાંચના કુલદીપસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર અને અમિતભાઇ અગ્રાવતને મળેલી બાતમી પરથી પીએસઆઇ પી.એમ. ધાખડાની ટીમે આનંદ ઉર્ફ જયંતિ અને તેના પુત્ર હસમુખને દબોચી લીધા છે. રામકૃષ્ણનગરમાં થયેલી નવ લાખની ચોરીનો ભેદ અગાઉ એ-ડિવીઝન પોલીસે ઉકેલી આનંદના સાગ્રીત કોઠારીયા રોડ રિધ્ધી સીધ્ધી સોસાયટી-૪માં રહેતાં પિયુષ વિનુભાઇ અમરેલીયાને પકડી લીધો હતો. જે જેલમાં ગયા બાદ આનંદ અને તેના પુત્રની માહિતી ક્રાઇમ બ્રાંચને મળતાં બંનેને માધાપર ચોકડીએથી બાઇક પર નીકળતાં દબોચી લઇ તેની પાસેથી ૧૦ લાખ ૫૦ હજારના સોના-ચાંદીના દાગીના, ૧,૨૫,૦૦૦ના બે બાઇક અને ૭ હજારની ઘડીયાળો તથા રૂ. ૧,૨૫,૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૧૫,૦૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આનંદે સાગ્રીત પિયુષ સાથે મળી લોકડાઉન પ્રારંભથી-અનલોક કાળમાં એટલે કે નવ મહિનામાં રાજકોટ શહેરમાં જ બાર ઘરફોડીઓ કરી હોવાનું કબુલ્યું છે. જેમાં  માર્ચ મહિનામાં ઇન્દ્રપ્રસ્થ નગર-૧/૧૦માં રાતે એક બંધ બંગલાની ગ્રીલ તોડી ચોરીની કોશિષ કરી હતી. સાયરન વાગતા ભાગી ગયો હતો. જુલાઇમાં ગોંડલ રોડ ધર્મજીવન સોસાયટીમાં મકાનમાં ઘુસી રોકડ-દાગીનાની ચોરી, ઓગષ્ટમાં અંબાજી કડવા પ્લોટમાં મકાનમાંની ચોરી, એ પછી જયરાજપ્લોટ-૧૦/૧૩માં મકાનમાં ચોરીનો પ્રયાસ, એપ્રિલમાં કરણપરા-૩૧માં ચોરીનો કોશિષ, ઓકટોબરમાં પૂજારા પ્લોટમાં મકાનમાંચોરીનો પ્રયાસ, નવેમ્બરમાં મીલપરા-૭માં રોકડ-દાગીનાની ચોરી, પુજારા પલોટમાં ચોરીનો પ્રયાસ, માલવીયાનગર-૧માં બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ, પ્રમહલાદપ્લોટમાં મકાનમાં ચોરીનો પ્રયાસ એમ બાર ગુના આચર્યા હતાં. જેમાં મોટી મતા રામકૃષ્ણનગરના બંગલામાંથી મળી હતી.

આનંદ સાંજે પાંચ વાગ્યે રાજકોટમાં એેન્ટ્રી કરી લેતો અને સાગ્રીત પિયુષના ઘરે પહોંચી જતો હતો. એ પહેલા પિયુષે રેકી કરી રાખી હોઇ ત્યાં રાત્રીના સમયે ત્રાટકતો હતો. પોતે ચોરી કરવા જતો અને સાગ્રીતને બહાર ઉભો રાખતો. મોટે ભાગે સફેદ કપડા જ પહેરતો. રાતે કોઇ પુછે તો મરણના કામે જાય છે અને સગાની રાહ જોવે છે એમ કહી દેતો હતો. સફેદ કપડા હોઇ શંકાના દાયરામાંથી બહાર નીકળી જતો હતો.

તહેવારોના સમયે જ તે બંધ મકાનોમાં કમ્પાઉન્ડ વોલ ઠેંકીને ચોરીઓ કરવાની ટેવ ધરાવે છે. ચોરીમાં મોટી સફળતા મળેતો માતાજીની માનતા રાખતો અને મોટો જમણવાર કરતો હતો. મુળ જામનગરનો આનંદ અગાઉ રાજકોટમાં કોઠારીયા સ્વાતિ પાર્ક પાસે અને એ પછી કુવાડવા રોડ તરફ રહેતો હતો. અગાઉ ચોરીના ૩૨ ગુના આચરી ચુકયો છે અને પાસામાં પણ જઇ આવ્યો છે.

ચોરીની મત્તામાંથી મોંઘીદાટ ઘરવખરીની ચીજવસ્તુઓ, નવા કપડા, હજારોનું કરીયાણુ ખરીદી લેવાની ટેવ ધરાવે છે. રામકૃષ્ણનગરમાં ચોરી કર્યા બાદ રોકડ રકમ ઘરમાં આપી દીધી હતી. ચોરાઉ દાગીના વેંચીને તેના બદલામાં બીલવાળા નવા દાગીના બનાવી લેતો હતો. પછી આ બીલવાળા દાગીના વેંચી બજારભાવ મુજબની કિંમત મેળવી લેતો હતો.

પોલતે ઓળખ છુપાવવા હમેંશા સાગ્રીતના બાઇક પાછળ બેસતો અને સાગ્રીતને હેલ્મેટ પહેરાવતો. છેલ્લે રાજકોટની ચોરી કર્યા બાદ વલસાડથી સુરત પહોંચી ત્યાં બંગલો ભાડે રાખ્યો હતો. આ નવા ઘર માટે ૮૦ હજારનું ફ્રીઝ, ૬૦ હજારના કપડા, નવું ફર્નિચર, ૭૦ હજારનું કરિયાણુ ખરીદ કર્યા હતાં. બંગલાનું એડવાન્સ ભાડુ ૩૦ હજાર ચુકવ્યું હતું. આ ઉપરાંત દિકરા માટે રૂ. ૧૯ લાખવાળી કાર પણ તાજેતરમાં ડાઉનપેમેન્ટ ભરી બૂક કરાવી હતી.

આનંદ સિતાપરાએ અગાઉ ચોરીના ૩૨ ગુના આચર્યા છે તેમાંના ૨૩ ગુના માત્ર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની હદમાં આચરેલા છે. આ ઉપરાંત ભકિતનગરની હદમાં ૦૩ અન એ-ડિવીઝનની હદમાં ૦૩ તથા માલવીયાનગરમાં ૦૧ ગુનો આચર્યો છે. મોજશોખ કરવા માટે જ સમયાંતરે તે મોટી મત્તાની ચોરીઓ કરવા ટેવાયેલો છે. આગળની તપાસ માટે કબ્જો એ-ડિવીઝન પોલીસને સોંપાયો છે. આ ચોરીઓ તેણે છેલ્લા ૧૫ વર્ષમાં કરી છે. સોૈથી પહેલો ગુનો ૨૦૦૬માં એ-ડિવઝિન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. ક્રાઇમ બ્રાંચની પુછતાછમાં આનંદે કહ્યું હતું કે પોતે ૨૭ વર્ષનો હતો ત્યારે રાજકોટ આવી ગયો હતો. એ વખતે કલર કામ કરતો હતો. પરંતુ બાદમાં તેમાં મંદી આવતાં ભાવેશ ફુલચંદ રાધનપુરા સાથે મળી ચોરીઓના રવાડે ચડી ગયો હતો. લાખોની ચોરીઓ કરી એ વખતે કોઠારીયામાં કિંમતી સેન્ટ્રલી એ.સી. બંગલો બનાવ્યો હતો અને અઢી વર્ષ સુધી બિલ્ડીંગ મટીરીયલ્સ સપ્લાયનું કામ કર્યુ હતું. પણ ભાવેશ એક ગુનામાં પકડાતાં આનંદનું નામ ખુલતાં તે પકડાયો હતો અને ફરીથી ચોરીઓના રવાડે ચડી ગયો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી.વી. બસીયાના માર્ગદર્શન અને પીઆઇ વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, નગીનભાઇ ડાંગર, કુલદીપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા અને જયદિસિંહ ઝાલએ આ કામગીરી કરી હતી. ટીમને રૂ. ૧૫ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું.

પોલીસે આ તસ્કરને દબોચવા અલગ-અલગ ટીમો બનાવી હતી. તેમજ જામનગર, રાજકોટ, કુવાડવા, બારડોલી સુધી ટીમો તપાસ માટે ગઇ હતી. આઇવે પ્રોજેકટ અને પોકેટકોપ એપનો ઉપયોગ પણ કરાયો હતો.

(2:51 pm IST)