Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ડોકટરની જમીન પચાવવા પ્રયાસ કરનાર રામસિંગ ચાવડાની ધરપકડ

કેન્સલ થયેલા બોગસ દસ્તાવેજની નકલનો ઉપયોગ કરી ફરી કોૈભાંડ : જમીન વાંધામાં નાંખી આર્થિક લાભ મેળવવાની લાલચ હતીઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૧૫: રૈયા ચોકડી પાસે યોગીનગર-૨ બ્લોક નં. ૬૪-બીમાં રહેતાં અને જમીન-મકાનનું કામ કરતાં રામસીંગ ભાવસિંગભાઇ ચાવડા (ઉ.વ.૪૯)ની યુનિવર્સિટી પોલીસે બાળકોના ડોકટરની જમીન પચાવી પાડવા કારસો ઘડી છેતરપીંડી કરવાના ગુનામાં ધરપકડ કરી છે.

આ અંગે ગઇકાલે જ યુનિવર્સિટી પોલીસે નિર્મલા રોડ સોૈરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતાંં અને ઢેબર રોડ પર અતુલભાઇ રાઠોડના નામે બાળકોના રોગોની સારવારનું કલીનીક ધરાવતાં ડો. અતુલભાઇ ગોવર્ધનદાસ (ગોરધનદાસ) રાઠોડ (ઉ.વ.૬૭)ની ફરિયાદ પરથી રૈયા રોડ યોગીનગર-૨ બ્લોક નં. ૬૪-બી ખાતે રહેતાં રામસીંગ ચાવડા સામે આઇપીસી ૪૦૬, ૪૬૭, ૪૭૧ મુજબ ગુનો નોંધ્યો હતો.

ડો. અતુલભાઇ રાઠોડની માલિકીની કાલાવડ રોડ પર આવેલી અતિ કિંમતી જમીનના અગાઉ ૨૦૦૮માં રામસીંગ ચાવડા અને સુર્યદેવસિંહ પરમારે બોગસ દસ્તાવેજો કુલમુખત્યારનામા ઉભા કરતાં તે વખતે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવાઇ હતી. એ પછી ઘરમેળે સમાધાન થઇ જતાં હાઇકોર્ટના આદેશથી એફઆઇઆર પાછી ખેંચી લેવાઇ હતી. તેમજ જે તે વખતે રદ થયેલા દસ્તાવેજોની નકલ પણ ફરિયાદીને પરત આપી દેવાઇ હતી.

એ પછી હાલમાં રામસીંગ ચાવડાએ અગાઉની રદ થયેલા બોગસ દસ્તાવેજની નકલ પોતાની પાસે પડી હોઇ તેનો ઉપયોગ કરી ફરીથી સીટી સર્વેયર કચેરીમાં હક્ક પત્રકની નોંધ કરાવી જમીન પોતાની હોવાનો દાવો રજૂ કર્યો હતો.

આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી રામસીંગ ચાવડાની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. તેણે કહ્યું હતું કે જમીન બાબતે વાંધો ઉભો કરવામાં આવે તો પોતાને આર્થિક ફાયદો થઇ શકે તેવી લાલચ હતી. પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, બલભદ્રસિંહ ચુડાસમા, રાજેશભાઇ મિયાત્રા,  હરપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા, જયંતિગીરી, મુકેશભાઇ, અજયભાઇ, કૃષ્ણદેવસિંહ, લક્ષમણભાઇ સહિતે વધુ તપાસ હાથ ધરી છે.

(1:01 pm IST)