Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

લોકડાઉનમાં સર્જનાત્મકતાનો ઉભરો

ફાજલ સમય મળતા લોકો કઇકને કઇક સર્જન કરવા માંડયા : નવોદિતોને ઓળખ મળી

કોરોનાના કારણે લોકડાઉન લદાયુ અને ઘણું ઘણું નવું થતું જોવા મળ્યુ. એમાનું એક એટલે સર્જનાત્મકતાનો ઉભરો. નવરાં બેઠાં લોકો કંઇકને કંઇક સર્જન કરવા માંડયા. શું કરવું સમય તો પસાર કરવોને? પણ આ સમય પસાર કરવાના બહાને જે કઇ સર્જન થતુ ગયું તેમાં અઢળક નવું મળ્યંુ પણ ખરૂ!

કોઇ ચિત્રકાર હતા તેમણે નીતનવા ચિત્રો દોરી કાઢયા, કોઇ સુથારી કામ જાણતા હતા તો તેમણે પણ નવરાશના સમયમાં કઇક નવુ જ કાષ્ટકલાનું સર્જન કરી બતાવ્યુ. કોઇએ ડાન્સ કલામાં નવા સ્ટેપ તૈયાર કરી આપ્યા. જે જેનું ક્ષેત્ર હતુ, તેમાં તેમણે અસર બતાવી. કોઇ લેખક હતા તેમણે નવી નવી સ્ક્રીપ્ટસ લખી કાઢી. અરે નહોતા લેખક એવાય ઘણા ઢસડવા માંડયા. જાણેકે સ્વર્ગથી ગંગાજી ઉતર્યા હોય તેમ બધાએ તક ઝડપી લીધી. વળી આવા સર્જનો પ્રકાશિત થવા માટે પણ સ્કોપ મળવા લાગ્યો. છાપા મેગેઝીનો ખાલી ખમ રહેતા હતા. લોકડાઉનના કારણે બનાવો ઘટી ગયા. સમાચારોની દુનિયામાં ઓટ આવી. કામધંધા ઠપ્પ થતા જાહેરાતો મળતી પણ બંધ થઇ. પાના સેટ કરવાની વ્યવસ્થા થોડી ગોટે ચઢી? સામે સર્જકો પણ જાગી ઉઠયાં હતા. નહોતા જાગ્યા તેઓને જગાડી જગાડીને લખતા કરવામાં આવ્યા. મળ્યંુ એવુ છપાવા લાગ્યું. આનો ફાયદો એ પણ થયો કે કેટલાક નવોદિતો તૈયાર થતા સારા સર્જનો-સર્જકો પણ મળ્યાં.

કહેવાનો મતલબ એ કે લોકડાઉનના સમયમાં સર્જનકલાને સારી તક મળી. પત્રકારો પણ જાણે લેખક બની ગયા. સારા સારા આર્ટીકલ્સ તૈયાર થયા અને છપાયા પણ ઘણા. લેખકની વાત જવા દઇએ તો અન્ય લોકોએ પણ સર્જન ક્ષેત્રનો ભરપુર લાભ લઇ લીધો. વિપુલ માત્રામાં સર્જન આ લોકડાઉન દરમિયાન થયુ.

પરંતુ અહીં સાહિત્યનો ઉભરો એવો શબ્દ પ્રયોગ એટલા માટે કર્યો છે કે આમાના કેટલાક સર્જકો તો એવાં હતા કે એમણે કયારેય કઇ લખ્યંુ નહોતુ છતા લખવા માંડયા. આગળ કહ્યું તેમ તેમની લેખન કલાની કદાચ કોઇ કદર પણ ન કરત. પણ સામે માહોલ જ એવો સર્જાયો કે જેણે જેવુ લખ્યંુ એવુ તરત જ વર્તમાનપત્રો સામયિકોમાં સ્વીકારાવા પણ લાગ્યું. વળી એક જમાપાસુ એવુ પણ સર્જાયું કે આ રીતે લખવા કલમ ઉપાડનારાઓમાંથી ઘણાં સારાં સર્જકો પણ આપણને મળ્યાં.

પણ જેમ ઉભરો શાંત થાયને તેમ સાચી પરિસ્થિતીનો ખ્યાલ આવે. હવે ધીરે ધીરે કોરોના અને લોકડાઉન બન્ને શાંત થતા જાય છે. વર્તમાનપત્રો અને સામયિકો મુળ સ્થિતીમાં આવતા જાય છે. એટલે હવે સાચા કલમદાર હશે એજ સામે આવશે. અહીં કોઇને નીચા દેખાડવાનો પ્રયાસ નથી. કદાચ ખોવાઇ જનારા લેખકોની યાદીમાં હું પણ હોઇ શકુ.

પણ વાત એ છે કે લોકડાઉન જાણે કે સર્જકો માટે તકરૂપ પુરવાર થયુ. આવા સર્જનો એટલા સામે આવ્યા કે કંઇ કેટલાયના તો પુસ્તકો તૈયાર થઇ ગયા. સારૂ કહેવાય! એમા કઇ ખોટુ નથી. બધાયને લોકડાઉન મુબારક.

- મિતેષ આહીર મો.૯૭૨૫૦ ૫૫૨૯૯

(10:32 am IST)