Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સરદાર જેવું વ્યકિતત્વ દરેક દેશના ભાગ્યમાં હોતું નથી

આવતીકાલે લોહપુરૂષ સરદાર સાહેબનો નિર્વાણ દિન : વિખેરાયેલા ભારતને જોડવામાં તેઓનું યોગદાન અનન્ય હતું, તેઓના જ્ઞાન, પરખ, દીર્ઘદ્રષ્ટિનો જોટો જડે એમ નથીઃ ચીન મામલે પણ ચેતવ્યા હતાઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટ તા. ૧૪: લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણદીને સરદારસાહેબ ને ભાવાંજલી આપતા ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે હજારો વર્ષોની પરતંત્રતા પછી ભારતની પ્રજાને આઝાદીની મુકત હવાનો શ્વાસ આપનાર મહાન લોકશાહી ની ભેટ આપનાર સરદાર પટેલને દરેક પળે દરેક દિવસે જીવનભર યાદ કરીએ તો પણ ઓછું પડે તેમ છે તેવું અમૂલ્ય તેમનું ભારત ની પ્રજાને પ્રદાન છે.

રાષ્ટ્રાય સ્વાહાઃ ઇદમ ન મમઃ જેવો શ્લોક કે સૂત્ર જેના જીવનમાં સાર્થક અને સાકાર થયેલું જોવા મળ્યું હોય એવું વ્યકિતત્વ એટલે સરદાર વલ્લભભાઇ પટેલ. પોતાની વકીલાતની ખૂબ તેજસ્વી અને સફળ વ્યવસાયિક કારકિર્દી છોડી દેશને આઝાદ કરાવવાની ઝુંબેશમાં એમણે પોતાની જાત જોતરી દીધી. રાષ્ટ્રના ચરણે પોતાનું સમગ્ર જીવન સમર્પણ કરી દીધું પરંતુ એમના જીવનનો સૌથી અગત્યનો હિસ્સોએ છે તે સત્તા મળ્યા પછી પણ એમણે તો દેશ માટે જ જીવવાનું ચાલુ રાખ્યું. સરદાર જેવું વ્યકિતત્વ દરેક દેશના ભાગ્યમાં નથી હોતું. ભારતની આઝાદીમાં અને એ પછી વિખરાયેલા ભારતને જોડવામાં એમનું યોગદાન અનન્ય રહ્યું.જે નેતાઓ આઝાદીની લડાઈ- સંઘર્ષ માં નેતૃત્વમાં સફળ હોય તે આઝાદી મળ્યા બાદ શાસન ચલાવવા ની ક્ષમતા ધરાવતા જોવા મળતા નથી કે શાસકીય નેતૃત્વ ના ગુણો કે આવડત હોતા નથી. સરદાર પટેલ ને બાદ કરતાં આઝાદી મળ્યા પછી તેમના સમકાલીન બીજા કોઈ રાષ્ટ્રીય નેતાઓમાં નૈતિક મૂલ્યો,પ્રબળ પ્રચંડ રાષ્ટ્રભકિત, દીર્ઘદ્રષ્ટિ, સામર્થ્ય, શૌર્ય પરાક્રમ કે મજબૂતાઈ સરદારસાહેબ જેવા જોવા મળ્યા નથી. આજે સરદાર પટેલના નિર્વાણ દિવસે આપણે સૌ એમને શ્રધ્ધાંજલી પાઠવીએ છીએ. વાસ્તવમાં આપણે પણ અખંડ અને એક ભારત માટે પ્રયાસ કરીએ  સરદારને અપાયેલી યોગ્ય અંજલી હશે. તેવું ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું.

સરદાર પટેલના આવતીકાલે નિર્વાણ દિવસે  એમને સ્મરણાંજલી આપતાં રાજુભાઇ ધ્રુવે કહ્યું કે વલ્લભભાઇનું જીવન સદા પ્રેરક રહ્યું. ૧૯૨૦ના દાયકાથી તેઓ ગાંધીજીની સાથે જોડાયા. બોરસદ, ખેડા, બારડોલીના સત્યાગ્રહો થકી એમણે સિંહની જેમ હિંમત અને શૌર્ય પરાક્રમ સાથે સેનાપતિ ની રીતે ખેડુતોને અંગ્રેજો સામે લડવા માટે, અન્યાય સામે લડવા માટે જાગૃત કર્યા. સરદારનું બિરૂદ એમને આ સત્યાગ્રહ દરમિયાન જ મળ્યું. દેશહિતની વાત આવે ત્યારે સદા સમર્પિત સૈનિકની જેમ એ વર્ત્યા. ગાંધીજીની દાંડીકૂચની લડતની સમગ્ર રુપરેખા સરદારે તૈયાર કરી હતી. અને સાતમી માર્ચ ૧૯૩૦ ના રોજ એમની ધરપકડ થઇ હતી. સરદાર પટેલે જીવનભર સંઘર્ષ કર્યો. આઝાદી મળ્યા પહેલા કોંગ્રેસમાં પ્રાંતિક સમિતિઓ દ્વારા લોકતાંત્રિક બહુમતી સાથે પ્રમુખ બની આઝાદી મળ્યા પછી દેશ ના પહેલા વડાપ્રધાન નો સરદાર પટેલ નો નૈતિક અધિકાર હોવા છતાં મહાત્મા ગાંધીજીની પ.જવાહરલાલ નહેરૂ ને વડાપ્રધાન બનાવવા માટે ની ઈચ્છા ને માન આપી હળાહળ અન્યાય સહન કરી ને પણ દેશ ના ચરણે પોતા નું જીવન સમર્પિત કરી દઈ ઇતિહાસ માં અમર થઈ ગયા. દેશ ના નાયબ વડાપ્રધાન બન્યા બાદ  પોતાના સંતાનો તો ઠીક સગાં સંબંધીઓને પણ પોતાની ઉપસ્થિતિમાં પદનો કોઇ લાભ ન મળે એવી એ તકેદારી રાખતા. એમના સુપુત્રી આદરણીય મણિબહેન પણ સાધ્વી જેવું  જીવન જીવી ગયા. સરદારના પડછાયાની જેમ તેઓ રહ્યા.

રાજુભાઇએ ઉમેર્યું કે સરદાર વલ્લભભાઇ પટેલની કુનેહ, તેમના સમયમાં જે આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો હતા એ બાબતે એમનું જ્ઞાન,પરખ, દીર્ઘદ્રષ્ટિ આ બધાનો જોટો જડે એમ નથી. ભારત ચીન સરહદે ચીન ની દગાખોરી અને ભારત વિરોધી વલણ ને કારણે આજે જે સ્થિતિ છે તેના માટે સરદારે ૧૯૫૦ માં પ.જવાહરલાલ નહેરૂને પત્ર પાઠવીને જાણ કરી હતી અને ચીન કઇ હદે જઇ શકે એ જણાવ્યું હતું.પરંતુ પ. નહેરૂ ની ભૂલો અને અવિચારી નીતિઓ ના કારણે દેશે ખૂબ માઠા પરિણામો ભોવવ્યા તેના ઇતિહાસમાં આવા અનેક ઉદાહરણ છે. દેશ આઝાદ થયો ત્યાર પછી સૌથી મોટો પડકાર રજવાડાંઓને એકત્ર કરવાનો હતો. અંગ્રેજો તો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને ગયા હતા. એટલે ભારતને એમણે ધર્મના નામે તો તોડી જ નાંખ્યું હતું. એ બે પછી રજવાડાંનો ત્રીજો પણ ભાગ થાય અને ભારત એક લોકશાહી દેશનો જન્મ સ્થાપના થાય ત્યારે તે છિન્નભિન્ન થાય એવી એમની મેલી મુરાદ હતી પરંતુ સરદારે તમામ વિરોધીઓને પરાસ્ત કરી એકલા હાથે દેશ નિર્માણનું ભગીરથ કાર્ય કરી ગયા હતા.

(8:33 am IST)