Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

પટેલ યુવતિએ પ્રેમી માટે પોતાના જ ઘરમાંથી ૬૪ લાખની ચોરી કરી'તી!

ગિતાંજલી સોસાયટીમાં ૧ ડિસેમ્બરે લેઉવા પટેલ કારખાનેદાર કિશોરભાઇ પરસાણાના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યોઃ તસ્કરોએ મંદિર અંદરની છુપી તિજોરીમાંથી, રામાયણમાં છુપાવેલી ચાવીથી ચોરી કરી હોઇ પહેલેથી જ જાણભેદુની શંકા હતી તે સાચી ઠરીઃ રોકડ-દાગીના મળી ૬૪ લાખનો મુદ્દામાલ કબ્જેઃ પ્રિયંકા પરસાણાએ ગિતગુર્જરીમાં રહેતાં પ્રેમી હેત શાહને પાઇલોટના ભણતર માટે પૈસાની જરૂર હોઇ ઘરમાંથી રોકડ-દાગીના ૨૯મીએ ઉસડી લઇ હેતને આપી દીધાઃ ૩૦મીએ હેત બેંગ્લોર જતો રહ્યોઃ ૧ જાન્યુઆરીએ પ્રિયંકાએ તક જોઇ ઘરમાં ચોરી થયાનું નાટક ઉભુ કર્યુઃ પણ પોલીસને ચકમો આપી શકી નહિ

વેલડનઃ પટેલ કારખાનેદારના ઘરમાં થયેલી ૨૧ લાખની ચોરીનો ભેદ ઉકેલનાર ક્રાઇમ બ્રાંચની ટીમના પીએસઆઇ ડી. પી. ઉનડકટ, મહાવીરસિંહ જાડેજા, કે. કે. જાડેજા, જયદિપસિંહ રાણા, ભરતભાઇ વાઘેલા, ભરતભાઇ વનાણી, ઘનશ્યામસિંહ (ઘનુભા) ચોૈહાણ, હિતેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, સ્નેહ ભાદરકા, મુકેશ સભાડ, મિતાલીબેન ઠાકરની ટીમો તથા માહિતી આપી રહેલા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, એસીપી જે. એચ. સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવી અને કબ્જે થયેલો રૂ. ૬૪ લાખનો ચોરાઉ મુદ્દામાલ તથા પકડાયેલો આરોપી હેત કલ્પેશભાઇ શાહ જોઇ શકાય છે. હેતને તેની પ્રેમિકા કારખાનેદાર કિશોરભાઇની દિકરી પ્રિયંકા પરસાણાએ પોતાના જ ઘરમાંથી આ મત્તા ચોરીને આપી હતી. પ્રિયંકાની પણ પોલીસે આ ગુનામાં ધરપકડ કરી છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૫: શહેરના કોઠારીયા રોડ આનંદનગર કોલોની પાછળ ગીતાંજલી પાર્ક-૨, શેરી નં. ૫માં રહેતાં અને રામનગર-૪માં સ્ટીલ કાસ્ટીંગ ફાઉન્ડ્રી નામે કારખાનુ ધરાવતાં કિશોરભાઇ ગંગદાસભાઇ પરસાણા (પટેલ) (ઉ.૫૫)ના ઘરમાં તા.૧-૧૨-૧૮ના શનિવાર બપોરે એકથી સાંજના સાડા છ સુધીમાં ધોળે દિવસે   ૧૩૪ તોલા સોનાના દાગીના, ૧ કિલો ચાંદીના ઘરેણા અને ૪૦ હજાર રોકડા મળી કુલ રૂ. ૨૧,૦૨,૦૦૦ની ચોરી  થયાની ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ચોરીમાં જાણભેદુની સંડોવણીની પહેલેથી જ શંકા હતી તે સાચી ઠરી છે. ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલતાં ચોંકાવનારી વિગતો સામે છે. કારખાનેદારની દિકરી પ્રિયંકા પરસાણા (ઉ.૨૦)એ જ પોતાના પ્રેમી ગીત ગુર્જરી સોસાયટી-૧માં રહેતાં હેત કલ્પેશભાઇ શાહ (વણિક) માટે ઘરમાંથી ચોરી કર્યાનું  ખુલતાં પ્રિયંકા અને તેના પ્રેમી હેતની ધરપકડ કરી છે. તે સાથે આ ચોરી ૨૧ લાખની નહિ, પણ અધધધ ૬૪ લાખ ૧૦ હજારની હોવાનું પણ ખુલ્યું છે અને તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

કિશોરભાઇ પરસાણા તા. ૧ના બપોરેકારખાને ગયા હતાં. એ દિવસે તેમના પત્નિ શારદાબેન સોમનાથ ગયા હતાં. પાછળ દિકરી પ્રિયંકા (ઉ.૨૦) એકલી હતી. બપોરે પોણા બે વાગ્યે દિકરી પ્રિયંકા પણ ઘરને લોક કરીને સીએના ટ્યુશનમાં ગઇ હતી. એ પછી પોતે સાંજે સાડા છએક વાગ્યે ઘરે પહોંચ્યા ત્યારે ચોરી થયાની ખબર પડી હતી. તસ્કરો સોનાના ચાર સેટ, કંદોરો, બલોયા, બંગળી, નાના ચેઇન, પેન્ડન્ટ સેટ, લાંબી માળા બે નંગ, પંજા વીંટી સાથે, પાટલા મોટા, બિસ્કીટ બે નંગ, લેડિઝ ઘડીયાળ બે, ઘડીયાળનો બેલ્ટ સોનાનો, માથાની બે પીન, માથાનો ચાંદલો, જેન્ટન્સ પેન્ડન્ટ સાથે ચેઇન, ડાયમંડ બંગડી, લેડીઝ વીંટી, મંગળસુત્ર મળી રૂ. ૧૭,૧૭,૫૦૦ના દાગીના તથા ચાંદીના દાગીના મળી તેમજ દિકરીના સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ. ૨૧,૦૨,૦૦૦ની મત્તા ઉસેડી ગયાનું ફરિયાદમાં જણાવાયું હતું.

તસ્કરોએ મંદિર અંદરની તિજોરી શોધી રામાયણમાં છુપાવેલી ચાવીથી તિજોરી ખોલી હોઇ જાણભેદુની સંડોવણીની પહેલેથી જ શંકા ઉદ્દભવી હતી. ભેદ ઉકેલવા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસીપી જયદિપસિંહ સરવૈયાની દેખરેખ હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઉનડકટ, પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા અને કે. કે. જાડેજાની ટીમો કામે લાગી હતી. જાણભેદુ કે પરિવારની જ કોઇ વ્યકિતની સંડોવણીની શંકા સામે રાખી પરિવારજનોની માહિતી મેળવાઇ હતી.

જેમાં કિશોરભાઇ પરસાણાની દિકરી પ્રિયંકાને એરપોર્ટ રોડ પર ગિતગુર્જરી સોસાયટી-૧માં રહેતાં અને હેત કલ્પેશભાઇ શાહ (ઉ.૨૦) સાથે પ્રેમસંબંધ હોવાની માહિતી સામે આવી હતી. ચોરી થઇ તેના એક દિવસ અગાઉ જ હેત પાઇલોટનો અભ્યાસ કરતો હોઇતેના કલાસીસ માટે બેંગ્લોર ગયાની માહિતી મળી હતી. ટેકનીકલ રીતે તપાસ કરતાં પ્રિયંકા અને હેત એક બીજા સાથે સંકળાયેલા હોવાની પાક્કી શંકા થતાં હેતને શોધવા પીએસઆઇ ડી. પી. ઉનડકટ, હેડકોન્સ. ભરતભાઇ વનાણી, કોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, કોન્સ. પ્રદિપસિંહ જાડેજાની ટીમ બેંગ્લોર પહોંચી હતી.

ત્યાંથી હેતને રાજકોટ લાવ્યા બાદ પ્રિયંકાને પણ બોલાવી ડીસીબી પોલીસ મથક ખાતે મહિલા પોલીસની હાજરીમાં પુછતાછ શરૂ કરવામાં આવતાં ગલ્લા તલ્લા બાદ બંનેએ ચોરીની કબુલાત આપી દીધી હતી. હેત અને પ્રિયંકા ૨૦૧૫થી સીએના અભ્યાસમાં કલાસીસમાં સાથે જતાં હોઇ જેથી બંને પરિચયમાં આવ્યા હતાં અને એક બીજાને પ્રેમ કરવા માંડ્યા હતાં. હાલમાં પ્રેમી હેતને પાઇલોટના કલાસીસ માટે પચાસ-સાંઇઠ હજાર રૂપિયાની જરૂર હોઇ જેથી તેને મદદ કરવા પ્રિયંકાએ પોતાના જ ઘરમાંથી તા. ૨૯/૧૧/૧૮ના રોજ રૂ. ૬૩ લાખના ૩૦૦ તોલા દાગીના, રૂ. ૭૦ હજારના ૨ કિલો ચાંદીના દાગીના તથા રૂ. ૪૦ હજાર રોકડા મળી કુલ રૂ. ૬૪,૧૦,૦૦૦ (ચોસઠ લાખ દસ હજાર)ની મત્તા ચોરીને હેતને આપી દીધી હતી. આ મત્તાનો થેલો પ્રિયંકાએ એસ્ટ્રોન ચોકમાં હેતને આપી દીધો હતો.

બીજા દિવસે એટલે કે ૩૦મીએ હેત ચોરાઉ મત્તાનો થેલો પોતાની પાસે ઘરે રાખી બેંગ્લોર જતો રહ્યો હતો. એ પછી તા. ૧ના રોજ પ્રિયંકાએ ઘરે કોઇ ન હોઇ તક જોઇને ઘરમાં ચોરી થઇ ગયાનું 'નાટક' ઉભુ કર્યુ હતું. એ દિવસે જ ેતેણીના પિતા કિશોરભાઇએ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ ડી. પી. ઉનડકટ, મહાવીરસિંહ જાડેજા, કે. કે. જાડેજા, એએસઆઇ જયદિપસિંહ રાણા, ભરતભાઇ વાઘેલા, હેડકોન્સ. ભરતભાઇ વનાણી, હિતુભા ઝાલા, યુવરાજસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ (ઘનુભા) ચોૈહાણ, પ્રદિપસિંહ જાડેજા, સ્નેહ ભાદરકા, મુકેશભાઇ સભાડ, મિતાલીબેન ઠાકર સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

પ્રસંશનીય કામગીરી બદલ ક્રાઇમ બ્રાંચની ટીમને ૧૫ હજારનું ઇનામ

પોલીસ કમિશ્નર અને જોઇન્ટ પોલીસ કમિશ્નરે ડિટેકશનની પ્રશંસનીય કામગીરી બદલ ટીમને ૧૫ હજારનું ઇનામ આપી અભિનંદન પાઠવ્યા હતાં.

 

(3:44 pm IST)