Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ડ્રાઇવમાં ર૪ આરોપીઓ પકડી પાડતી પોલીસ

મુખ્યમંત્રીની સુચનાથી પોલીસ કમિશનરે જુદી-જુદી ટીમો બનાવીઃ ૩૬ પીએસઆઇ મળી ૧૦૦ પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી

રાજકોટ તા.૧૫: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સુચના અનુસાર ગુજરાતમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાખવામાં આવેલી ડ્રાઇવમાં રાજકોટ પોલીસ કમિશનરે શહેરના તમામ પોલીસ મથકમાં જુદી જુદી ટીમો બનાવી પંદર દિવસમાં ૨૪ નાસતા ફરતા આરોપીઓને પકડી લીધા છે.

મળતી વિગતો મુજબ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સુચનાથી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા તા. ૧થી ૩૧મી સુધી નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ રાખવામાં આવી છે. આ અનુસંધાને શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિ મોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસીપી જયદીપસિંહ સરવૈયા તથા ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ શહેરના કુલ ૧૨ પોલીસ સ્ટેશનમાંથી પ્રત્યેક પોલીસ મથકના બે પીએસઆઇ તથા સ્ટાફ મળી કુલ ૨૪ પીએસઆઇ તથા સ્ટાફ તેમજ ડીસીબીના આઠ પીએસઆઇ સ્ટાફ સાથે, એસઓજીના બે પીએસઆઇ તથા પેરોલ ફર્લો સ્કવોડના એક પીએસઆઇ તથા પીસીબીના પીએસઆઇ મળી કુલ ૩૬ પીએસઆઇ સહિત ૧૦૦ જેટલા પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી છે. રાજકોટ શહેરમાં કુલ ૨૮૮ નાસતા ફરતા આરોપીઓ છે જેમાં ૮૮ રાજકોટ શહેરના અને ૫૯ બીજા શહેરના જુદા જુદા જિલ્લાઓના છે. જયારે ૧૪૧ જેટલા આરોપીઓ રાજય બહારના છે. જેમાં મધ્યપ્રદેશના રપ, પશ્ચિમ બંગાળના રર, ઉત્તર પ્રદેશનાં ૧૪, મહારાષ્ટ્રના ૧૩, હરિયાણાના ૧૨ અને રાજસ્થાનના ૧૬ આરોપીઓ છે. આ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે જુદા જુદા રાજયમાં ટીમો મોકલવામાં આવશે. આ નાસતા ફરતા આરોપીઓની ૨૦૦૦ની સાલથી શરૂ કરવામાં આવી હતી.

આ આરોપીઓને પકડવાની ડ્રાઇવ રાખવામાં આવેલ આ બાબતને અન્ય રાજય સરકારે ગંભીરતા દાખવી તા. ૧૦/૧૨ના રોજ દરેક કમિશ્નરેટ એરિયા તથા જિલ્લા કક્ષાએ કેટલા આરોપીઓ પકડાયેલ છે? અને શું કાર્યવાહી થયેલ છે? તે બાબતે વિડિયો કોન્ફરન્સ યોજી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સંદર્ભે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર  સિદ્ધાર્થ ખત્રી તથા ઝોન-૧ અને ઝોન -રના ડીસીપીના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતાની ડ્રાઇવ દરમિયાન શહેરમાંથી કુલ ૨૪ જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. હજુ વધુ આરોપીઓને પકડવા માટે ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે.(૧.૧૭)

 

(3:47 pm IST)