Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

પતિ દારૂ પી શંકા કરતો એટલે સેજલ લાંબા મરી જવા મજબૂર થઇઃ બે સંતાન મા વિહોણા

દિકરાની બિમારીથી કંટાળીને નહિ, પતિના ત્રાસથી જીવ દીધાનો આરોપઃ આપઘાત કરના ગઢવી પરિણીતાના માતા જશુબેન દાતીની જમાઇ વિરૂધ્ધ ફરિયાદઃ ધરપકડ

રાજકોટ તા. ૧૫: મવડી પ્લોટના ઉદયનગર-૧ શેરી નં. ૨૧માં રહેતી સેજલ કેવીન લાંબા (ઉ.૩૦) નામની ગઢવી પરિણીતાએ ૧૩મીએ ઝેર પી આપઘાત કરી લીધો હતો. જે તે વખતે તેણીએ દિકરાની કેન્સરની બિમારી જોઇ નહિ શકતાં આ પગલું ભર્યાનું જણાવાયું હતું. પણ તેણીના માતા ઘનશ્યામનગર-૧૫માં રહેતાં જશુબેન ભોજુભાઇ દાતી (ઉ.૬૦)એ દિકરી સેજલને તેનો પતિ કેવીન રાણાભાઇ લાંબા દારૂ પી શંકા કરી ત્રાસ આપતો હોવાથી તે મરી જવા મજબૂર થયાના ચોંકાવનારા આક્ષેપો સાથે ફરિયાદ કરતાં મહિલા પોલીસે આઇપીસી ૩૦૬, ૪૯૮ (ક) મુજબ ગુનો નોંધી કેવીન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

જશુબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારી દિકરી સેજલના લગ્ન બાર વર્ષ પહેલા જ્ઞાતિના રિવાજ મુજબ કેવીન લાંબા સાથે થયા હતાં. સેજલને સંતાનમાં ૧૦ વર્ષની દિકરી હર્ષિતા તથા ૫ વર્ષનો પુત્ર શિવરાજ છે. શિવરાજને શરીરમાં લોહી બનતું ન હોઇ તેની અમદાવાદ સારવાર ચાલુ છે. ૧૩મીએ હું ઘરે હતી ત્યારે મારા ભાઇ રમેશભાઇએ જાણ કરી હતી કે સેજલ દવા પી ગઇ છે. આથી હું હોસ્પિટલે ગઇ હતી. જ્યાં તે બેભાન હતી. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

મારી દિકરી ૧૦/૧૨ના રોજ મારાભાઇ લાભુભાઇના ઘરે પ્રસંગમાં આવી ત્યારે પોતાને પતિ કેવીન દારૂ પી શંકા કરી ત્રાસ આપતો હોવાની વાત કરી હતી. આ વાત તેણીએ ભાઇની દિકરી રાજલબેનને તથા પડોશી ભાવીશાબેનને પણ કરી હતી. તેનાથી કંટાળીને તેણે આ પગલું ભરી લીધાનું જણાય છે. જશુબેનના આ આક્ષેપો-ફરિયાદને પગલે પીએસઆઇ સવનીયા અને હિતેન્દ્રભાઇ ગઢવીએ ગુનો નોંધી પતિ કેવીનની ધરપકડ કરી છે. સેજલના મોતથી બે સંતાન મા વિહોણા થઇ ગયા છે.

(3:43 pm IST)