Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ અને જનજાગરણ અભિયાનનો પ્રારંભ

રાજકોટ કોંગ્રેસના પ્રભારી શૈલેષ પરમાર તથા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી નીશીત વ્યાસની ઉપસ્થિતીમાં શહેર કોંગ્રેસની કારોબારી યોજાઇ : આગામી વિધાનસભાની ચૂંટણીમાં સંગઠન મજબુત બનાવવા માર્ગદર્શન

રાજકોટ,તા.૧૫ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં સભ્ય નોંધણી જુંબેશ અને જન જાગરણ અભિયાન શરૂ  કરવામાં આવેલ છે જેના ભાગરૂપે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૧૪ના રોજ નાગર બોર્ડીંગ ખાતે વિસ્તૃત કારોબારી બેઠક યોજવામાં આવેલ હતી.

આ કારોબારી બેઠકમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રભારી શૈલેશભાઈ પરમાર (ધારાસભ્ય) , નીશીતભાઈ વ્યાસ (AICC-ડેલીગેટ) હાજર રહ્યા હતા. આ વિસ્તૃત કારોબારીમાં બંને પ્રભારીશ્રીઓએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા અને સમગ્ર ભારતની પ્રજા આજે મોંઘવારી થી ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે જન જાગરણ અભિયાન સાથે લોકોના પ્રશ્નોની સાથે રહી મોંઘવારી દુર કરવા માટે ગુજરાત અને ભારત સરકારની આંખો ખુલે અને તેઓના કાન સાફ કરી મોંધવારીને કાબુમાં લ્યે તે માટે સૌએ આંદોલન સાથે જોડાઈ લોકોના હિતની જુંબેશ શરૂ કરી તેમજ શહેરના  ૧ થી ૧૮ વોર્ડની અંદર બુથ વાઈઝ સભ્ય નોંધણી ઝુંબેશ આપણે સૌએ સાથે મળી કરીશું. અને આવતી વિધાનસભાની ચુંટણીઓમાં લોકોની અને કોંગ્રેસની સરકાર બને  તે માટેની ઝુંબેશમાં લોકોને આહ્વાન કરેલ તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ કોંગ્રેસ પૂર્વ ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ નવા વર્ષના કોંગ્રેસ પર્રીવારના તમામ લોકોને અભિનંદન પાઠવેલ અને સૌને જનજાગરણ અભિયાન અને સભ્ય નોંધણી જુંબેશમાં લાગી જવા આહવાન કરેલું હતું.

આ કાર્યક્રમનું સંચાલન પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત દ્વારા કરવામાં આવેલ હતું અને આ કાર્યક્રમમાં પૂર્વ વિરોધપક્ષના નેતા પ્રવીણભાઈ રાઠોડ, અતુલભાઈ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, સુરેશભાઈ બથવાર, ધરમભાઈ કામલીયા, કોર્પોરેટર કોમલબેન ભારાઇ, હિમાલયરાજ રાજપૂત, નરેશભાઈ સાગઠીયા, યુનુસભાઈ જુણેજા, વિગેરે આગેવાન તેમજ રાજકોટ શહેર કોંગ્રેસના પરિવારજનો આ વિશેષ કારોબારીમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:27 pm IST)