Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રૂ. ૧૦ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદઃ આરોપીને હાજર થવા સમન્સ

રાજકોટ તા. ૧પઃ અત્રે દીલીપભાઇ તળશીભાઇ સાવલીયા નામના શખ્સ સામે રૂ. ૧૦,૦૦,૦૦૦/-નો ચેક વગર વસુલાતે પરત ફર્યા અંગે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ રાજકોટની કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ છે.

આ કિસ્સાની ટુંકમાં વિગત એવી છે કે, દીલીપભાઇ તળશીભાઇ સાવલીયા, રહે. ૩૦૧, ૩જો માળ, કેપીટલ ગોલ્ડ, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમની સામે, આલાપ ગ્રીન સીટી, રૈયા રોડ, રાજકોટવાળા કે જેઓ શ્રી ખાડીયાર પોલી પેક, જામનગર રોડ, પરાપીપળીયા બસ સ્ટેન્ડ પાછળ, રાજકોટ મુકામે પોતાનો ધંધો કરે છે તેઓને રાજકોટના મનીષાબેન એન. તન્નાના પતિ સાથે મિત્રતાના સબંધ હોય આથી ધંધાના વિકાસ માટે રૂ. ૧૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા દશ લાખ પુરા) હાથ ઉછીના લીધેલા. સદરહું બાકી રકમ ચુકવવા આરોપી એવા દીલીપભાઇ તળશીભાઇ સાવલીયાએ મનીષાબેન એન. તન્નાને રૂ. ૧૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા દશ લાખ પુરા)નો ચેક આપેલ.

સદરહું ચેક આપતી વખતે આરોપીએ ફરીયાદીને એવું પાકુ વચન અને વિશ્વાસ આપેલ કે ફરીયાદી તેમના ખાતાવાળી બેન્કમાં ચેક જમા કરાવ્યેથી ચેકમાં જણાવેલ રકમ મળી જશે. આરોપીના જણાવ્યા મુજબ ફરીયાદીએ તેમના ખાતાવાળી બેંકમાં ચેક રજુ કરતા સદરહું ચેક વગર વસુલાતે પરત ફરેલ. ત્યારબાદ ફરીયાદીએ તેમના એડવોકેટ મારફતે દીલીપભાઇ તળશીભાઇ સાવલીયા ને લીગલ નોટલીસ પાઠવેલ. તેમ છતા આરોપીએ ફરીયાદીને આપેલ ચેકોની રકમ સમય મર્યાદામાં ન ચુકવતા ફરીયાદીએ તેમના એડવોકેટ કિશન એમ. પટેલ મારફતે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ધોરણસરની ફોજદારી ફરીયાદ દાખલ કરતા રાજકોટના ચીફ જયુડી. મેજી. આરોપી દીલીપભાઇ તળશીભાઇ સાવલીયા સામે સમન્સ ઇશ્યુ કરી કોર્ટમાં હાજર થવા ફરમાન જાહેર કરેલ છે.

હાલની ફરિયાદમાં રાજકોટના મનીષાબેન એન. તન્ના વતી રાજકોટના એડવોકેટ કિશન એમ. પટેલ, જયદીપસિંહ બી. રાઠોડ, ભુપેન્દ્ર ટી. ગોહેલ, આદમશા જી. શાહમદાર રોકાયેલા છે.

(5:02 pm IST)