Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

અપહૃત બાળાને શોધવામાં મદદરૂપ થયેલા બે જાગૃત નાગરિક ભૂપતભાઇ અને અતુલભાઇનું સન્માન કરતી રાજકોટ પોલીસ

રાજકોટઃ શનિવારે માંડા ડુંગર વિસ્તારમાંથી આઠ વર્ષની બાળકીનું અપહરણ થઇ જતાં શહેર પોલીસની ટીમોએ દોડધામ આદરી હતી. દરમિયાન આ બાળકી ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી રિક્ષાચાલક ભુપતભાઇ કરસનભાઇ ભખોતરાને મળી આવી હતી. બાળકી રડતી હોઇ તેણે હાથ ઉંચો કરતાં ભુપતભાઇએ રિક્ષા ઉભી રાખી પુછતાછ કરતાં બાળકીએ વિગતો જણાવી હતી. ભુપતભાઇએ પોતાના મિત્ર જય ભગવાન ફેબ્રીકેશનવાળા અતુલભાઇ દામજીભાઇ વાંજાને જાણ કરતાં તેણે ૧૮૧ અભીયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.  એ પછી ગોંડલ સીટી પોલીસને આ બાળકી સોંપાઇ હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબીએ રાજકોટ ક્રાઇમ બ્રાંચને જાણ કરી હતી અને રાજકોટથી અપહરણ થયેલી બાળકીને તેના વાલી સુધી હેમખેમ પહોંચાડવામાં આવી હતી. પોલીસની કામગીરીમાં જાગૃત નાગરિક તરીકે મદદરૂપ થયેલા ભુપતભાઇ ભખોતરા, અતુલભાઇ વાંજાનું આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રશંસાપત્ર એનાયત કરી સન્માન કર્યુ હતું.  આ પ્રસંગે જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી પણ ઉપસ્થિત હતાં.

(4:25 pm IST)