Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ધોરાજીના છાડવાવદરના દલિત આગેવાનો કલેકટર કચેરીએ ઉમટી પડયાઃ આંબેડકર ભવનની જમીન બાબતે ધરણા-દેખાવો

કલેકટર કચેરીમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્તઃ તાલુકા વિકાસ અધિકારી-મામલતદાર તંત્ર અને તલાટી વિરૂધ્ધ લેખીતમાં રજૂઆતો

કલેકટર કચેરી ખાતે ધોરાજીના છાડવાવદરના દલિત આગેવાનોએ આંબેકડર ભવનની જમીન બાબતે મોટી સંખ્યામાં ઉમટી પડી કલેકટર-ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું.

રાજકોટ તા. ૧પ :.. ધોરાજી તાલુકાના છાડવાવદર ગામના સમસ્ત દલિત સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં કલેકટર અને ડીડીઓને આવેદન પત્ર પાઠવી છાડવાવદર ગામમાં દલિત સમાજને આંબેડકર ભવનની જમીન ફાળવવા સ્થાનિક તંત્રની ખોટી નીતિ તથા ગામમાં ભુ-માફીયાઓને છાવરનવાર  પંચાયત તંત્ર વિરૂધ્ધ સમસ્ત દલિત સમાજ દ્વારા આંદોલન કરવા અંગે વિસ્તૃત રજૂઆતો કરી હતી. મોટી સંખ્યામાં આ લોકો આવનાર હોય રાજકોટ કલેકટર કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગાડીઓનો કાફલો ખડકી દેવાયો હતો.

આવેદનમાં ઉમેરાયું કે, અમારા ગામે આંબેડકર ભવન માટે અગાઉ પંચાયત દ્વારા અપાયેલી જમીન બાબતે ફેબ્રુઆરી-ર૦ર૧ થી સતત વિવાદ ચાલી રહ્યો છે.

આ બાબતે સમસ્ત દલિત સમાજ છાડવાવદર દ્વારા અગાઉ આંદોલન કાર્યક્રમ આપવાનું નકકી થયેલ હતું. પરંતુ સ્થાનિક પ્રાંત અધિકારીનું અમારા પ્રશ્ન બાબતે હકારાત્મક વલણ હોય અને અમારો પ્રશ્ન તંત્ર દ્વારા તાત્કાલીક બને તેટલો ઝડપથી નીકાલ કરવાની અમોને ખાત્રી મળતા અમોએ જે તે સમયે અમારૃં આંદોલન મોકુફ રાખેલ હતું. આ પછી વિકાસ અધિકારીશ્રી, નાયબ કલેકટર તેમજ મામલતદાર દ્વારા આ પ્રકરણમાં તાત્કાલીક કાર્યવાહી કરવા સ્થાનિક વિકાસ અધિકારીશ્રીને લેખિત સુચનાઓ આપવા છતાં સ્થાનીક મામલતદાર તંત્રના અમુક અધિકારીઓ યેનકેન પ્રકારે સમસ્ત દલિત સમાજની માગણી મુજબ ભુ-માફીયાઓને છાવરી રહ્યા છે. અને સમસ્ત દલિત સમાજ છાડવાવદરની નિયમ મુજબની  આંબેડકર ભવન બનાવવા માટેની માંગણીના પ્રકરણનો નિકાલ કરવાને બદલે આ પ્રકારને ટલે ચડાવવાના બિનઉપયોગી કાર્યવાહી કરી રહ્યા છે, તેવા આક્ષેપો આવેદનમાં કરાયા છે.

જેથી આ તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર તંત્રની દલિત વિરોધી નીતિના વિરૂધ્ધમાં તથા દલિત સમાજનાં પ્રશ્ન બાબતે સતત ઉદાસીનતા દાખવનાર આ તંત્ર સામે કાર્યવાહીની માંગણી સાથે અમો સમસ્ત દલિત સમાજ છાડવાવદરનાં લોકો સ્થાનિક તાલુકાનાં દલિત આગેવાનો સાથે અમો આજથી આપની કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરીએ છીએ. તેમ આવેદનમાં ઉમેરાયું હતું.

(4:23 pm IST)