Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રેઈનકોટ પાછા કાઢી રાખજો કમોસમી વરસાદ પડશે

બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને સક્રિય : લો પ્રેશરની અસરથી સૌરાષ્ટ્ર-કચ્છ - ગુજરાતમાં માવઠાની શકયતા : બુધવારથી છૂટાછવાયા ઝાપટા, હળવો અને કયાંક કયાંક મધ્યમ વરસાદની પણ સંભાવના, ભેજ વધશે, દિવસનું તાપમાન ઘટશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૫ : આ સપ્તાહમાં સમગ્ર રાજયમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. આગામી તા.૧૭ થી ૨૦ નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને સક્રિય છે. તેમજ લો પ્રેશર બનશે જેથી સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા, હળવો અને કયાંક કયાંક મધ્યમ વરસાદની પણ સંભાવના રહેલી છે. આ દિવસો દરમિયાન ભેજનું પ્રમાણ વધશે. સવારે અને રાત્રીના સમયે અનુભવાતા ઠંડીના ચમકારામાં થોડોક ઘટાડો આવશે. જયારે દિવસનું તાપમાન ઘટશે.

તેઓએ જણાવેલ કે અંદામાનના દરિયામાં અને બંગાળની ખાડી ઉપર એક લોપ્રેશર છે. જેનું અપરએર સાયકલોનીક સરકયુલેશન ૫.૮ કિ.મી.ના લેવલ સુધી ફેલાયેલ છે. આ સિસ્ટમ્સ મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. (ઉતર તામિલનાડુ, દક્ષિણ આંધ્રના દરિયા કિનારા તરફ તા.૧૮ સુધી ગતિ કરશે.) બીજુ એક અપરએર સાયકલોનીક સરકયુલેશન મધ્ય પૂર્વ અરબી સમુદ્ર લાગુ કર્ણાટકના દરિયાકિનારા ઉપર છે. જે ૫.૮ કિ.મી. સુધી ફેલાયેલ છે. જેના લીધે આવતીકાલ સુધીમાં મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં ગોવાથી પશ્ચિમે લો પ્રેશર થશે.

આ લો પ્રેશર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આવતા બે દિવસ ગતિ કરશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ વેસ્ટ ઈન્ડિયામાં અસરકર્તા રહેશે. હાલમાં અરબી બાજુનો અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. બીજા અપરએર સાયકલોનીક સરકયુલેશન વચ્ચે એક બહોળુ સરકયુલેશન ફેલાયેલ છે. આ બધા પરિબળોની સંયુકત અસરથી સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં તા. ૧૭ થી ૨૦ દરમિયાન છૂટાછવાયા ઝાપટા, હળવો વરસાદ અને કયાંક કયાંક મધ્યમ વરસાદની પણ સંભાવના રહેલી છે.

પવનો મુખ્યત્વે ઉત્તર પૂર્વના અને પૂર્વના રહેશે. ભેજનું પ્રમાણ દિવસના તા.૧૮-૧૯ ના રહેશે. વાદળો અવાર-નવાર જોવા મળશે. દિવસના તાપમાનમાં ઘટાડો આવશે.

અશોકભાઈ પટેલે જણાવેલ કે છેલ્લા થોડાક દિવસથી વ્હેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીના ચમકારા જોવા મળે છે. હાલમાં સવારના લઘુતમ તાપમાનમાં પણ વધ-ઘટ જોવા મળે છે. જે ગુલાબી ઠંડીમાં ઘટાડો જોવા મળશે.

(3:22 pm IST)