Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પોલીસને કારણે મારી દિકરી સહીસલામત છે, દરેક માતાને અનુરોધ તમારા બાળકોને સંભાળીને રાખો

માંડા ડુંગર વિસ્તારમાંથી બાળાને ઉઠાવી જનાર રાજૂને શોધવા છ ટીમો કામે લાગી : બાળાની માતાએ માન્યો પોલીસનો આભારઃ પોલીસે બાળાને કપડા-રમકડા અપાવ્યા

આ શખ્સ જોવા મળે તો પોલીસને જાણ કરો :  તસ્વીરમાં દેખાતો આરોપી જોવા મળે તો એસીપી ડી. વી. બસીયા ૯૯૦૯૪ ૬૩૦૬૦, પીઆઇ વી. કે. ગઢવી-૯૭૧૨૫ ૬૯૭૭૭, પીએઅસાઇ પી. એમ. ધાખડા-૯૨૭૫૦ ૦૦૦૧૯, ડીસીબી પોલીસ સ્ટેશન-૦૨૮૧ ૨૪૪૪૧૬૫ અથવા પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન ૦૨૮૧ ૨૪૫૭૭૭૭ ઉપર જાણ કરવા જણાવાયું છે.

રાજકોટ તા. ૧૫: શહેરના માંડાડુંગર વિસ્તારમાં રહેતાં મુળ બિહારના મજૂર પરિવારની ૮ વર્ષની દિકરીને શનિવારે તેના પડોશમાં જ રહેતો રાજૂ નામનો શખ્સ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવા લઇ જવાને બહાને બાઇકમાં બેસાડી અપહરણ કરી ઉઠાવી ગયો હતો. શહેરભરની પોલીસ અને ગ્રામ્ય પોલીસની દોડધામ શરૂ થઇ ગઇ હતી. તેના પગલે ભીંસમાં આવેલો અપહરણકાર બાળકીને ગોંડલ નજીક ઉતારીને ભાગી ગયો હતો. આ બાળકીની માતાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે અપહરણનો ગુનો નોંધી આરોપી રાજૂને શોધી કાઢવા તપાસ યથાવત રાખી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આરોપીને શોધવા છ ટીમો કામે લગાડી છે. બીજી તરફ હેમખેમ મળી આવેલી દિકરીની માતાએ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો અને બીજા દરેક માતાઓ જોગ સંદેશો આપ્યો હતો કે હમેંશા તમારા સંતાનો પર નજર રાખજો. એ આજુબાજુમાં રમતાં હોય તો સતત તેના પર ધ્યાન રાખજો. ગમે તેના પર વિશ્વાસ કદી મુકવો નહિ. અમારી દિકરી જેને મામા કહેતી હતી એ રાજૂ જ તેણીને ભગાડી ગયાનું ખુલ્યું છે. બીજી તરફ આ બાળાને પોલીસ કમિશનર કચેરી ખાતે એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની ટીમે કપડા, મિઠાઇ, રમકડા આપ્યા હતાં અને તેનો ભય દૂર કરવા પ્રયાસ કર્યો હતો. આ કિસ્સામાં બાળકીને તાવ આવતો હોઇ બપોરે તેના પિતા દવાખાને લઇ ગયા ત્યારે રાજુ પણ સાથે ગયો હતો. એ પછી રાજુએ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવા જવું છે એવું કહી બાળાને ફોસલાવી હતી અને બાઇકમાં બેસાડી ઉઠાવી ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં આરોપી જોવા મળ્યો છે. તસ્વીરમાં દેખાતો રાજૂ કોઇને જોવા મળે તો રાજકોટ પોલીસને કે નજીકની પોલીસને જાણ કરવા જણાવાયું છે. આ અપહરણકારને છ ટીમો શોધી રહી છે.

(3:03 pm IST)