Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રાજયપાલ ર૧મીએ રાજકોટઃ ગુરૂકુળમાં ગોષ્ઠિ અને કાકડિયા પરિવારના લગ્ન પ્રસંગમાં હાજરી

રાજકોટ તા. ૧પઃ રાજયપાલ આચાર્ય શ્રી દેવ વ્રત આવતા રવિવારે ર૧મી નવેમ્બરે રાજકોટના મહેમાન બનવાના છે. ગુજરાત હાઇકોર્ટના યુવા એડવોકેટ શ્રી મીત કાકડીયાના લગ્નમાં આચાર્યશ્રી પધારવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે મીત કાડીયા ઉજજવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે અને આઇઆઇટી બોમ્બેમાંથી B.Tech થયેલા છે. રાજયપાલ શ્રી રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળમાં પ્રાકૃતિક ખેતી ઉપર એક વિશિષ્ટ ગોષ્ઠિમાં ઉપસ્થિત રહેનાર હોવાનું પણ આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.

મળતી માહિતી મુજબ રાજયપાલશ્રી રવિવારે બપોર બાદ લગભગ ત્રણ વાગે ખાસ વિમાનમાં રાજકોટ પહોંચી સીધા જ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ જશે. સંસ્થાની મુલાકાત અને સંતો સાથે પરામર્શ પછી પ્રાકૃતિક ખેતી ઉપર એક વિશિષ્ટ ગોષ્ઠિમાં મુખ્ય વકતા તરીકે પ્રવચન આપશે. રાજકોટ ગુરૂકુળ સંસ્થા પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવા એક અભિયાન ચલાવી રહી છે. રાસાયણિક ખાતરના બિનજરૂરી અને બેલગામ ઉપયોગથી જમીનને કાયમી નુકસાન થવા ઉપરાંત ઉત્પાદકતા પણ ઘટે છે અને વિવિધ રોગોને આમંત્રણ આપે એવા ખેતપેદાશોનું નિર્માણ થાય છે. આ અંગે જનજાગૃતિ અભિયાન રાજકોટ ગુરૂકુળ સંસ્થા રાજયભરમાં ચલાવી રહ્યું છે. રાજયપાલશ્રી સંસ્થાની મુલાકાત લીધા બાદ કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીના પુત્ર અને હાલ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ શ્રી મીત કાકડીયાના લગ્નમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે.

(3:24 pm IST)