Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પ્રેમલગ્ન કરનારા જયેશ રાઠોડને કણકોટ પાસે આંતરી અપહરણ કરી ધોલાઇઃ પોલીસે છોડાવ્યો

એ.જી. ચોક પાસે રહેતાં ભરવાડ યુવાને ભરવાડ યુવતિ સાથે જ એક વર્ષ પહેલા લવમેરેજ કર્યા છેઃ ખાર રાખી સસરા સહિતનાએ કારમાં નાંખી કાલાવડના વિરવઇ પાસે વાડીમાં લઇ ગયાઃ મુકત થયા બાદ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૫: કાલાવડ રોડ પર એ. જી. ચોક પાસે સદ્દગુરૂ રૂડા બિલ્ડીંગ પાસે રહેતાં ભરવાડ યુવાન જયેશ બાબુભાઇ રાઠોડ (ઉ.૨૨) નામના યુવાનનું કણકોટ પાસેથી તેના નાના ભાઇની નજર સામે જ સસરા સહિતના શખ્સો કારમાં અપહરણ કરી કાલાવડના વિરવઇ પાસે લઇ જતાં અને ધોલધપાટ શરૂ કરતાં મામલો તાલુકા પોલીસ સુધી પહોંચતા પોલીસે ત્યાં સુધી પહોંચી કાલાવડ પોલીસની મદદથી જયેશને જ્યાં રખાયો હતો ત્યાં પહોંચી તેને મુકત કરાવ્યો હતો. હોસ્પિટલના બિછાનેથી જયેશે પોતાનું અપહરણ કરી બેફામ માર મારવામાં આવ્યાનો આક્ષેપ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ જયેશ રાઠોડ મોઢા-શરીરે ઇજા થયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલે પહોંચતા અને પોતાનું અપહરણ કરી માર મારવામાં આવ્યાનું જણાવતાં તબિબે તેને દાખલ કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. જયેશે હોસ્પિટલના બિછાનેથી વિગતો આપતા જણાવ્યું હતું કે તેણે એક વર્ષ પહેલા કાલાવડના જસાપરના બાબુભાઇ સામતભાઇ ભરવાડની દિકરી પુંજલ સાથે લવમેરેજ કર્યા છે. પોતે એ ગામમાં દૂધની ગાડી લઇને જતો હોઇ પુંજલ સાથે પરિચય થયા બાદ પ્રેમ થયો હતો. ત્યારથી સાસરિયા સાથે મનદુઃખ ચાલે છે. પોતે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે.

ગઇકાલે પોતે અને નાનો ભાઇ રામ બાઇક પર બેસી કાલાવડ રોડ પર જતાં હતાં ત્યારે કણકોટના પાટીયા નજીક પહોંચતા એક ઇકો કારના ચાલકે પાછળથી બાઇકને ઠોકરે લેતાં પોતે અને ભાઇ પડી ગયા હતાં. એ પછી કારમાંથી તેના સસરા બાબુભાઇ તથા બીજા બે શખ્સો ઉતર્યા હતાં અને બંનેને મારકુટ કરી હતી. એ પછી પોતાને ખેંચીને કારમાં નાંખી કાલાવડના વિરવઇ ગામે વાડીમાં લઇ ગયા હતાં અને ત્યાં પણ માર માર્યો હતો.

નાના ભાઇએ ઘરે જઇ પિતાને વાત કરતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં હેડકોન્સ. હરદેવસિંહ સહિતનો સ્ટાફ વિરવઇ પહોંચ્યો હતો. પણ જગ્યા મળતી ન હોઇ કાલાવડ પોલીસની મદદથી પોતાને જે વાડીમાં રખાયો હતો ત્યાં પોલીસ પહોંચી હતી અને પોતાને મુકત કરાવ્યો હતો. મારને કારણે મોઢુ સોજી ગયું હોઇ અને દુઃખાવો થતો હોઇ પોતે આજે સારવાર માટે દાખલ થયાનું જયેશે વધુમાં જણાવ્યું હતું. જયેશના આક્ષેપો અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. જયેશ હોસ્પિટલમાં દાખલ થયા બાદ બંને પક્ષના લોકો પોલીસ મથકે પહોંચ્યા હતાં.

(3:40 pm IST)