Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

લોકકલા નાટય કલાનો સમન્વયઃ દુધાળા-લાઠીમાં અદ્ભૂત કાર્યક્રમ પ્રસ્તૃતી

રાજકોટઃ અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજ શ્રેષ્ઠી સવજીભાઇ ધોળકિયા તેમજ માલદે આહિર-કસુંબલ કલાવૃંદ ઉપલેટાના સંયુકત ઉપક્રમે દુધાળા-લાઠી ખાતે ગાયકો-વાદકો અને નાટ્ય વૃંદ સહિત ૪૦ કલાકાર કસબીઓનાં વિશાળ કાફલા દ્વારા ''લોકગીતો સંગ નાટ્યરંગ'' શિર્ષક હેઠળ નવતર નાટ્યપ્રયોગનું સફળ મંચન થયું હતું. લોકહેયામાં ધબકતા આપણાં લાખેણાં લોકગીતો, દુહા,છંદો પસંદ કરી તેના અર્થ-મર્મ અને ઘટનાતત્વોનું નાટ્ય લેખન તેમજ નિર્માણ માલદે આહિરે કરેલ. દિગ્દર્શન પીઢ નાટ્યકાર નિર્લોક પરમારે કરેલ. લોક ગાયિકા લલીતા ઘોડાદ્રા અને મોજીલાગાયક માલદે આહિર તેમજ વાદ્યવૃંદ દ્વારા લાઇવ સ્ટાઇલમાં લોકગીતો ગવાય અને મંચની બીજી બાજુ લોકગીતોના અર્થ-મર્મનું નાટક ભજવાય, જેમાં કાન  ગોપીના ગીતો, વિનોદગીતો, વીરતા, વિરહ અને ચાકરીના તેમજ ઇતિહાસગીતો સહિતના ''લોકગીતો સંગ નાટ્યરંગનો'' અદભૂત સમન્વય રચાયો હતો. આ કાર્યક્રમમાં અભિનયના ઓજશ કાજલ જોષી, ભરત પરમાર, ગૌતમ દવે, રિમ્પલ નથવાણી, ખ્યાતિ દવે, જયેશ પડિયા, સંજય રાવલ, યશ પંડ્યા, વર્ષા પરમાર, દિવ્યેશ મહેતા, પાયલ રાઠોડ, રાજ વ્યાસ, દેવ્યાનિ જગડ, જતિન જગડ, નિરાલી લાઠીયા, દર્પણ લાઠીગરા, પ્રિતેશ પરમાર, પૂનમ નડીયાપરા અને અંકુશ કોટડીયા, સ્વર અભિનય હસન મલકે, હેતલ રાવલ, શાહરૂખ પઠાણ, વંૃદા નથવાણી તેમજ અન્ય કલાકારોએ પાથર્યા હતા. દિગ્દર્શન સહાયક ગૌતમ દવે, અનીલ જગડ. ધ્વનીમુદ્રણ નિલકંઠ સ્ટુડિયો, રાજકોય પ્રકાશ રચના અને સંચાલન રમિઝ સાલાણી, સંગીત સંચાલન-ગુલામહુસેન અગવાન, સેટીંગ્સ-અશોક લુંગાતર, લાઇટસ-વિવેક પંડ્યા, મેકઅપ-હિમાંશુ પાડલીયા અને કોસ્ચ્યુમ-રાકેશ કડિયાના હતા. પ્રકૃતિના ખોળે યોજાયેલ આ નવતર પ્રયોગને સૌએ મનભરીને માણ્યો હતો.

(3:39 pm IST)