Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

વલ્લભાશ્રય હવેલી પાટોત્સવ શ્રુંખલામાં ત્રીજા દિવસે 'નિત્ય લીલા' કથાનો પ્રારંભ

રાજકોટ : શીતલ પાર્ક, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે નવનિર્માણ પામેલ શ્રી વલ્લભાશ્રય હવેલીના પાટોત્સવની શ્રૃંખલામાં ત્રીજા દિવસે શ્રી હરિરાયજી મહાપ્રભુ રચિત 'નિત્ય લીલા' કથાનો પ્રારંભ ષષ્ટમગૃહના પોરબંદરથી પધારેલા યુવા આચાર્ય પૂ.પા.ગો. શ્રી વસંતકુમારજી મહારાશ્રીના હસ્તે દીપપ્રાગટય કરાવીને થયો હતો. તેઓશ્રીએ વલ્લભાશ્રય હવેલીના કલાત્મક નિર્માણ બદલ ખુશી વ્યકત કરી હતી. દિવ્ય કથા ચરિત્ર નિત્ય લીલા ગ્રંથનો પરિચય આપી શ્રી બાલકૃષ્ણ પ્રભુના નીધિ સ્વરૂપની પ્રાચીન ઐતિહાસીકતા ઉજાગર કરેલ. કથાના આરંભે ષષ્ઠમગૃહના યુવા આચાર્ય પૂ.ગો.શ્રી અક્ષકુમારજી મહારાજ પણ ઉપસ્થિત રહેલ. સમિતિના વૈષ્ણવ અગ્રણીઓ દ્વારા આચાર્યશ્રીઓને માલ્યાર્પણ કરી સ્વાગત કરાયુ હતુ. નિત્ય લીલા કથાના આરંભે જ હવેલી સ્વપ્નદ્રષ્ટા અને વકતા યુવા આચાર્યશ્રી અભિષેકકુમારજીએ પોતાના પિતૃચરણના મનોરથ સ્વરૂપ આ નિર્માણની પ્રેરણાના સ્વીકાર સાથે ગ્રંથ રચિયીતા આદ્ય આચાર્યશ્રી હરિરાય મહાપ્રભુનાં સ્વારૂપ પરિચય કરાવેલ. સ્વમાર્ગીય ગ્રંથોની વિશદ્દ ચર્ચા કરી નિત્ય લીલા કથાનું રસપાન આગળ કરાવ્યુ હતુ. મંગળાથી શયન પર્યંતની બધી જ લીલાઓ વર્ણવવામાં આવેલ. વિવિધ અષ્ઠછાપ કિર્તનો અને વાર્તા પ્રસંગોએ વાતાવરણને દિવ્ય બનાવી દીધુ હતુ. આજે પાટોત્સવના ચોથા દિવસે અમીરસી ઘરાનું દર્શન અને ભરત નાટયમ નૃત્ય નાટીકાનું આયોજન કરાયુ છે. સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ અને ધર્મપ્રેમીજનોએ પધારવા વલ્લભાશ્રય પાટોત્સવ સમિતિ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

(3:37 pm IST)