Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પડધરીના PSI વાઢીયાની તાકીદે બદલી કરોઃ નિર્દોષ ૮ વ્યકિત સામે ગુન્હો દાખલ કર્યો છે

પડધરી - ટંકારા - રાજકોટના કારડીયા રાજપૂત સમાજના ૫૦૦થી વધુ લોકો ઉમટી પડ્યા : પીએસઆઈ દ્વારા માવજીભાઈ ગોહેલના પરીવારને આજે પણ ત્રાસ અપાય છે : કલેકટરને વિસ્તૃત આવેદન

પડધરીના પીએસઆઇ વાઢીયાએ નિર્દોષ લોકોને માર મારતા, અસહ્ય, ત્રાસ, ખોટી રીતે ગુન્હામાં ફીટ કરી દેતા, તેના વિરોધમાં કારડીયા રાજપૂત સમાજના ૪૦૦ થી પ૦૦ લોકો કલેકટર કચેરીએ ઉમટી પડયા હતાં. અને કલેકટરને આવેદન પાઠવ્યું હતું. (તસ્વીર : સંદીપ બગથરીયા) (પ-૧૬)

રાજકોટ, તા. ૧૫ : રાજકોટ - પડધરી - ટંકારા વિસ્તારના સમસ્ત કારડીયા રાજપૂત સમાજે આજે કલેકટરને આવેદન પાઠવી પડધરીના પીએસઆઈ વિરૂદ્ધ વિસ્તૃત રજૂઆતો કરી હતી.

આવેદનમાં જણાવેલ છે કે ગત તા. ૦૯/૧૧/૨૦૧૯ ને શનિવારના રોજ મોડીરાત્રે પડધરી ગામમાંથી પડધરી પોલીસની ટીમે એક અજાણ્યા શખ્સની અંદાજીત રાત્રે ૧૧:૩૦ વાગ્યે પકડ કરેલ આ આરોપી પોલીસ જાપ્તામાંથી પોલીસ સાથે જપા-જપી કરી એક કોન્સ્ટેબલને મારીને ભાગેલ. ભાગતા ભાગતા આ શખ્સ પડધરી ગામનાં નાના રાજપુતપરામાં માવજીભાઈ જેમલભાઈ ગોહેલના ફળીયામાં દોડતો ઘુસી આવેલ અને તેમના મકાન ઉપર ચડી વંડી ઠેકીને પાછળની તરફ નાસી ગયેલ.

તેમની પાછળ એક પોલીસ કોન્સ્ટેબલ સાદા ડ્રેસમાં પાછળ દોડતા માવજીભાઈના ઘરમાં દોડી આવેલ જયા તેમના ઘરના મકાનનાં બારણાને પાટા મારી ખોલવાની કોશિષ કરેલ એ દરમિયાન આ પરીવારજનો જાગીને બહાર આવેલ હતા અને આજુબાજુમાં રહેતા લોકો પણ બહાર નીકળી આવેલ અને આ પોલીસ કોન્સ્ટેબલને ચોર સમજીને પકડી લીધેલ ત્યારબાદ આ પોલીસ કોન્સ્ટેબલએ તેમનો પરીચય અને ઓળખ આપતા ત્યા ભેગા થયેલ લોકોએ તેમને પાણી પીવડાવેલ અને તેમના પોતાના મોટર સાયકલ પર તેમને પોલીસ સ્ટેશન સુધી પહોચાડેલ. ત્યારબાદ રાત્રે ૧:૩૦ વાગ્યે પડધરી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.વી.વાઢીયાએ ઘરેથી માવજીભાઈ જેમલભાઈ ગોહેલ,મનીષભાઈ ગોહિલને પોલીસ સ્ટેશન લઈ જઈ તેમને ઢોર માર મારેલ અને તેમની સામે તથા અન્ય નિર્દોષ ૮(આઠ) વ્યકિતઓ સામે રાયેટીંગનો ગુનો દાખલ કરેલ છે.

ઉપરોકત તમામ લોકો નિર્દોષ છે. કયારેય પણ કોઈપણ ગુનાહીત પ્રવૃતી સાથે સંકળાયેલ નથી. અને ખરેખરના ગુનેગાર સાથે કોઈપણ જાતનો સંબંધ ધરાવતા નથી. અને એ લોકોના પરીવારજનોને પડધરીના પી.એસ.આઈ. જે.વી.વાઢીયા દ્વારા આજના દિવસે પણ ખુબ જ ત્રાસ અપાઈ રહેલ છે તો આથી અમારી માંગણી છે કે આ ઘટનાની ન્યાયીક તપાસ થાય પી.એસ.આઈ. જે.વી.વાઢીયાની તાત્કાલીક અસરથી બદલી કરવામાં આવે અને આ ઘટનાનો ભોગ બનેલાઓને ન્યાય આપવામાં આવે. જો અમારી રજુઆતને ધ્યાનમાં લેવામાં નહી આવે તો અમો ગાંધી ચીંધ્યામાર્ગે આમરણાંત ઉપવાસ આંદોલન કરીશું નોંધ લેવી.

આજે આવેદન દેવામાં કારડીયા રાજપૂત સમાજના સંખ્યાબંધ લોકો ઉમટી પડ્યા હતા અને મહેશ રાજપૂતની આગેવાની હેઠળ આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર કરી વિસ્તૃત રજૂઆતો કરી હતી. આવેદનની નકલ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપીને પણ મોકલાઈ છે.

આવેદન પત્ર દેવામાં આગેવાનો સર્વશ્રી મહેશભાઇ રાજપૂત, યુવરાજસિંહ ડોડીયા, ચંદુભા પરમાર, ડો. વિજય પરમાર, દેવાભાઇ ડોડીયા, દોલતભાઇ ડોડીયા,  હિતેશ પરમાર, વિગેરે જોડાયા હતાં.

(3:54 pm IST)