Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

કપડા ધોવા આપ્યા'તા પણ સમજવામાં ભુલ થઇ જતાં ખાલી ઇસ્ત્રી કરી એટલે ધોબી યુવાનની થઇ ધોલાઇ

ગાંધીગ્રામ શ્યામનગરમાં કોલેજીયન લોન્ડ્રીવાળા નિલેષ વાળાને ઇન્દુભા સહિતે ધોકાથી માર માર્યો

રાજકોટ તા. ૧૫: સામાન્ય બાબતમાં મારામારીના બનાવો અવાર-નવાર બનતા રહેતા હોય છે. દરમિયાન ગાંધીગ્રામ શ્યામનગરમાં ધોબી યુવાનથી સમજવામાં ભુલ થઇ જતાં ધોવા માટે અપાયેલા કપડાને ધોવાને બદલે ઇસ્ત્રી કરી નાંખતા જેના કપડા હતાં એ દરબાર યુવાને ડખ્ખો કરી તેને ધોકાથી ફટકારતાં સારવાર માટે દાખલ કરવો પડ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીગ્રામ શ્યામનગર-૧માં માધવ હોલ પાછળ રહેતાં અને શ્યામનગર-૨માં કોલેજીયન ડ્રાયકલીનર્સ નામે ધોબી કામની દૂકાન ધરાવતાં નિલેષ ભીખુભાઇ વાળા (ઉ.૨૫) નામના ધોબી યુવાનને રાતે નવેક વાગ્યે પોતાની દૂકાને હતો ત્યારે ગાંધીગ્રામના જ ઇન્દુભા અને બીજા અજાણ્યા શખ્સોએ આવી ઝઘડો કરી ધોકાથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડા અને રવિભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

જાણવા મળ્યા મુજબ નિલેષના ભાઇ જયેશભાઇ દૂકાને હતાં ત્યારે ઇન્દુભા તેને પોતાના કપડા આપી ગયા હતાં. આ કપડા ધોવાના હતાં. પરંતુ નિલેષભાઇથી સમજવામાં ભુલ થઇ જતાં આ કપડાને ઇસ્ત્રી કરીને મુકી દીધા હતાં. રાતે ઇન્દુભા કપડા લેવા આવ્યા ત્યારે માત્ર ઇસ્ત્રીનું બીલ મંગાતા ઇન્દુભાએ મેં કપડા ધોવાનું કીધું તું ને તમે ખાલી ઇસ્ત્રી જ કરી? તેમ કહી ગાળાગાળી કરી ધોકાથી હુમલો કરી માર માર્યો હતો.

(12:59 pm IST)